શનિનું મીનમાં ગોચરઃ તમારા જીવન પર શું અસર થશે?

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
કર્મ ફળ દાતા શનિ મીન રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. શનૈશ્ચર એટલે ધીમે ચાલનારો. ધીમે-ધીમે ચાલતા ચાલતા શનિ દેવે કુંભ રાશિ સમાપ્ત કરી છે અને હવે તેઓ મીન રાશિના દ્વાર પર આવીને ઊભા છે. 29મી માર્ચે રાતે 08.16 વાગ્યે શનિદેવ રાશિ પરિવર્તન કરશે. ત્રીજી જુન 2027 સુધી રહેશે. મીન રાશિમાં શનિ કેવું ફળ આપે છે તે વિશે સંસ્કૃત ગ્રંથોમાં શું કહ્યું છે તે જોઈએ.
"शनिर्नेत्रपतेस्तुल्यः शीतलो मन्दगामिकः।
मीनगः शत्रुपक्षे च, कष्टदः कर्मनाशकः॥"
વરાહમિહિર કૃત બૃહત સંહિતામાં લખ્યું છે કે શનિ જ્યારે મીન રાશિમાં ગોચર કરે ત્યારે તે આંખોના દુઃખ, શારીરિક શ્રમ, ક્રોધ અને કર્મમાં વિઘ્ન લાવનારો બને છે. મીન રાશિમાં શનિ શત્રુ રાશિમાં હોય તેવો લાગે છે, જેના કારણે આ અવસ્થામાં શારીરિક તેમજ માનસિક કષ્ટો વધી શકે છે.
કાલિદાસ રચિત ઉત્તર કાલામૃત ઉવાચ
"शनिर्नीलोत्पलश्यामो रूक्षदृष्टिर्महाभयः।
मीनस्थो यदि च स्फीतो, ध्यानिनां शुभदः स्मृतः॥"
શનિ જ્યારે મીન રાશિમાં હોય અને મજબૂત હોય ત્યારે તે ધ્યાન, યોગ અને આધ્યાત્મિક વિકાસમાં શુભ ફળ આપનાર બને છે. તેમ છતાં સામાન્ય લોકો માટે શનિ મીનમાં રહસ્યમય અને અંદરથી સંઘર્ષકારક બને છે.
આવનારા 50 દિવસ સુધી એટલે કે 18મી મે સુધી શનિ-રાહુ યુતિમાં રહેશે. હાલ મીન રાશિમાં પંચગ્રહી યુતિ છે અને 30મી માર્ચથી એક એપ્રિલ સુધી છ ગ્રહી યુતિ પણ થવાની છે. છેલ્લે આવી રીતે છ ગ્રહની યુતિ કોવિડ પહેલા 26મી ડિસેમ્બર 2019માં ધન રાશિમાં થઈ હતી. આવનારા દોઢ મહિના મોટી ઇવેન્ટના હોઈ શકે છે. આ વિશે અગાઉના આર્ટીકલમાં વાત કરી હોવાથી અહીં તે ચર્ચામાં પડ્યા વિના બારેબાર રાશિના જાતકો પર શનિના મીન ભ્રમણની શું અસર થશે તે જોઈએ.
મેષઃ તમારી કુંડળીમાં શનિ બારમા સ્થાનમાંથી પસાર થશે. શનિ 10મા અને 11મા સ્થાનનો માલિક બને છે. વિદેશ યાત્રા થઈ શકે છે. આશ્રમની મુલાકાત લેવાનું થાય. આધ્યાત્મમાં રુચિ વધે. રાતે ઊંઘ ઓછી આવે એવું બની શકે છે. પરિવારમાં સંઘર્ષ રહે. બચતમાં મુશ્કેલી થાય. કાયદાકીય મેટરમાં સંઘર્ષ થાય. શત્રુઓ સાથે ઘર્ષણ વધે. લાંબા અંતરની યાત્રાઓ થાય.
વૃષભઃ તમારી કુંડળીમાં શનિ 11મા સ્થાનમાંથી પસાર થશે. તે નવમા અને 10મા સ્થાનનો માલિક બને છે. તમારા ભાગ્ય ખૂલશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે તમને મળશે. તમે આળસનો અનુભવ કરો. શેર માર્કેટમાં લાભ થઈ શકે છે. વિદેશથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. પિતાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.
મિથુનઃ તમારી કુંડળીમાં શનિ 10મા સ્થાનમાંથી પસાર થશે. તે આઠમા અને નવમા સ્થાનનો માલિક બને છે. તમારી નુકસાની અટકશે. ભાગ્ય સાથ આપશે. કારકિર્દી માટે લાંબા અંતરની યાત્રા થઈ શકે. તમારા પિતા માટે પણ સારો સમય. તમે નવી ભાગીદારી કરી શકો છો. કારકિર્દીમાં કોઈને કોઈ લાભ થઈ શકે છે. તમારી વ્યસ્તતા વધશે.
