બુધ વક્રી અને અસ્તઃ જાણો બારેય રાશિના જાતકોના જીવન પર શું અસર થશે?
-કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ વાણી, કોમ્યુનિકેશન, વેપાર, હિસાબ-કિતા

-કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ
વાણી, કોમ્યુનિકેશન, વેપાર, હિસાબ-કિતાબ, લેખન, પ્રકાશન વગેરેનો કારક ગ્રહ બુધ હાલ નીચસ્થ રાશિ મીનમાં ગોચર કરી રહ્યો છે. મીનનો બુધ આધ્યાત્મિક પ્રગતિ માટે સારો, કલ્પના શક્તિ પણ વધારનાર હોવાથી કળા માટે પણ સારો, કિન્તુ વેપાર અને કોમ્યુનિકેશન માટે કષ્ટદાયક નીવડે. આ બુધ તા.15મીએ બપોરે 12.10 વાગ્યાથી વક્રી થયો છે. સાતમી એપ્રિલ સુધી તે મીન રાશિમાં વક્રી રહેવાનો છે. 18મી તારીખથી બુધ અસ્ત થવાનો છે. બુધ હાલ નીચસ્થ રાશિમાં પણ છે. વક્રી પણ થયો છે અને અસ્ત થવા પણ જઈ રહ્યો છે. એટલું જ નહીં, તે રાહુ અને સૂર્ય સાથે તથા વક્રી શુક્ર સાથે છે. માર્ચ એન્ડ સુધી ભારતીય શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળશે. માર્ચ એન્ડ પછી માર્કેટનો ટ્રેન્ડ બદલાશે એવું લાગી રહ્યું છે.
બુધ વક્રી, અસ્ત અને નીચસ્થ હોય ત્યારે સોશિયલ મીડિયા ખોરવાઈ શકે, વાણીનો બફાટ થઈ શકે. વેપારીઓની મુશ્કેલી વધે. હેલ્થ ઈશ્યૂઝની વાત કરીએ તો આંચકી, મગજના રોગો, ફેફસાં કે શ્વાસનળીના રોગ વગેરેની સમસ્યામાં વધારો થતો જોવા મળે. બુધ વક્રી અને અસ્ત છે તે દરમિયાન બારેબાર રાશિના જાતકો પર શું અસર થઈ શકે તે જોઈએ.
1) મેષઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. તે બારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આરોગ્ય સાચવવું. નાના ભાઈ-બહેનની ચિંતા સતાવી શકે છે. નોકરીમાં કષ્ટ પડે. જોબ ચેન્જ પણ શક્ય છે. આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે સારો સમય.
2) વૃષભઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને પાંચમા સ્થાનનો માલિક બને છે અને લાભ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા માટે આ ગોચર એકંદરે લાભદાયી રહે. તેમ છતાં વધુ પડતા રીસ્ક ન લેવા. ધનવૃદ્ધિ થાય. વાણી પર સંયમ રાખજો
3) મિથુનઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને ચોથા સ્થાનનો માલિક બને છે. કર્મ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ ગોચર એકંદરે તમારા માટે લાભદાયક છે. પરંતુ કરિયરને કારણે માનસિક અશાંતિ અનુભવાય. રિસ્ક ન લેવું. સંભાળીને મુસાફરી કરવી.
4) કર્કઃ તમારી કુંડળીમાં બુધ ત્રીજા અને બારમા સ્થાનનો માલિક બને છે. તે ભાગ્ય સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ભાઈ-બહેન કે પિતાની ચિંતા રહે. ટ્રાવેલિંગના યોગ બને છે. અચાનક લાભ થવાની શક્યતા છે. પરદેશથી લાભ થઈ શકે છે.
5) સિંહઃ તમારી કુંડળીમાં બુધ બીજા અને 11મા સ્થાનનો માલિક બને છે. આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. ધનહાનિ થઈ શકે છે. લાભ અટકી શકે છે. સાસરા પક્ષમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે.
6) કન્યાઃ તમારી કુંડળીમાં બુધ પહેલા અને 10મા સ્થાનનો માલિક બને છે. સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારું અને તમારા જીવનસાથીનું આરોગ્ય સાચવવું જોઈએ. ભાગીદારીનાં ધંધામાં મુશ્કેલી પડી શકે. તમારી લાઈફમાં મોટા ચેન્જીસ આવી શકે.
7) તુલાઃ તમારી કુંડળીમાં બુધ નવમા અને બારમા સ્થાનનો માલિક બને છે. તે રોગ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આરોગ્ય સાચવવું. નોકરીમાં સંઘર્ષ વધી શકે છે. બોલવાને કારણે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. તમે સ્ટ્રેસ અનુભવી શકો છો.
8) વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બુધ આઠમા અને 11મા સ્થાનનો માલિક બને છે. તે પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સંતાનોની કેર કરવી. લાભની શક્યતા છે, પરંતુ સટ્ટાખોરીથી દૂર રહેવું. અન્યથા નુકસાન પણ થાય. અભ્યાસ માટે સારો સમય છે.
9) ધનઃ તમારી કુંડળીમાં બુધ કારકિર્દી અને કલત્ર સ્થાનનો માલિક બને છે. ચોથા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. માતા અને પત્નીના સ્વાસ્થ્યની કાળજી લેજો. કામના સ્થળે મિસ કોમ્યુનિકેશન ન થાય તેનું ધ્યાન રાખજો. ભાગીદારીમાં વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખજો.
10) મકરઃ તમારી કુંડળીમાં બુધ ભાગ્ય સ્થાન અને રોગ સ્થાનનો માલિક બને છે. તે ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ટ્રાવેલિંગ થઈ શકે છે, પરંતુ તેમાં વિઘ્ન આવી શકે. નાના-ભાઈ બહેન સાથે વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.
11) કુંભઃ તમારી કુંડળીમાં બુધ પાંચમા અને આઠમા સ્થાનનો માલિક બને છે. તે વાણી સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વાણી પર સંયમ રાખવો. તમારી બચત વેડફાઈ શકે છે. પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે. સટ્ટો કરવાથી દૂર રહેવું.
12) મીનઃ તમારી કુંડળીમાં બુધ ચોથા અને સાતમા સ્થાનનો માલિક બને છે. તે લગ્ન સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. નવા લોકો સાથે મુલાકત થાય. ફેફસામાં ઇન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવું. મન બેચેન રહી શકે છે. વાતચીતમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું.








