Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Can't worship every day? So do this 1 thing in Shravan, Mahadev will be pleased!

VIDEO: રોજ પૂજા નથી કરી શકતા? તો શ્રાવણમાં કરો આ 1 કામ, મહાદેવ થશે પ્રસન્ન!

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સુક્તિ છે उत्सव प्रियाः खलुमानवा:। આપણો દેશ ઉત્સવપ્રિય છે. ઉત્સવ મનુષ્યોના જીવનને સજાવે છે. શ્રાવણ માસ એ મહાદેવની ઉપાસનાનો માસ એટલા માટે ગણાય છે કારણ કે, સામાન્ય રીતે જોઈએ તો 'શ્રવણ' નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાન છે. પણ કેટલાંક વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે, શ્રવણ નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાનતો છે જ પરંતુ મહાદેવજી પણ અધિપતિ છે, અને માટે શિવજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા આપણે કરતા હોઈએ છીએ. પણ શ્રાવણ માસમાં જે મહાદેવજીનું સ્વરૂપ છે એ પ્રકૃતિ સ્વરૂપ છે.

App Store

આપણે ત્યાં પ્રકૃતિઓ આઠ પ્રકારની છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. શિવ મહાપુરાણની શતરુદ્ર સંહિતા અનુસાર એમ કહી શકાય કે, આ પ્રકૃતિઓ એ શિવ સ્વરૂપ છે. પ્રાચિન કાળમાં તો એવું માનવામાં આવતું કે અષાઢ માસથી આપણે ત્યાં વર્ષાનો પ્રારંભ થાય અને અષાઢની વર્ષા વરસે અને એ વર્ષા પ્રકૃતિના સ્વરૂપમાં શ્રાવણ માસમાં ખિલે છે માટે આપણે પ્રકૃતિ સ્વરૂપ શિવજીની પુજા આ શ્રાવણ માસમાં કરીએ છીએ.

બીજું એમ કહેવાય છે કે "શ્રવણ" શબ્દથી "શ્રાવણ" બન્યું છે. એટલે શ્રાવણમાં પુજાની સાથે-સાથે "શ્રવણ" કરવાનો ખુબ મહિમા છે. બીજું કાંઈ ન થઈ શકે તો તમે શિવ પુરાણ સાંભળો કે શ્રીમદ્ ભાગવતજી શ્રવણ કરો અથવા કોઈપણ શાસ્ત્ર જો શ્રાવણ મહિનામાં શ્રવણ કરવામાં આવે કે એનું અધ્યયન કરવામાં આવે તો તેનું અનંતગણુ ફળ મહાદેવજી આપે છે. શ્રાવણ મહિનામાં શું કાર્યો કરવા જોઈએ? તેના ઉત્તરમાં એમ કહેવાય કે, મહાદેવજીની આપણે પુજા તો કરીએ છીએ પણ વિશેષમાં શ્રાવણ માસમાં "દિપદાન"નું મહત્ત્વ છે. શિવાલયમાં મહાદેવની સન્મુખ દિવો પ્રગટાવવામાં આવે તો પણ શિવજીની અત્યંત કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

પ્રાચિન યુગમાં "ગુણનિધિ" નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણે અજાણતા મહાદેજીના મંદિરમાં દિવો પ્રગટાવ્યો અને એ દિવો પ્રગટાવવાથી તે "દ" નામનો રાજા થયો. પૂર્વજન્મની સ્મૃતિ હતી એટલે એણે દિવો પ્રગટાવવાનું ચાલુ રાખ્યું અને એ દિવાના પ્રભાવથી તે રાજા "કુબેર" થયા અને એ કુબેર મહાદેવજીના મિત્ર બન્યા. તો પ્રકૃતિ સ્વરૂપ શિવજીની પુજા શ્રાવણ માસમાં ખાસ કરવામાં આવે છે. આ કુબેરજીની જે કથા છે એ શિવ મહાપુરાણની "રુદ્ર સંહિતા" અને "શ્રૃષ્ટિ ઉપાખ્યાન" ખંડમાં વર્ણવેલી છે.

પણ દિવો ક્યારે કરવો? તો કહ્યું છે કે, શ્રાવણ માસ હોય અને એમાં પણ શ્રાવણ માસનો 'સોમવાર' હોય તો એવા સમયે 'દિપદાન' કરવામાં આવે અથવા મહાદેવજીના મંદિરમાં દિવો પ્રગટાવવામાં આવે તો શિવજીની કૃપાદ્રષ્ટિ આપણા પર રહે છે. પરંતુ મૂળ તો પુરુષ અને પ્રકૃતિ છે. પુરુષ એટલે ભગવાન શિવ અને પ્રકૃતિ એટલે શિવાની. આ આખું જે જગત છે એ શિવ અને શક્તિમય છે.

रुद्रो नर उमा नारी तस्मै तस्यै नमो नमः । रुद्रो ब्रह्मा उमा वाणी तस्मै तस्यै नमो नमः ।।
रुद्रो विष्णु उमा लक्ष्मी तस्मै तस्यै नमो नमः । रुद्रो यज्ञ उमा वेदी तस्मै तस्यै नमो नमः ।।

આમ, આખું જગત શિવ-શક્તિ મય છે. "હરિ" અને "હર" બન્નેની ઉપાસનાનો માસ છે આ શ્રાવણ માસ..! કારણ કે, આ માસમાં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આપણે "રક્ષાબંધન" મનાવીએ છીએ. તો આ પૂર્ણિમાના દિવસે 'હયગ્રીવ નારાયણ' ભગવાનનો પ્રાદુરભાવ થયો હતો એવો "ધર્મ સિંધુ" નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. ચોવીસ અવતારોમાં ભગવાન વિષ્ણુનો એક અવતાર છે હયગ્રીવ. તો વળી જન્માષ્ટમી આદિ પર્વો પણ આપણે મનાવીએ છીએ એટલે હરિ અને હરની કૃપા પ્રાપ્તિ માટે શ્રાવણ માસ એ મહત્વનો ઉત્તમ માસ કહેવાય છે. તો ચાલો આપણે પણ શ્રાવણ માસમાં શિવજીની પુજા કરી આપણા જીવનને ધન્ય બનાવીએ અને આપણું મન શિવજીના ચરણ કમલોના રસનું મકરંદ બનીને પાન કરે એજ અભ્યર્થના.

(પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી)

ટોપિક્સ:GSTV NewsGujarati News