કર્કઃ તમારી કુંડળીમાં શનિ નવમા સ્થાનમાંથી પસાર થશે. લાંબા અંતરની યાત્રાઓ થઈ શકે છે. તમારા પિતાના આરોગ્યમાં ઉતાર-ચડાવ આવે. તમારી જવાબદારીઓ વધશે. નાના-ભાઈ બહેન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે. તમારો લાભ ક્યાંકને ક્યાંક અટકતો હોય તેવું તમને લાગે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો.
સિંહઃ તમારી કુંડળીમાં શનિ આઠમા સ્થાનમાંથી પસાર થશે. તે છઠ્ઠા અને સાતમા સ્થાનનો માલિક બને છે. જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. આવનારા બેથી અઢી વર્ષમાં ગૂઢ વિદ્યા કે આધ્યાત્મમાં સારી પ્રગતિ થઈ શકે છે. દામ્પત્ય જીવન કે ભાગીદારીમાં કષ્ટ પડે. આરોગ્યમાં ઉતાર-ચડાવ આવે. દરેક કામમાં વિલંબ થાય. વારસા સંબંધિત કામકાજ થાય.
કન્યાઃ તમારી કુંડળીમાં શનિ સાતમા સ્થાનમાંથી પસાર થશે. તે પાંચમા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. તમારા જીવનસાથી અને સંતાનોના આરોગ્યની કાળજી રાખજો. તમે પ્રેમ સંબંધને લગ્ન સુધી લઈ જવાની કોશિશ કરશો. જેમાં વાદ-વિવાદ થશે. ભાગીદારી બિઝનેસ માટે લોન લેવાની થાય. શેર સટ્ટા માટે દેવું કરવાની ભૂલ ન કરતા. ભાગ્ય સાથ ન આપે. મિલકત સંબંધિત કામકાજ થાય.
તુલાઃ તમારી કુંડળીમાં શનિ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. તે ચોથા અને પાંચમા સ્થાનનો માલિક બનશે. તમારા માતાને કષ્ટ પડશે. તમને મેન્ટલ સ્ટ્રેસ રહેશે. આરોગ્ય ખરાબ થઈ શકે. ખાસ કરીને પગ સંબંધિત તકલીફ થઈ શકે. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે. વ્યવસાય માટે ટ્રાવેલિંગ થાય. ખર્ચ ઘટે. તમારા શત્રુઓને કષ્ટ પડશે.
વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શનિ પાંચમા સ્થાનમાંથી પસાર થશે. તે ત્રીજા અને ચોથા સ્થાનનો માલિક બને છે. તમારા સંતાનની કાળજી લેવી. શેર-સટ્ટાથી દૂર રહેવું. ધન, કુટુંબ અને વાણી સંબંધિત કામકાજ થાય. મીડિયા, કોમ્યુનિકેશન, સિનેમા વગેરે ક્ષેત્રના જાતકોને લાભ થશે. પ્રેમ સંબંધમાં સંઘર્ષ થાય, મેરેજમાં વિલંબ થાય. પેટના રોગ થઈ શકે.
ધનઃ તમારી કુંડળીમાં શનિ ચોથા સ્થાનમાંથી પસાર થશે. તે બીજા અને ત્રીજા સ્થાનનો માલિક બને છે. માનસિક પરિતાપ રહે. માતાની કાળજી લેવી. તમારા રોગ અને શત્રુઓનો નાશ થશે. કુટુંબ-પરિવારની ચિંતા રહે. દરેક કામકાજમાં વિલંબ થતો હોય એવું લાગે. ટ્રાવેલિંગમાં વધારો થાય. પોતાના ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
મકરઃ તમારી કુંડળીમાં શનિ ત્રીજા સ્થાનમાંથી પસાર થશે. તે પહેલા અને બીજા સ્થાનનો માલિક બને છે. તમારા ધનમાં વૃદ્ધિ થશે. તમે નવું સાહસ કરશો. ટ્રાવેલિંગ થઈ શકે છે. લાંબા અંતરની યાત્રા કે વિદેશ યાત્રા પણ થઈ શકે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય. શેરબજારમાં લાભ ન થાય. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળી શકો.
કુંભઃ તમારી કુંડળીમાં શનિ બીજા સ્થાનમાં પસાર થશે. તે પહેલા અને બારમા સ્થાનનો માલિક બને છે. વિદેશ કે દૂરના સ્થળે રહેતી કોઈ વ્યક્તિ તમારા ઘરે આવી શકે છે. તમારું આરોગ્ય સુધરશે. વાણીમાં કડવાશ ન લાવવી. બચત ખર્ચાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. મન બેચેન રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાથી લાભ. તમને સામાજિત રહેવું વધુ ગમશે.
મીનઃ તમારી કુંડળીમાં શનિ પહેલા સ્થાનમાંથી પસાર થશે. તે બારમા અને 11મા સ્થાનનો માલિક બને છે. તમને કોઈ લાભ થઈ શકે છે. સાથોસાથ ખર્ચમાં પણ વૃદ્ધિ થાય. વિદેશ યાત્રા થઈ શકે છે. નવા સાહસો ટાળવા. ભાગીદારી સંબંધિત કામકાજ થાય. તમે કારકિર્દીમાં વ્યસ્ત રહી શકો છો. તમને આળસ અને થાકનો અનુભવ થશે.

