VIDEO: જગન્નાથ મંદિરના 'મહાપ્રસાદ' પાછળ છુપાયેલા છે આ અદ્ભુત રહસ્યો, મહિમા જાણીને તમે પણ શ્રદ્ધાથી બોલી ઉઠશો - જય જગન્નાથ!
ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈ, ગુરૂવારથી થયો છે. આ દરમિયાન ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ત્રણ રથો પર સવાર થઈને ગુન્ડિચા મંદિર જાય છે. આ યાત્રા 24 જુલાઈ સુધી ચાલશે, જે દરમિયાન પ્રસાદનું પણ ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઓડિશાના પુરીમાં એક એવું રસોડું છે જ્યાં જગન્નાથજીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. રથયાત્રામાં બનતા આ પ્રસાદને 'મહાપ્રસાદ' કહેવામાં આવે છે, જેની પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. અહીંનો પ્રસાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચે છે અને લાંબી લાઈનોમાં ઊભા રહે છે. અહીં જાણો આખરે જગન્નાથ મંદિરના મહાપ્રસાદને રહસ્યમય કેમ કહેવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
માટીના વાસણમાં બને છે મહાપ્રસાદ
જગન્નાથ રથયાત્રામાં પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે. આ રથયાત્રા દરમિયાન મળતા પ્રસાદને મહાપ્રસાદ કહેવાય છે. ઓડિશાના પુરીમાં આવેલા એક રસોડામાં સંપૂર્ણ સાફ-સફાઈનું ધ્યાન રાખીને આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પ્રસાદ 56 ભોગનો હોય છે. ભગવાન જગન્નાથજીનો પ્રસાદ માટીના વાસણમાં જ બનાવવામાં આવે છે કારણ કે, હિન્દુ ધર્મમાં માટીને અત્યંત પવિત્ર માનવામાં આવી છે. આ જ કારણે મહાપ્રસાદને ક્યારેય ધાતુના વાસણમાં બનાવવામાં આવતો નથી. વળી, અહીં પ્રસાદ બનાવવાની રીત પણ ખૂબ જ અનોખી અને જુદી છે, જેને રહસ્યમય પણ માનવામાં આવે છે.
અનોખી રીતે રંધાય છે પ્રસાદ
મહાપ્રસાદ બનાવવા માટે રસોડામાં માટીના સાત મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સામાન્ય રીતની જેમ અલગ-અલગ ચૂલા પર રાખીને બનાવવામાં આવતો નથી, પરંતુ એકની ઉપર એક એમ સાત વાસણો ગોઠવીને પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, જેને લાકડાના ચૂલા પર પકવવામાં આવે છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે સૌથી પહેલા નીચેના વાસણનો પ્રસાદ નથી પાકતો, પરંતુ સાતમા એટલે કે સૌથી ઉપર રાખેલા વાસણનો પ્રસાદ સૌથી પહેલા તૈયાર થઈ જાય છે! ત્યારબાદ, આ જ ક્રમમાં છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા, બીજા અને છેલ્લે પહેલા (સૌથી નીચેના) વાસણનો પ્રસાદ પાકીને તૈયાર થાય છે.
પ્રસાદ બનાવતા પહેલા દેવી લક્ષ્મીની લેવાય છે મંજૂરી
જગન્નાથ મંદિરના પ્રસાદને 'મહાપ્રસાદ' કહેવા પાછળ પણ એક કારણ છુપાયેલું છે. એવી માન્યતા છે કે આ પ્રસાદ દેવી લક્ષ્મીની મંજૂરી પછી જ તૈયાર કરવામાં આવે છે. માતાજી કોઈને કોઈ સંકેત સ્વરૂપે મંદિરના પૂજારીઓને પરવાનગી આપે છે અને ત્યારબાદ જ પ્રસાદ બનાવવાનું શરૂ થાય છે. આ જ કારણે તેને સામાન્ય પ્રસાદ નહીં, પણ 'મહાપ્રસાદ' કહેવામાં આવે છે, જે ભક્તો માટે ઘણું ખાસ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી મનના નકારાત્મક ભાવો દૂર થાય છે.
પ્રસાદ ગ્રહણ કરીને ભક્તો બોલે છે આ પંક્તિ
ભાત (ચોખા) નો પ્રસાદ ભગવાન જગન્નાથનો મુખ્ય પ્રસાદ છે. પુરીમાં ભગવાનને ચોખાની ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે અને પછી તેને ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ પ્રસાદનું શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ વિશેષ મહત્વ છે, જેના માટે લાંબી લાઈનો લાગે છે. મહાપ્રસાદ ગ્રહણ કરીને તમામ ભક્તો 'જગન્નાથ કે ભાત કો જગત પસારે હાથ' (જગન્નાથજીના ભાત માટે આખું જગત હાથ ફેલાવે છે) એમ કહે છે. માન્યતાઓ અનુસાર, આ મહાપ્રસાદનું સેવન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષના દ્વાર ખુલે છે.
પ્રસાદ રાંધતી વખતે નથી આવતી સુગંધ
ભગવાન જગન્નાથના પ્રસાદને રાંધતી વખતે તેમાંથી કોઈપણ પ્રકારની સુગંધ આવતી નથી. પરંતુ, જેવો આ પ્રસાદ મંદિરની બહાર આવે છે કે તરત જ તેમાંથી અદ્ભુત સુગંધ આવવા લાગે છે. એવું કહેવાય છે કે તૈયાર કરાયેલા મહાપ્રસાદનો ભોગ સૌથી પહેલા વિમલા દેવીને ધરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પ્રસાદ અર્પણ કરાય છે. ભોગ ધરાવ્યા પછી તમામ શ્રદ્ધાળુઓમાં આ મહાપ્રસાદ વહેંચી દેવામાં આવે છે.ટ
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

