અહીં ઉંદર નહીં મોર પર બિરાજે છે ગણેશજી: જાણો ત્રણ સૂંઢવાળી અનોખી પ્રતિમાની ખાસિયત અને મહત્વ

દેશભરમાં ગણેશોત્સવનો પાવન પર્વ ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં સમગ્ર વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નારાથી ગૂંજી ઊઠે છે. ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તાની સ્થાપના કરી વિવિધ પ્રકારના મોદક અને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ભારતમાં ગણેશજીના અનેક ઐતિહાસિક અને પ્રખ્યાત મંદિરો આવેલાં છે, જેમાંથી દરેક સાથે કોઈને કોઈ ચમત્કારિક માન્યતા જોડાયેલી છે. આવું જ એક અનોખું અને રહસ્યમય મંદિર મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલું છે, જે 'ત્રિશુંડ ગણપતિ મંદિર' તરીકે ઓળખાય છે.
250 વર્ષથી વધુ જૂનો છે મંદિરનો ઇતિહાસ
પુણેના સોમવાર પેઠ વિસ્તારમાં આવેલું આ મંદિર સદીઓથી અખંડ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ત્રિશુંડ ગણપતિને 'ત્રિશુંડ મયૂરેશ્વર' કે 'ત્રિશુંડ વિનાયક' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇતિહાસકારોના મતે, આ મંદિરનું નિર્માણ કાર્ય ૨૬ ઓગસ્ટ ૧૭૫૪ના રોજ ઇન્દોર નજીકના ધામપુરના સાધુ ભિક્ષુગિરિ ગોસાવી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જે આશરે ૧૬ વર્ષ બાદ ૧૭૭૦માં પૂર્ણ થયું હતું. શરૂઆતમાં આ સ્થળ શિવ આરાધનાનું કેન્દ્ર માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં તે ત્રિશૂંઢ મયૂરેશ્વર ગણેશને સમર્પિત કરવામાં આવ્યું.
ઉંદર નહીં, મોર પર સવાર છે ગણેશજી
'ત્રિશુંડ' શબ્દનો અર્થ થાય છે 'ત્રણ સૂંઢ'. આ મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિ અત્યંત દુર્લભ અને અદ્ભુત છે. કાળા પથ્થરમાંથી કંડારાયેલી આ પ્રતિમાને ત્રણ મુખ/સૂંઢ, છ હાથ અને ત્રિનેત્ર (ત્રણ આંખો) છે. સામાન્ય રીતે ગણેશજીનું વાહન મૂષક (ઉંદર) જોવા મળે છે, પરંતુ અહીં બાપ્પા મયૂર (મોર) પર બિરાજમાન છે. અલંકારોથી સુશોભિત આ અલૌકિક પ્રતિમાના દર્શન માત્રથી મનને અસીમ શાંતિ મળે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ, અખંડ સૌભાગ્ય અને વિદ્યા-બુદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ સર્વ કાર્યો નિર્વિઘ્ને સિદ્ધ થાય છે.
માત્ર ગુરુપૂર્ણિમાના દિવસે જ ખૂલે છે રહસ્યમય ભોંયરું
મંદિરની બાંધણીમાં રાજસ્થાની, માળવા અને દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીનું સુંદર મિશ્રણ જોવા મળે છે. ગર્ભગૃહની પાછળની દીવાલ પર લિંગોદ્ભવ મૂર્તિ અને મુખ્ય દ્વાર પર દ્વારપાલોની સાથે ગજ-લક્ષ્મીનું સુંદર શિલ્પ કંડારાયેલું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ભોંયરામાં એક ગુપ્ત ખંડ (ધ્યાન કક્ષ) આવેલો છે, જ્યાં પ્રાચીન સમયમાં તપસ્વીઓ અને ઋષિમુનિઓ કઠોર ધ્યાન-સાધના કરતા હતા. વર્ષ દરમિયાન આ ભોંયરું સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવે છે અને તે ફક્ત વર્ષમાં એક જ વાર– 'ગુરુપૂર્ણિમા'ના પાવન દિવસે દર્શનાર્થે ખોલવામાં આવે છે.

