Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The greatness of seeing Shiva in Shravan, especially the first sight of Jyotirlinga:

Dharmlok: શ્રાવણે શિવદર્શનનું અને એમાંય પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું અનેરું મહાત્મ્ય:

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: શ્રાવણે શિવદર્શનનું અને એમાંય પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું અનેરું મહાત્મ્ય:
સોર્સ : GSTV

સૌરાષ્ટ્રના દક્ષિણે જ્યાં અરબી સમુદ્ર ભગવાન સોમનાથના પાદ પ્રક્ષાલન કરી રહ્યો છે તે પ્રભાસ પાટણમાં કૈલાસ મહામેરૂપ્રસાદ નામનાં ભવ્ય મંદિરમાં, ચંદ્રને સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ અપાવનાર સોમેશ્વર (સોમનાથ) ભગવાન બિરાજે છે તે ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું આદ્ય જ્યોતિર્લિંગ છે.

App Store

શ્રાવણે શિવદર્શનનાં મહાત્મ્યમાં પણ સોમનાથના દર્શનનું મહત્વ અનેરૃં જ છે. શ્રાવણના ચારેય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા મંદિરની પ્રદક્ષિણા કરે છે. ઢોલ-શરણાઇ અને પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે દરરોજ શ્રાવણ સંધ્યાએ ભગવાનને વિવિધ દેવ શણગારો રચાય છે. રવિ-સોમ અને તહેવારોમાં મંદિર સવારે ૪ વાગ્યે દર્શન માટે ખુલશે, જે રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે અને માસિક  શિવરાત્રિએ રાત્રિના ૧ વાગ્યા સુધી દર્શન લાભ મળશે. સોમવારે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. દેશ-વિદેશના ભાવિકો દ્વારા સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પૂજાઓ કરાતી આવી છે. ઉપરાંત, સંકલ્પ પૂજા- મહામૃત્યુજંય જાપ યજ્ઞા આહુતિ પણ ખરાં.

પ્રભાસ પાટણમાં ભગવાન સોમનાથ આદ્ય જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે, જેથી હરસ્થાન છે, તો ભગવાન શ્રીકૃષ્ણ અહીંથી પોતાનો નશ્વર દેહ ત્યાગીને ગોલોકધામમાં પધાર્યા હતા તેથી આ હરિનું પણ સ્થાન છે. આમ, હરિ-હરનાં સ્થાન તરીકે વિષ્ણુપરંપરા અને શિવપરંપરાનું બેવડું ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં સોમનાથ મંદિરની સ્થાપના પાછળની કિંવદંતી અનુસાર, દક્ષ પ્રજાપતિને અશ્વિની આદિ ૨૭ કન્યાઓ હતી. તેમનો વિવાહ અત્રિ અને અનસુયાના પુત્ર સોમ (ચંદ્ર) સાથે થયો હતો. તે કન્યાઓમાં રોહિણી સર્વાધિક સુંદર હતી તેથી તેણી પ્રત્યે સોમનો વિશેષ પક્ષપાત હતો, જેને કારણે અન્ય સપત્નીઓને ઇર્ષા થતાં ચંદ્રનાં આ વર્તનની પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષે સોમને સમજાવ્યા અને સર્વે સપત્નીઓ પ્રત્યે સમાન વર્તન રાખવા અનુરોધ કર્યો પરંતુ પરિણામ ન આવ્યું તેથી દક્ષે ક્રોધાવેશમાં સોમને ક્ષય રોગ થવાનો શાપ આપ્યો. ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યો. સોમની આ ક્ષીણતાની સમસ્ત પ્રકૃતિ ઉપર અવળી અસર થઇ. ભયભીત દેવ ગણે સોમને શાપમુક્ત કરવા દક્ષને વિનંતી કરી, તેથી દક્ષે ઉપાય બતાવ્યો કે પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી જ્યાં સાગરને મળે છે ત્યાં સોમે મહાદેવની આરાધના કરવી. તે પ્રમાણે સોમે ભગવાન શિવજીના સ્પર્શલિંગની દીર્ઘકાળ પર્યન્ત આરાધના કરી તેથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને સોમને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતાં પ્રકાશથી ચમકતાં રહેવાનું વરદાન આપ્યું. આમ, આ સ્થાને સોમને પોતાનો ભાસ(પ્રકાશ) પુન:પ્રાપ્ત થયો તે પ્રભાસમાં બ્રહ્માએ સોમ અને રોહિણીને મંદિરની સ્થાપના કરી તે જ્યોતિર્મય લિંગ 'સોમનાથ' નામથી પ્રસિધ્ધ થયું.

