VIDEO: જગન્નાથ મંદિરમાં કેમ 56 ભોગ પહેલા ધરાવાય છે ખીચડીનો પ્રસાદ? જાણો મંદિરમાં સૌથી પહેલા ખીચડીનો ભોગ ધરાવવા પાછળનું રહસ્ય!
દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ (અષાઢી બીજ) પુરીના જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા નીકળે છે. રથયાત્રાનો આ વાર્ષિક ઉત્સવ 9 દિવસ સુધી ચાલે છે. રથયાત્રાના પહેલા દિવસે ભગવાનના રથને 5 કિમી સુધી ખેંચવામાં આવે છે અને આ રથ ગુન્ડિચા મંદિર સુધી પહોંચાડવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણના માસીનું મંદિર છે. ત્યાં ભગવાન જગન્નાથ 8 દિવસ સુધી માસીના ઘરે રહે છે અને 9મા દિવસે એટલે કે દેવપોઢી એકાદશીના એક દિવસ પહેલા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે. આ રથયાત્રા જોવા માટે માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ ભક્તો આવે છે.
ભોગ ધરાવવાનું ક્યારેય ન ભૂલતા કર્માબાઈ
જો તમે જગન્નાથ મંદિર ગયા હોવ તો તમે જોયું જ હશે કે ત્યાં સૌથી પહેલા ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. ખરેખર, આની પાછળ એક કથા પ્રચલિત છે. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથના એક પરમ ઉપાસક ભક્ત હતા કર્માબાઈ, જે ભગવાનને પોતાના પુત્ર માનતા હતા અને તે જ રીતે તેમને સ્નેહ પણ કરતા હતા. કર્માબાઈ સાવ વૃદ્ધ મહિલા હતા, પરંતુ રોજ ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાનું ક્યારેય ભૂલતા નહોતા. એકવાર કર્માબાઈના મનમાં થયું કે કેમ એકવાર પોતાના હાથે ભગવાન જગન્નાથને ભોગ ન ધરાવું? પરંતુ તેમના મનમાં શંકા પણ હતી કે શું તેમને તે પસંદ આવશે કે નહીં.
ભગવાને જાણી લીધી કર્માબાઈના મનની ઈચ્છા
ભગવાન જગન્નાથ કર્માબાઈના મનની ઈચ્છા જાણી ગયા અને તેઓ એક દિવસ વહેલી સવારે તેમના ઘરે પહોંચી ગયા અને બોલ્યા કે મને ખૂબ ભૂખ લાગી છે એટલે કંઈક ઝટપટ બનાવીને આપી દો. ત્યારે તેમણે તરત જ ખીચડી બનાવી દીધી, કારણ કે તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો. કર્માબાઈએ ભગવાનને ખીચડી પીરસી દીધી અને ભગવાન ખૂબ જ હોંશે હોંશે ખીચડી ખાવા લાગ્યા અને કર્માબાઈને કહ્યું કે મને આ ખૂબ જ પસંદ આવી છે, હવેથી હું રોજ ખીચડી ખાવા આવીશ. ભગવાન જગન્નાથની વાત સાંભળીને કર્માબાઈ ખૂબ પ્રસન્ન થયા. તે દિવસ પછીથી કર્માબાઈ રોજ સવારે વહેલા ખીચડી બનાવી દેતા અને ભગવાન પણ ખીચડી ખાવા આવી જતા અને મંદિરના કપાટ ખુલતા પહેલા પરત ચાલ્યા જતા.
