Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : God suffered the pain of illness for the devotee, know this wonderful green of black thakor

VIDEO: ભક્ત માટે ભગવાને ભોગવી બીમારીની પીડા, જાણો કાળિયા ઠાકોરની આ અદ્ભુત લીલા

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભગવાન જગન્નાથજીનું દરેક ચરિત્ર અને લીલા અનોખી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા એ ભારતભરમાં શ્રદ્ધા અને ભક્તિનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ આ રથયાત્રાના 15 દિવસ પહેલાં પ્રભુ કેમ બીમાર પડે છે અને એકાંતવાસમાં ચાલ્યા જાય છે, તેની પાછળ એક અત્યંત ભાવભીની પૌરાણિક કથા છુપાયેલી છે. આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ 2026ના રોજ નીકળવાની છે, ત્યારે અહીં જાણો જ્યોતિષ શાસ્ત્રી પાસેથી આ બીમારી પાછળનું રહસ્ય:

App Store

શા માટે ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે બીમાર પડે છે?

આ લીલા પાછળ ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત માધવદાસની કથા જોડાયેલી છે. માધવદાસ પ્રભુના અનન્ય ભક્ત હતા, પરંતુ તેઓ લાંબા સમયથી એક ગંભીર બીમારીથી પીડાતા હતા. અતિશય પીડાથી વ્યાકુળ થઈને એક દિવસ તેમણે કાળિયા ઠાકોરને આર્તપોકાર કર્યો:

"હે પ્રભુ! આપ તો આખા જગતના સ્વામી છો, તો શું આપ મારી આ અસહ્ય બીમારી દૂર ન કરી શકો?"

ભક્તની આ કરુણ પોકાર સાંભળીને જગન્નાથજી પ્રગટ થયા અને સ્નેહપૂર્વક બોલ્યા:

"મિત્ર માધવદાસ! હું તને આ ભવબંધનમાંથી મુક્ત કરીને મોક્ષ આપવા માંગું છું. તારા પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવ્યા પછી જ તું સંપૂર્ણ પવિત્ર થઈ શકીશ. હવે તારી બીમારીના માત્ર 15 દિવસ જ બાકી રહ્યા છે."

આ સાંભળીને માધવદાસ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા કે હવે મારામાં આ પીડા સહન કરવાની શક્તિ નથી રહી. ભક્તને અત્યંત વેદનામાં જોઈને દયાળુ ભગવાને માધવદાસની બાકી રહેલી 15 દિવસની બીમારી પોતાના પર લઈ લીધી!

ભક્ત માધવદાસ તો તરત જ સાજા થઈ ગયા, પરંતુ સ્વયં ભગવાન જગન્નાથજી બીમાર પડી ગયા. જે દિવસે ભગવાને આ લીલા કરી તે જેઠ સુદ પૂનમ (જ્યેષ્ઠ પૂર્ણિમા)નો દિવસ હતો. બસ, ત્યારથી જ આ પવિત્ર પરંપરા ચાલી આવે છે કે જેઠ પૂનમના સ્નાનયાત્રા ઉત્સવ પછી પ્રભુ 15 દિવસ માટે બીમાર પડે છે અને એકાંતવાસમાં ચાલ્યા જાય છે.

બીમારીના 15 દિવસ: 'અણસર' અને 'નેત્રોત્સવ' વિધિ

અણસર (અનાસર): ભગવાનના આ 15 દિવસના એકાંતવાસના સમયગાળાને 'અણસર ઓસડો' કે 'અનાસર' કહેવામાં આવે છે. આ દરમિયાન મંદિરના ગર્ભગૃહના પટ બંધ રહે છે અને ભક્તોને દર્શન મળતા નથી. પ્રભુને સાજા કરવા માટે વૈદ્યરાજ દ્વારા ખાસ જડીબુટ્ટીઓનો લેપ લગાવવામાં આવે છે અને માત્ર આયુર્વેદિક ઉકાળાનો ભોગ ધરાવવામાં આવે છે.

નવયૌવન દર્શન અને નેત્રોત્સવ: 15 દિવસની સારવાર પછી અષાઢ સુદ એકમના દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થાય છે, ત્યારે તેમના દિવ્ય નયનોના શ્રૃંગાર (નેત્રોત્સવ વિધિ) સાથે ભક્તોને પ્રભુના તેજસ્વી 'નવયૌવન દર્શન' થાય છે. અને તેના બીજા જ દિવસે એટલે કે અષાઢી બીજના રોજ ભગવાન રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે.

ભક્તિ અને મોક્ષનો મહાપર્વ

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે રથ પર સવાર થઈને માસી ગુંડિચાના ઘરે પહોંચશે, જ્યાં તેઓ એક સપ્તાહ સુધી આરામ કરશે અને ત્યારબાદ ફરીથી જગન્નાથ મંદિર પરત ફરશે.

એવી લોકવાયકા છે કે જે પણ શ્રદ્ધાળુ આ રથયાત્રામાં સામેલ થઈને પ્રભુના રથનું દોરડું ખેંચે છે, તેના માટે મોક્ષનો માર્ગ સદાય માટે સરળ બની જાય છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.