પૂજાનું નાળિયેર અંદરથી ખરાબ નીકળે તો તે શુભ કે અશુભ? જાણો શું કહે છે શાસ્ત્રો

સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કે પૂજા-અર્ચનામાં નાળિયેરનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે. તમામ ફળોમાં નાળિયેરને સર્વશ્રેષ્ઠ માનવામાં આવતું હોવાથી તેને 'શ્રીફળ' અને તેના વૃક્ષને 'કલ્પવૃક્ષ' પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે પૂજા દરમિયાન નાળિયેર વધેરીને (તોડીને) ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવાની પરંપરા છે. જોકે, ઘણી વખત એવું બને છે કે પૂજાનું નાળિયેર વધેરતાં જ તે અંદરથી સુકાયેલું કે બગડેલું નીકળે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં શંકા-કુશંકાઓ જન્મે છે અને તેને અપશુકન સાથે જોડી દેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રો અનુસાર પૂજાનું નાળિયેર ખરાબ નીકળવું વાસ્તવમાં શું સંકેત આપે છે.
ખરાબ નાળિયેર નીકળવું અશુભ નથી
જો પૂજા દરમિયાન નાળિયેર વધેરતી વખતે તે અંદરથી ખરાબ કે સુકાયેલું નીકળે તો જરાય ગભરાવાની જરૂર નથી. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, આ કોઈ અશુભ સંકેત નથી, પરંતુ તેનો અર્થ એ થાય છે કે ઈશ્વરે તમારો પ્રસાદ સ્વીકારી લીધો છે. એવું માનવામાં આવે છે કે ભગવાને તમારી ભક્તિનો સ્વીકાર કર્યો છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે.
પ્રસાદનું વિતરણ અને નિયમો
જો વધેરેલું નાળિયેર સારું અને સ્વચ્છ નીકળે, તો તે પ્રસાદ વધુમાં વધુ લોકોમાં વહેંચવો જોઈએ. માન્યતા છે કે ઈશ્વરના પ્રસાદનું જેટલું વધારે વિતરણ થાય તેટલું વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે.
પ્રસાદ લેતી અને આપતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે:
પ્રસાદને ક્યારેય અસ્વચ્છ કે એંઠા હાથે અડવો નહીં કે સ્વીકારવો નહીં, તેનાથી દેવદોષ લાગે છે.
વધેલો પ્રસાદ હંમેશાં કોઈ પવિત્ર વાસણમાં ઢાંકીને સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ.
જો પ્રસાદ આકસ્મિક રીતે જમીન પર પડી જાય તો તેનો અનાદર ન કરવો, પરંતુ તેને પક્ષીઓ કે અબોલ જીવો સમક્ષ ચણ તરીકે મૂકી દેવો.
નાળિયેરમાં ત્રિદેવ અને લક્ષ્મીજીનો વાસ
હિન્દુ ધર્મમાં નાળિયેરને માતા લક્ષ્મીનું પ્રતીક માનીને 'શ્રીફળ' કહેવામાં આવે છે. ખાસ કરીને ધનની દેવી લક્ષ્મીજીની પૂજામાં શ્રીફળ અર્પણ કરવું અત્યંત કલ્યાણકારી મનાય છે. આ ઉપરાંત, નાળિયેરમાં ત્રિદેવ—ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ)નો વાસ હોવાની પણ ધાર્મિક માન્યતા છે.

