VIDEO: અમદાવાદમાં રથયાત્રાને લઈ લોખંડી બંદોબસ્ત; 30 હજાર પોલીસ જવાનો રહેશે ખડેપગે
અમદાવાદમાં રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા શહેર પોલીસ પણ સજ્જ બની છે. અમદાવાદના નવા પોલીસ કમિશનરે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રથયાત્રાના પર્વને લઈ સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. સવારે 7 વાગ્યાથી રાત્રિના 8.30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિરે પરત ફરશે, ત્યાં સુધી મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે.
30 હજાર પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત
પોલીસ બંદોબસ્તમાં 10 DIG/IG, 42 SP/DCP, 93 ACP, 303 PI, 673 PSI સહિત 1100થી વધુ પોલીસ અધિકારીઓ અને 30 હજાર પોલીસકર્મીઓ, હોમગાર્ડ , SRPની ટુકડીઓ, 5 RAF, અને પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત રહેશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુવિંગ બંદોબસ્ત સંભાળવામાં આવશે. રથયાત્રામાં 103 ટ્રકો, ગજરાજ, અખાડાઓ અને ભજનમંડળીઓ આકર્ષણનું કેન્દ્ર રહેશે, આ સાથે છેલ્લા દોઢ માસથી અનેક કાર્યક્રમ દ્વારા પોલીસે કોમી એકતા અને લોકોમાં ભાઈ ચારો વધે તે કામગીરી કરી છે.
5000 અસામાજિક તત્વોની અટકાયત
3700 જેટલા CCTV કેમેરા અને 100થી વધુ ડ્રોન કેમેરા દ્વારા પોલીસ મોનીટરીંગ કરશે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 90 જેટલા ઈસમોની પાસા હેઠળ જયારે 5000 અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે. રુટ પર આવતા 8 પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ હશે અને પોલીસ કમિશનર કચેરી ખાતે 12 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

