ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં જોડાયા આ 4 દિગ્ગજ, શ્રીલંકા પ્રવાસ પર આપશે કોચિંગ
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગંભીર 27 જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે.

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગંભીર 27 જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ વનડે અને ત્રણ T20 મેચ રમવાની છે. શ્રીલંકા જતા પહેલા ગંભીરે 22 જુલાઈના રોજ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમની સાથે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા.
ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફ વિશે મોટી માહિતી આપી હતી. ગંભીરે કહ્યું કે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના દિગ્ગજ ખેલાડી રયાન ટેન ડોશેટ શ્રીલંકા પ્રવાસમાં સહાયક કોચની ભૂમિકા ભજવશે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સાંઈરાજ બહુતુલે આ પ્રવાસમાં વચગાળાના બોલિંગ કોચ હશે. જ્યારે ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે શ્રીલંકા જશે.
https://twitter.com/ANI/status/1815267495743512942
ગૌતમ ગંભીરે કહ્યું કે, 'આ કોચિંગ સ્ટાફનો સાર છે, પરંતુ અમે શ્રીલંકા પ્રવાસ પૂરો થયા પછી તેને અંતિમ સ્વરૂપ આપીશું. શ્રીલંકા સિરીઝ પછી અમારી પાસે સમય હશે. મને ખેલાડીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હા, અભિષેક (નાયર) સહાયક કોચ છે અને રેયાન ટેન ડોશેટ પણ સહાયક કોચ છે. મને આશા છે કે અભિષેક અને રેયાન કોચના રૂપમાં સફળ થશે. ગંભીરે કહ્યું, 'અભિષેક નાયર, સાઈરાજ બહુતુલે અને દિલીપ પણ ત્યાં જઈ રહ્યા છે. તો રયાન ટેન ડોશેટ કોલંબોમાં ટીમ સાથે જોડાશે.
રયાન ટેન ડોશેટ અને અભિષેક નાયરે IPL 2024 દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં ગંભીર સાથે કામ કર્યું હતું. રયાન ટેન ડોશેટ IPL 2024માં KKRના ફિલ્ડિંગ કોચ હતા. જ્યારે નાયર આસિસ્ટન્ટ કોચ હતા. રેયાન ટેન ડોશેટે નેધરલેન્ડ માટે 33 ODI અને 24 T20 મેચ રમી છે. જે દરમિયાન વન ડેમાં 67ની એવરેજથી 1541 રન બનાવ્યા હતા. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં ડોશેટના નામે 41ની એવરેજથી 533 રન છે. ડોશેટે ટી20 ઈન્ટરનેશનલમાં 68 વિકેટ પણ લીધી હતી. અભિષેક નાયરની વાત કરીએ તો તેને ભારત માટે માત્ર 3 ODI મેચમાં ભાગ લેવાની તક મળી. જોકે, નાયર કોચ તરીકે ખૂબ જ સફળ રહ્યો છે.
ટી. દિલીપ દ્રવિડના કાર્યકાળમાં પણ ટીમના ફિલ્ડિંગ કોચ હતા. સાઈંરાજ બહુતુલે સતત ત્રણ વર્ષ સુધી બંગાળ રણજી ટીમના કોચ પણ રહ્યા.
જણાવી દઈએ કે, ભારતીય ટીમ 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન 12 દિવસમાં કુલ 6 મેચ રમશે. જેમાં પહેલા 3 T20 સિરીઝ મેચ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈએ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે.
ટી20 મેચ પૂરી થયા બાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. ત્યાર બાદ બાકીની બે વનડે મેચ 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.








