ભારતના આ તળાવના પાણીનો રંગ બદલાય તો આવે છે મહામુશ્કેલી! જાણો કયાં આવેલું છે આ મંદિર
કાશ્મીર ખીણના ગાંદરબલ જિલ્લામાં સ્થિત ખીર ભવાની મંદિરમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં

કાશ્મીર ખીણના ગાંદરબલ જિલ્લામાં સ્થિત ખીર ભવાની મંદિરમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. કાશ્મીરી પંડિતો માટે આ મંદિર અને મેળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દર વર્ષે હજારો કાશ્મીરી પંડિતો અહીં ખીર ભવાની મંદિર મેળામાં ભાગ લેવા આવે છે. આ વર્ષે આજે એટલે કે 14મી જૂને ખીર ભવાની મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ માટે કાશ્મીરી પંડિતોને લઈને 200થી વધુ બસો ખીર ભવાની મંદિર પહોંચી છે. કાશ્મીરનું આ ખીર ભવાની મંદિર ખૂબ જ પ્રસિદ્ધ અને ચમત્કારિક છે. આ મંદિરમાં બનેલા તળાવનું પાણી રંગ બદલે છે. જ્યારે પણ આ તળાવના પાણીનો રંગ બદલાય છે ત્યારે દુર્ઘટના સર્જાય છે. ચાલો આજે જાણીએ ખીર ભવાની મંદિરનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
ધોધની વચ્ચે બનેલું છે ખીર ભવાની મંદિર
દેવી દુર્ગાનું ખીર ભવાની મંદિર એક સુંદર ધોધની વચ્ચે બનેલું છે. ખીર ભવાની મંદિર વિશે એવી માન્યતા છે કે, જ્યારે લંકાના રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે દેવી રાવણથી નારાજ થઈ ગયાં. પછી દેવી એટલાં ક્રોધિત થઈ ગયા કે તેઓ પોતાનું સ્થાન છોડીને કાશ્મીરમાં આ સ્થાન પર આવી ગયાં. આ મંદિરમાં દેવી દુર્ગાને માત્ર ખીર જ ચઢાવવામાં આવે છે, તેથી આ મંદિરનું નામ ખીર ભવાની પડ્યું. ખીર ભવાની મંદિરના નિર્માણની વાત કરીએ તો આ મંદિરનું નિર્માણ મહારાજા પ્રતાપ સિંહ દ્વારા વર્ષ 1912માં કરવામાં આવ્યું હતું. બાદમાં મહારાજ હરિ સિંહ દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
રક્ષણ માટે પ્રાર્થના કરે છે કાશ્મીરી હિંદુઓ
કાશ્મીરનું આ દેવીધામ અહીંના હિન્દુઓની આસ્થાનો ગઢ છે. કહેવાય છે કે, ખીર ભવાની કાશ્મીરી પંડિતોની કુળ દેવી છે. દર વર્ષે જેઠ મહિનાની આઠમ તિથિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને કાશ્મીરી પંડિતો તેમની રક્ષા માટે પ્રાર્થના કરવા અહીં આવે છે. તેમજ દેવીને ખીર અર્પણ કરવામાં આવે છે. ખીર ભવાની મંદિરને મહારાગ્ય દેવી, રાગ્ય દેવી મંદિર, રજની દેવી મંદિર અને રાગ્ય ભવાની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
રંગ બદલે છે તળાવનું પાણી
ખીર ભવાની માતાના આ મંદિરમાં પાણીનું તળાવ છે. આ તળાવને ચમત્કારિક તળાવ માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે પણ કાશ્મીરમાં કોઈ મોટી દુર્ઘટના આવવાની હોય છે ત્યારે આ તળાવના પાણીનો રંગ બદલાઈ જાય છે. આના ઘણા ઉદાહરણો છે, જે પહેલા સાચા સાબિત થયા છે. એવું કહી શકાય કે, આ તળાવનું પાણી તેનો રંગ બદલીને આગાહી કરે છે.
- 1947માં જ્યારે કાશ્મીર પર આદિવાસી હુમલો થયો ત્યારે તે વર્ષે પવિત્ર તળાવનું પાણી કાળું થઈ ગયું હતું.
- કારગિલ યુદ્ધ દરમિયાન પણ આ તળાવનું પાણી કાળું થઈ ગયું હતું.
- 1990માં આ તળાવના પાણીનો રંગ કાળો થઈ ગયો હતો. તે જ વર્ષે, કાશ્મીરી પંડિતો પર અત્યાચારો થયા અને તેમને ઘાટી છોડવી પડી. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની જાણીતી છે.
- એ જ રીતે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો અને લાખો લોકોના મોત થયા ત્યારે આ તળાવના પાણીનો રંગ લાલ થઈ ગયો હતો.
- આવી જ રીતે વર્ષ 2014માં જ્યારે કાશ્મીરમાં ભયંકર પૂર આવ્યું ત્યારે આ તળાવનું પાણી કાળું થઈ ગયું હતું.
- જો તળાવનું પાણી આછું વાદળી અથવા સફેદ હોય તો વ્યક્તિ સુખી જીવન પસાર કરે છે. આ વર્ષે આ તળાવના પાણીનો રંગ આછો વાદળી છે.






