ધનતેરસે મહાલક્ષ્મી, કુબેર અને ધન્વંતરીનું કરો પૂજન, જાણો શુભ મુહૂર્ત અને મંત્રવિધિ

6 નવેમ્બરે ધનતેરસનો પવિત્ર અવસર; લક્ષ્મી, કુબેર અને ધન્વંતરીની સંયુક્ત આરાધનાનું વિશેષ મહત્ત્વ, જાણો શુભ મુહૂર્ત, મંત્ર અને સંપૂર્ણ પૂજાવિધિ
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ
સનાતન ધર્મમાં ધનતેરસના પર્વનું ધન, ઐશ્વર્ય, આરોગ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 6 નવેમ્બર, 2026ના રોજ ધનતેરસ અને ધન્વંતરી જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે માતા મહાલક્ષ્મી, ધનના દેવતા કુબેર અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની સંયુક્ત આરાધના કરવાની પરંપરા છે. ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, ધનતેરસના દિવસે યોગ્ય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરવાથી સ્થિર લક્ષ્મી, ધન-ધાન્ય, વેપાર-રોજગારમાં પ્રગતિ અને પરિવારના આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસની પૂજાનું વિશેષ પુણ્યફળ મળે છે.
ધનતેરસના શુભ મુહૂર્ત
શુક્રવાર, 6 નવેમ્બર 2026ના રોજ પૂજા માટે જણાવવામાં આવેલા શુભ સમય નીચે મુજબ છે:
-
સવારે 8:12થી 9:36: લાભ ચોઘડિયું
-
સવારે 9:36થી 10:59: અમૃત ચોઘડિયું
-
બપોરે 12:01થી 12:45: અભિજિત મુહૂર્ત
-
બપોરે 12:24થી 1:47: શુભ ચોઘડિયું
-
સાંજે 4:35થી 5:57: ચલ ચોઘડિયું
-
રાત્રે 9:11થી 10:47: લાભ ચોઘડિયું
-
મધરાતે 12:23થી 2:00: શુભ ચોઘડિયું
-
રાત્રે 2:00થી 3:36: અમૃત ચોઘડિયું
-
વહેલી સવારે 3:36થી 5:13: ચલ ચોઘડિયું
મહાલક્ષ્મી પૂજન માટે જરૂરી સામગ્રી
માતા લક્ષ્મીના પૂજનમાં કમળ, ગુલાબ અને સફેદ સુગંધિત પુષ્પોનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ ઉપરાંત કંકુ, ચંદન, અક્ષત, અબીલ-ગુલાલ, સિંદૂર, કમળકાકડી, કેસર, ગંગાજળ, પંચામૃત, અત્તર, કપૂર, ધૂપ, ઘીનો દીવો, મીઠાં ફળ અને મીઠાઈ પ્રસાદ માટે રાખી શકાય છે. મંત્રજાપ માટે કમળકાકડી અથવા સ્ફટિકની માળા ઉપયોગી ગણાય છે.
ગણેશ પૂજનથી કરો શરૂઆત
શુભ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. પૂજાસ્થળે બાજઠ ઉપર લાલ અથવા રેશમી વસ્ત્ર પાથરી સૌપ્રથમ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ ભગવાન ગણેશનું કંકુ, અક્ષત અને પુષ્પોથી પૂજન કરી લાડુ અથવા મોદકનો ભોગ ધરાવવો. રિદ્ધિ-સિદ્ધિનું સ્મરણ કરીને વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરવી.
મહાલક્ષ્મીના સિક્કા અને મૂર્તિનું પૂજન
માતા લક્ષ્મીની ધાતુની મૂર્તિ અથવા પરંપરાગત સિક્કાને ગંગાજળ અને પંચામૃતથી શુદ્ધ કરી લાલ વસ્ત્ર પાથરેલા બાજઠ પર સ્થાપિત કરવાં. ત્યારબાદ કંકુ, અક્ષત, પુષ્પ, નાડાછડી અને મીઠાઈનો ભોગ ધરાવવો.
મહાલક્ષ્મી બીજમંત્ર:
-
ૐ હ્રીં॥
-
ૐ શ્રીં॥
સ્થિર લક્ષ્મી અને સમૃદ્ધિ માટે નીચેના મંત્રોમાંથી કોઈ એકનો 3, 6 અથવા 9 માળા જાપ કરવાની પરંપરા છે.
-
ૐ હ્રીં શ્રીં નમઃ॥
-
ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥
કુબેર દેવની આરાધના
માતા લક્ષ્મીના પૂજન બાદ ધન અને ઐશ્વર્યના અધિપતિ કુબેર દેવની મૂર્તિ, છબી અથવા યંત્રનું પુષ્પ, અક્ષત, ધૂપ અને દીપથી પૂજન કરવું.
કુબેર મંત્ર:
-
ૐ શ્રી કુબેરાય નમઃ॥
-
ૐ શ્રી યક્ષાય નમઃ॥
કુબેર મહામંત્ર:
ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥
ધન્વંતરી પૂજનથી આરોગ્યની પ્રાર્થના
ધનતેરસ ભગવાન ધન્વંતરીની જયંતી તરીકે પણ ઉજવાય છે. તેમને આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. તેમની પૂજામાં લવિંગ, એલચી, મધ અથવા ઔષધીય સામગ્રી અર્પણ કરી પરિવારના સારા આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
ધન્વંતરી મંત્ર:
ૐ ધન્વંતરયે નમઃ॥
આ મંત્રની એક માળા જાપ કરવાની પરંપરા છે.
યમદીપદાનનું પણ છે વિશેષ મહત્ત્વ
ધનતેરસની સાંજે યમરાજના નામે દીપદાન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વિધિ અકાળમૃત્યુના ભયથી રક્ષણ અને પરિવારના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. આ માટે ઘઉંના લોટનો દીવો બનાવી તેમાં રૂની બે લાંબી વાટથી ચાર મુખ તૈયાર કરવામાં આવે છે. તેમાં તલનું તેલ અને કાળા તલ નાખીને દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ ઘરની બહાર સુરક્ષિત સ્થળે દક્ષિણ દિશા તરફ દીવો રાખીને યમરાજનું સ્મરણ કરવામાં આવે છે.
આરતી બાદ પૂજાનું ઉત્થાપન
મહાલક્ષ્મી, કુબેર અને ધન્વંતરી દેવની આરતી કરીને ધન-ધાન્ય, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને રોજગાર-વ્યવસાયમાં પ્રગતિ માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ શુભ મુહૂર્તમાં પૂજાનું ઉત્થાપન કરી માતા લક્ષ્મીના પૂજિત સિક્કા અથવા ધનને પરંપરા મુજબ તિજોરી કે કબાટમાં પવિત્ર સ્થાને રાખવાં. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, ધનતેરસની પૂજામાં મહાલક્ષ્મી ધન અને સમૃદ્ધિ, કુબેર દેવ ઐશ્વર્ય અને ભગવાન ધન્વંતરી આરોગ્યના પ્રતીક છે. શ્રદ્ધા અને શુદ્ધ ભાવના સાથે ત્રણેય દેવોની આરાધના કરવાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.