હાલ જે સોમનાથ મંદિર દેદિપ્યમાન છે તેની પાછળનો ઈતિહાસ પણ રોચક છે: ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના દિને ભારતના ગૃહપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા દિગ્વિજયસિંહજી, કેન્દ્રીય ખનીજ અને ઊર્જા પ્રધાન ન.વિ. ગાડગીલ, આરજી હકૂમતના અગ્રણી શામળદાસ ગાંધી વગેરે મહાનુભાવો સોમનાથ આવ્યા. મંદિરની જીર્ણશીર્ણ દશા જોઇને 'સરદાર'નું હૃદય દ્રવી ઊઠયું. હાથમાં સમુદ્રનું જળ લઇ સોમનાથના મંદિરનું નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. સોમનાથની પુન:રચનાની જવાબદારી ક.મા. મુનશીને સોંપવામાં આવી. મહાત્મા ગાંધીજીએ સરદારને સલાહ આપી કે પ્રજા પોતે જ આ કાર્ય અંગેનો ખર્ચ સંપૂર્ણ વહન કર તે વાજબી ગણાશે. સરદારે ગાંધીજીની સલાહ સ્વીકારી અને સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

વાસ્તુશાસ્ત્ર અને શિવપ્રાસાદ નિર્માણકલાના જ્ઞાતા વિશ્વકર્મા પ્રભાશંકર સોમપુરાને સ્થપતિ નીમવામાં આવ્યા. જુના મંદિરના અવશેષો ખસેડવામાં આવ્યા. ૧૯મી એપ્રિલ ૧૯૫૦ને દિને સૌરાષ્ટ્ર રાજ્યના તે સમયના મુખ્ય પ્રધાન યુ.એન. ઢેબરને હસ્તે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી. ૮મી મે ૧૯૫૦ના દિને મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીને હસ્તે નવા મંદિરની શિલારોપણ વિધિ થઈ. ૧૩મી મે ૧૯૬૫ના દિવસે સોમનાથ મંદિર ઉપર મૂલ્યવાન કૌશેય ધ્વજ લહેરાવવામાં આવ્યો અને કળશનું સ્થાપન કરવામાં આવ્યું. તેમના સ્વર્ગવાસ પછી તેમનાં સ્મરણાર્થે રાજમાતા ગુલાબકુંવરબાએ આ મંદિરના ભવ્ય અને કલાત્મક દ્વારનું નિર્માણ કરાવી દિગ્વિજય દ્વાર નામાભિમાન કર્યું. આ દ્વારની ઉદ્ધાટન વિધિ ૧૯મી મે ૧૯૭૦ના દિવસે સત્યશ્રી સાંઇબાબાના હસ્તે કરવામાં આવી. 

સોમનાથ મંદિરના સભામંડપ આગળ નૃત્યમંડપ ઉપર તા.૧ ડિસેમ્બર- ૧૯૯૫ના રોજ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ કળશ આરોપણ કરી સોમનાથનું મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યું.  આ ભવ્ય મંદિર સંહાર શક્તિ કરતાં સર્જન વધારે બળવાન છે તેવો ઐતિહાસિક બોધપાઠ આપતું ભક્તિ- સેવા અને શાંતિનો મંગળ સંદેશો આપી રહ્યું છે. સોમનાથના આ પુન:નિર્મિત મંદિરને કૈલાસ મહામેરૂપ્રાસાદ તરીકે ઓળખવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટથી દેશ-વિદેશના ભાવિકોને ઘેર બેઠા દર્શન કરી શકે છે.