મહાત્માએ જણાવ્યા ભોગ ધરાવવાના નિયમો
એક દિવસ જ્યારે કર્માબાઈ ખીચડી બનાવી રહ્યા હતા ત્યારે એક મહાત્માએ જોયું કે કર્માબાઈ સ્નાન કર્યા વિના અને રસોડું સાફ કર્યા વિના જ ખીચડી બનાવી રહ્યા છે. ત્યારે મહાત્માએ કર્માબાઈને સમજાવ્યા કે આવું કરવું ખોટું છે. જો પ્રભુ માટે ભોગ બનાવી રહ્યા છો તો સ્નાન કરીને અને સાફ-સફાઈ સાથે નિયમોનું પાલન કરતા ભોજન તૈયાર કરો. મહાત્માની વાત કર્માબાઈને સમજાઈ ગઈ. બીજા દિવસે ભગવાન જગન્નાથ કર્માબાઈના ઘરે પહોંચ્યા અને ખીચડીની રાહ જોવા લાગ્યા, કારણ કે કર્માબાઈ સ્નાન અને સાફ-સફાઈ પર ધ્યાન આપી રહ્યા હતા અને નિયમો અનુસાર ભોજન તૈયાર કરી રહ્યા હતા. આવામાં મોડું થતાં ભગવાને ઉતાવળે ઉતાવળે ખીચડી ખાધી અને મોઢું ધોયા વિના જ ભાગ્યા, કારણ કે મંદિરના કપાટ ખુલવાનો સમય થઈ ગયો હતો.
મહાત્માએ કર્માબાઈની માફી માંગી
મંદિરના પૂજારીએ કપાટ ખોલતી વખતે જોયું કે ભગવાન જગન્નાથના મુખ પર ખીચડી લાગેલી છે. જ્યારે પૂજારીએ ભગવાન પાસે આનું કારણ જાણ્યું તો ભગવાને બધું જ જણાવી દીધું અને કહ્યું કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે. જો સાચા મનથી ભક્ત માત્ર પાંદડાનો ભોગ પણ ધરાવે, તો તેનો સ્વાદ સોના-ચાંદીની થાળીઓમાં પીરસેલા ભોગ કરતાં પણ વધુ હોય છે. જે સ્વાદ ભક્તના ભાવમાં હોય છે, તે 56 ભોગમાં પણ નથી હોતો. જ્યારે આ વાત મહાત્માને ખબર પડી તો તેમને ખૂબ પસ્તાવો થયો અને તેમણે કર્માબાઈની માફી પણ માંગી અને કહ્યું કે તું જેવો ભોગ ધરાવવા ઈચ્છે છે, તેવો જ ધરાવ. મહાત્માએ કહ્યું કે ભગવાનને તો માત્ર આસ્થા અને શ્રદ્ધા જ જોઈએ છે, ઈશ્વરને પામવા માટે આનાથી મોટો કોઈ નિયમ નથી.
આ રીતે શરૂ થયો ખીચડીનો ભોગ
થોડા દિવસો પછી કર્માબાઈએ દેહ ત્યાગ કર્યો. તે દિવસે પૂજારીએ મંદિરના કપાટ ખોલ્યા તો જોયું કે ભગવાન જગન્નાથની આંખોમાં આંસુ હતા. પૂજારીએ પૂછ્યું, "હે પ્રભુ! આખરે શું થયું છે, તમે કેમ રડી રહ્યા છો?" ત્યારે ભગવાન જગન્નાથ કે પૂજારીને કહ્યું, "આજે મારી મા કર્માબાઈ આ લોક છોડીને મારા લોકમાં આવી ગયા છે. હવે મને ખીચડી કોણ ખવડાવશે? તે જે પ્રેમથી ખીચડી બનાવતી અને મને જમાડતી હતી, હવે એવું કોણ કરશે?" ત્યારે પૂજારીએ કહ્યું કે, "હે પ્રભુ, અમે તમને તમારી માતાની ખોટ વર્તાવા નહીં દઈએ. આજ પછી તમારા માટે સૌથી પહેલા ખીચડીનો જ ભોગ ધરાવવામાં આવશે."
બસ, ત્યારથી જ ભગવાન જગન્નાથ માટે રોજ સવારે સૌથી પહેલા ખીચડી બનાવવામાં આવે છે અને તેનો ભોગ ધરાવવામાં આવે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

