Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The glory of Lord Shiva as revealed by Sati, the half-sister of Lord Shiva

Dharmlok: ભગવાન શિવના અર્ધાંગિની સતીએ દર્શાવેલો ભગવાન શિવનો મહિમા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: ભગવાન શિવના અર્ધાંગિની સતીએ દર્શાવેલો ભગવાન શિવનો મહિમા
સોર્સ : GSTV

- વિચાર-વીથિકા

App Store

'અકિંચન: સન પ્રભવ: સ સંપદા

ત્રિલોકનાથ : પિતૃસદ્મગોચર: ।

સ ભીમરૂપ : શિવ ઇત્યુદીર્યતે

ન સન્તિ યથાર્થવિદ: પિનાકીન: ।।

- પાર્વતી (મહાકવિ કાલિદાસરચિત કુમારસંભવ)

તે સ્વયં અકિંચન છે પણ બ્રહ્માણ્ડની બધી સંપત્તિઓ એમનાથી જ ઉત્પન્ન થઈ છે. તે સ્માશનમાં રહે છે, પણ ત્રણેય  લોકના નાથ છે. તે ભયંકર સ્વરૂપવાળા છે તો પણ કલ્યાણકારી સૌમ્યરૂપ છે. શિવના સાચા તત્ત્વને સમજનાર કોઈ છે જ નહીં.'

ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી કહે છે કે તે દેવાધિદેવ તમોગુણાતીત પરાત્પર જ્યોતિસ્વરૂપ પરમાત્મા શિવ છે. તેમના અપાર મહિમાને ન તો વિષ્ણુ જાણે છે કે ન તો હું બ્રહ્મા જાણું છું.' શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચતુર્થ સ્કંધના બીજા અધ્યાયમાં દક્ષ પ્રજાપતિએ શિવ દ્રોહ કેમ કર્યો તેની કથાનું નિરૂપણ કર્યું છે. વિદુરજીએ મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યા છે કે પુત્રી પર સ્નેહ રાખનાર દક્ષ પ્રજાપતિએ ચારિત્ર્યસંપન્નોમાં શ્રેષ્ઠ મહાદેવજી પર પોતાની કન્યા સતીઓ અનાદર કરી શા માટે દ્વેષ કર્યો. ચરાયરના ગુરુ, નિર્વેર, શાંત, આત્માનંદમાં મસ્ત અને જગતના પરમ દૈવત સમા મહાદેવજી પર કોણ દ્વેષ કરે ? એ સસરા-જમાઈ વચ્ચે કેમ સંઘર્ષ થયો જેને લીધે સતીએ દુષ્ત્યજય પ્રાણોનો ત્યાગ કર્યો.

તેમના પ્રશ્નનો ઉત્તર આપતાં મૈત્રેય મુનિએ તેનું કારણ જણાવતાં કહ્યું હતું- એક વખત ઋષિઓ, દેવો, અગ્નિઓ પોતાના પરિવાર સાથે પ્રજાપતિઓના સત્રમાં એકઠા થયા હતા. જ્યારે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા ત્યારે બધાએ ઉભા થઈ એમનું અભિવાદન કર્યું. માત્ર બ્રહ્મા અને શિવ પોતાની જગ્યા પરથી ઉભા ન થયા. શિવ એમની સમાધિમાં ડૂબેલા હતા એટલે એમને બહારની ઘટના અને પરિસ્થિતિનું ધ્યાન નહોતું. બ્રહ્મા તો પિતાજી હતા એટલે દક્ષે એમના બેસી રહેવાનો વાંધો ન ઉઠાવ્યો પણ પોતાના જમાઈ શંકર ઉભા ના થયા એને પોતાનું અપમાન સમજી દક્ષ એમની નિંદા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા- જેમ કોઈ દંભી સાધુ ગાયત્રીનો સ્વીકાર કરે એમ એમણે મારી પુત્રીનો સ્વીકાર કર્યો છે તેથી તે મારા શિષ્ય બન્યા કહેવાય. તેમણે મારી સામે આવી નમન કરવું જોઈએ, તેને બદલે વાણીથી પણ મારો સત્કાર કર્યો નહીં. અનિચ્છાએ મેં મારી કન્યા એમને પત્ની રૂપે આપી એ ભૂલ કરી. દેવોથી યજ્ઞમાં ઇન્દ્ર અને ઉપેન્દ્ર વગેરે સાથે આને ભાગ ન અપાવો જોઈએ. આટલું થવા છતાં શિવજીએ આની કોઈ ફરિયાદ સતીને ના કરી.

થોડા સમય બાદ દક્ષ પ્રજાપતિએ 'બૃહસ્પતિ સવ' નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. એમાં બધાને આમંત્રણ આપ્યું પણ શિવ અને સતીને ન આપ્યું. વેરભાવથી હેતુ પૂર્વક આપણને આમંત્રણ આપ્યું નથી એટલે આપણે એમાં ન જવું જોઈએ. એવું શિવજીએ સમજાવવા છતાં સતી એકલા પિતાને ઘેર યજ્ઞમાં ગયા. ત્યાં જઈને જોયું તો બીજા દેવોની સાથે શિવજીનું સ્થાપન નહોતું. તેથી તે દુ:ખી અને ગુસ્સે થયા. દક્ષે તેમને આવકાર તો ના આપ્યો, એમને બોલાવ્યા પણ નહીં. એમને જોવા છતાં એમની ઉપેક્ષા કરી એટલે તે દક્ષને કહેવા લાગ્યા.

'જેમનાથી કોઈપણ ઉત્કૃષ્ટ નથી એવા, દરેક પ્રાણીમાત્રના પ્રિય આત્મ સ્વરૂપ, જેમને કોઈપણ પ્રિય કે અપ્રિય નથી એવા, પ્રાણીમાત્ર તરફ વેરભાવરહિત મારા પતિ શંકર તરફ તમારા સિવાય બીજો કોણ દ્વેષ કરે ? જેમનું 'શિવ' આ બે અક્ષરવાળું નામ માત્ર એક જ વખત બોલાતાં માણસના પાપોનો નાશ થઈ જાય છે તે પવિત્ર કીર્તિવાળા અને જેમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી એવા મંગલકારી શિવનો અમંગલકારી તમે દ્વેષ કરો છો. જેમના ચરણકમળનું બ્રહ્મરસની ઇચ્છાવાળા મહાયોગીઓ ભ્રમર બની સેવન કરે છે. સંસારમાં જેમના આશિષ કામનાવાળાઓની સર્વ કામનાપૂર્ણ કરે છે તે વિશ્વ બંધુ શિવનો તમે દ્રોહ કરો છો. આથી તમારાથી શંકરની નિંદા કરનારથી ઉત્પન્ન થયેલું આ શરીર હું હવે ધારણ કરીશ નહીં. તમારાથી પ્રાપ્ત થયેલા આ નિંદ્ય શરીરનો હું ત્યાગ કરું છું. આ પ્રમાણે શિવ મહિમાનું વર્ણન કરી, સમાધિથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં પોતાના દેહને બાળીને તેનો ત્યાગ કરી દીધો. પછી હિમાલય અને મેના થકી ઉત્પન્ન થઈ પાર્વતી નામ ધારણ કરી, કઠોર તપશ્ચર્યા કરી શિવજીને પ્રસન્ન કરી તેમના અર્ધાગિની પત્ની બન્યા હતા.

- દેવેશ મહેતા