નવરાત્રિ પહેલાં ઘરમાંથી દૂર કરો આ 5 વસ્તુઓ; માતાજીના આશીર્વાદ અને સુખ-સમૃદ્ધિ માટે વાસ્તુ ઉપાય

નવરાત્રિનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, માત્ર સામાન્ય સફાઈ પૂરતી નથી; ઘરમાં પડેલી નકામી અને તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઊર્જા પેદા કરે છે. માન્યતા મુજબ, આવી વસ્તુઓ ઘરમાં દરિદ્રતા લાવે છે અને માતા લક્ષ્મી તેમજ મા દુર્ગાની કૃપા અટકી જાય છે. જો તમે ઇચ્છતા હોવ કે નવરાત્રિમાં માતાજીનું આગમન તમારા ઘરમાં થાય અને સુખ-સમૃદ્ધિ બની રહે, તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ 5 વસ્તુઓ ઘરની બહાર કરી દો:
સૂકાયેલી તુલસી અને કાંટાવાળા છોડ
તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં સૂકાયેલો તુલસીનો છોડ રાખવો અશુભ ગણાય છે, કારણ કે તે નકારાત્મક ઊર્જા લાવે છે. આ ઉપરાંત કેક્ટસ જેવા કાંટાવાળા છોડ પણ ઘરની અંદર ન રાખવા જોઈએ.
શું કરવું: સૂકાઈ ગયેલા છોડને વહેતા જળમાં પધરાવી દો અથવા આદરપૂર્વક જમીનમાં દાટી દો. તેના સ્થાને નવો લીલોછમ તુલસીનો ક્યારો સ્થાપિત કરો.
ખંડિત મૂર્તિઓ અને ફાટેલાં ચિત્રો
પૂજાઘરમાં ક્યારેય ખંડિત મૂર્તિઓ કે દેવી-દેવતાઓના ફાટેલા ફોટા ન રાખવા જોઈએ. તેનાથી ગંભીર વાસ્તુદોષ ઊભો થાય છે.
શું કરવું: ખંડિત માટીની મૂર્તિઓને વહેતા જળમાં વિસર્જિત કરો અથવા પીપળાના વૃક્ષ નીચે આદરપૂર્વક પધરાવી દો.
તૂટેલી કે સાવ જીર્ણ સાવરણી
સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તૂટેલી કે સાવ ઘસાઈ ગયેલી સાવરણી વાપરવાથી આર્થિક સંકટ અને દરિદ્રતા વધે છે.
શું કરવું: નવરાત્રિ પહેલાં તૂટેલી સાવરણી હટાવીને નવી સાવરણી લાવી પૂજા સાથે તેનો ઉપયોગ શરૂ કરો.
તૂટેલા વાસણો, કાચ અને એક્સપાયર્ડ દવાઓ
તિરાડ પડેલા કે તૂટેલા કાચ અને વાસણો વાસ્તુ અનુસાર માનસિક તણાવ વધારે છે. તેવી જ રીતે ઘરમાં પડેલી એક્સપાયર થયેલી દવાઓ બીમારી અને નકારાત્મકતા લાવે છે.
શું કરવું: તૂટેલા વાસણો, ક્રેક થયેલા અરીસા કે કાચ અને મુદત વીતી ગયેલી તમામ દવાઓ તાત્કાલિક બહાર કાઢી નાખો.
બંધ ઘડિયાળ અને બગડેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો
બંધ ઘડિયાળ પ્રગતિ અટકાવી દેવાનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ બગડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાહુ દોષ અને પારિવારિક અવરોધો ઊભા કરે છે.
શું કરવું: બંધ ઘડિયાળમાં સેલ બદલીને તેને ચાલુ કરો અથવા રીપેર કરાવો. જે સાધનો બિનઉપયોગી હોય તેને ઘરમાંથી કચરામાં આપી દો.
નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્ય દ્વાર માટે શુભ કાર્યો:
મુખ્ય દ્વારની સફાઈ: નવરાત્રિના પ્રથમ દિવસે સવારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ગંગાજળ કે સ્વચ્છ પાણીથી ધોઈને ચોખ્ખો કરો.
શુભ સ્વસ્તિક: પ્રવેશદ્વારની બંને બાજુ કંકુ કે હળદરથી શુભ સ્વસ્તિકનું ચિહ્ન બનાવો.
આસોપાલવનું તોરણ: માતાજીના સ્વાગત માટે આસોપાલવ અથવા આંબાના પાનનું તાજું તોરણ મુખ્ય દ્વાર પર લગાવો, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને શાંતિ પ્રવેશ કરે.

