શ્રાવણમાં ઘરે નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરતી વખતે રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન; મળશે મહાદેવના પૂર્ણ આશીર્વાદ

હિન્દુ ધર્મમાં નર્મદેશ્વર શિવલિંગને સ્વયંભૂ અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ઘરમાં નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરવી ખૂબ જ ફળદાયી ગણાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ પવિત્ર મહિનામાં નર્મદેશ્વર શિવલિંગનો વિધિવત્ અભિષેક કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તથા ભક્તો પર મહાદેવની અપાર કૃપા વરસે છે. શિવલિંગની પૂજાનું પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેની સ્થાપના યોગ્ય નિયમો અનુસાર કરવામાં આવી હોય. તેથી, નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
નર્મદેશ્વર શિવલિંગ સ્થાપિત કરવા માટેના વાસ્તુ નિયમો:
શુભ દિવસની પસંદગી: શ્રાવણ મહિનો, સોમવાર, મહાશિવરાત્રી કે શ્રાવણ વદ તેરસ (શિવરાત્રી)નો દિવસ શિવલિંગની સ્થાપના માટે સર્વોત્તમ માનવામાં આવે છે.
યોગ્ય દિશા: શિવલિંગની સ્થાપના માટે ઘરનું મંદિર અથવા ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) અને ઉત્તર દિશા સૌથી શુભ છે, કારણ કે ઉત્તર દિશામાં ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વત આવેલું છે. શિવલિંગની જળાધારી હંમેશાં ઉત્તર દિશા તરફ રહેવી જોઈએ.
શિવ પરિવારની ઉપસ્થિતિ: નર્મદેશ્વર શિવલિંગને મંદિરમાં એકલું સ્થાપિત કરવાને બદલે તેની સાથે માતા પાર્વતી, ભગવાન ગણેશજી, કાર્તિકેયજી અને નંદીજીની મૂર્તિ પણ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે.
નંદીનું મુખ: શિવલિંગનું મુખ અને નંદીજીની દિશા એકબીજાની સામે રહે તે રીતે સ્થાપના કરવી જોઈએ.
નિત્ય અભિષેક: સ્થાપના કર્યા પછી નર્મદેશ્વર શિવલિંગનો દરરોજ નિયમિત અભિષેક અને પૂજન કરવું જરૂરી છે.
પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો:
સ્નાન કર્યા વિના કે અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને સ્પર્શ કરવો નહીં. હંમેશાં શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ પૂજા-અભિષેક કરવો.
પૂજા સ્થળ અને શિવલિંગની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવી. ગંદકી કે એંઠવાડ વાળા વાતાવરણથી પૂજાનું ફળ મળતું નથી.
શિવલિંગ પર ક્યારેય તુલસીપત્ર, કેતકીનાં ફૂલ, હળદર કે કંકુ અર્પણ ન કરવાં. તેના બદલે બિલ્વપત્ર, શ્વેત પુષ્પ અને ચંદન અર્પણ કરવાં.
શિવલિંગ પર જળાભિષેક કે દૂધાભિષેક માટે તાંબા, પિત્તળ કે ચાંદીના પાત્રનો ઉપયોગ કરવો. (તાંબાના પાત્રમાંથી દૂધ ન ચઢાવવું).
લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણથી ક્યારેય અભિષેક કરવો નહીં.

