VIDEO: કેમ ગુસ્સે ભરાયેલા લક્ષ્મીજીએ તોડવો પડ્યો હતો પ્રભુ જગન્નાથનો રથ? જાણો 'હેરા પંચમી'નો રોચક ઈતિહાસ
ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા 16 જુલાઈના રોજ શ્રદ્ધા સાથે નીકળી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથ પર સવાર થઈને નગર ચર્યા કરી રહ્યા છે. ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો રથયાત્રામાં સામેલ થાય છે અને રથ પણ ખેંચે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી એક વિશેષ કથા પણ છે, જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. આ કથા લક્ષ્મી માતાની નારાજગી સાથે જોડાયેલી છે. ભગવાન જગન્નાથ અને લક્ષ્મી માતાની આ કથા 'હેરા પંચમી' સાથે સંબંધ ધરાવે છે. 'હેરા' નો અર્થ થાય છે ‘શોધવું’ અને 'પંચમી' એટલે કે 'પાંચમો દિવસ'. પુરીમાં આજે પણ ભગવાન જગન્નાથ અને માતા લક્ષ્મીની આ લીલા દર્શાવવામાં આવે છે. આ લીલાને 'હેરા ગોહા' તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જાણો આ પ્રચલિત કથા વિશે -
જગન્નાથ રથયાત્રા દરમિયાન માતા લક્ષ્મી કેમ નારાજ થાય છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જગન્નાથ રથયાત્રાના પાંચમા દિવસે હેરા પંચમી મનાવવામાં આવે છે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ હેરા પંચમી મનાવાય છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજી ભગવાન જગન્નાથને મળવા માટે ગુન્ડિચા મંદિર જાય છે. ગુન્ડિચા મંદિર ભગવાન જગન્નાથના માસીનું ઘર માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથયાત્રા માટે નીકળે છે, ત્યારે તેઓ માતા લક્ષ્મીને વચન આપે છે કે તેઓ જલ્દી પાછા ફરી જશે. પરંતુ જ્યારે ભગવાન જગન્નાથ પોતાના માસીના ઘરે ગુન્ડિચા મંદિર પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં જ રોકાઈ જાય છે. આનાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
આથી રથયાત્રાના પાંચમા દિવસે લક્ષ્મી માતા પાલખીમાં સવાર થઈને ગુન્ડિચા મંદિર પહોંચે છે. તેઓ ભગવાન જગન્નાથ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરે છે અને પ્રભુ તેમને જલ્દી પાછા આવવાનું વચન આપે છે. છતાં માતા લક્ષ્મી સંતુષ્ટ થતા નથી. નારાજગીમાં લક્ષ્મી માતા ભગવાન જગન્નાથના રથ 'નંદીઘોષ'ને આંશિક રીતે (થોડો) તોડી નાખે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ માતા લક્ષ્મીને મનાવે છે. ત્યારથી જ હેરા પંચમીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

