VIDEO: અમદાવાદમાં મેઘરાજા જગન્નાથજી પર જળાભિષેક કરે તેવી શક્યતા, ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં થોડા દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા ફરી મેઘમહેર કરવાના મૂડમાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ અને ઓડિશા તરફ આગળ વધતી સિસ્ટમને પગલે રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે(16 જુલાઈ) અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળવાની છે, ત્યારે વરસાદની આગાહીને પગલે રથયાત્રામાં મેઘરાજા જગન્નાથજી પર જળાભિષેક કરે તેવી શક્યતા છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી 21 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ સહિતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. તેવામાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
87 તાલુકામાં વરસાદ
15 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર, રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં 1.57 ઇંચ, વલસાડના પારડીના 1.54 ઇંચ, અમદાવાદના ધોલેરા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારીના ખેરગામ સહિત 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

