Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Lord Jagannath's chariot stops even today for Muslim devotees!

VIDEO: મુસ્લિમ ભક્ત માટે આજે પણ રોકાય છે ભગવાન જગન્નાથનો રથ! જાણો ભક્ત સાલબેગ અને કાળિયા ઠાકોરની અદ્દભૂત કથા

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર નગરચર્યા નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ સ્નેહનું પાવન પર્વ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભવ્ય 'નંદીઘોષ' રથમાં બિરાજમાન થઈને જગન્નાથપુરી મંદિરથી માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જવા પ્રસ્થાન કરશે. અહીં ભગવાન જગન્નાથ માસીના ઘરે ૭ દિવસ રોકાયા બાદ ફરીથી પોતાના મુખ્ય મંદિર જગન્નાથપુરી પરત ફરશે. આ સમગ્ર યાત્રા દરમિયાન અનેક અદ્ભુત અને અલૌકિક દૃશ્યો જોવા મળે છે. ભક્તો પોતાના આરાધ્ય દેવના રથને ખેંચવા માટે આતુર હોય છે. એવી માન્યતા છે કે જે પણ ભક્ત સાચા હૃદયથી ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે, તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

App Store

જગન્નાથ રથયાત્રાની ખાસ વાતો

દર વર્ષે આ ભવ્ય રથયાત્રાના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથપુરી પહોંચે છે. ભગવાન કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પોતાના તમામ ભક્તોને દર્શન આપે છે. આ રથયાત્રામાં એક અદ્ભુત દૃશ્ય ત્યારે જોવા મળે છે, જ્યારે ભગવાનનો રથ મંદિરથી થોડે દૂર (લગભગ 200 મીટર) ચાલીને અચાનક રોકાઈ જાય છે. થોડી વાર રોકાયા પછી જ આ રથ આગળ વધે છે. રથયાત્રા દરમિયાન રથનું આ રીતે રોકાવું એ એક અનોખી પરંપરાનો ભાગ છે, જે ભગવાનનો તેમના ભક્તો પ્રત્યેનો અજોડ પ્રેમ દર્શાવે છે.

જગન્નાથ રથયાત્રા અને ભક્ત સાલબેગની કથા

ભગવાન જગન્નાથના મંદિરથી આશરે બે કિલોમીટરના અંતરે એક મજાર (કબર) આવેલી છે, જે ભગવાન જગન્નાથના પરમ ભક્ત સાલબેગની મજાર તરીકે ઓળખાય છે. રથયાત્રા દરમિયાન આ મજાર પર ભગવાનનો રથ રોકવાની પરંપરા મુઘલ કાળથી ચાલી આવે છે.

એવી કથા છે કે જહાગીર કુલી ખાન (જે લાલબેગ તરીકે પણ ઓળખાતો હતો) જહાગીરના શાસનકાળમાં બંગાળનો સુબેદાર હતો. એક સૈન્ય પ્રવાસ દરમિયાન તેણે સાલબેગની માતાને જોયાં, જેઓ એક હિન્દુ બ્રાહ્મણ મહિલા અને ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતાં. લાલબેગે આ હિન્દુ કન્યા સાથે નિકાહ (લગ્ન) કર્યા, જેનાથી સાલબેગનો જન્મ થયો.

સાલબેગના જગન્નાથ ભક્ત બનવાની કથા

સાલબેગ પર નાનપણથી જ તેમની માતાના ભક્તિભાવની ઊંડી અસર પડી અને તેઓ પણ મનથી ભગવાન જગન્નાથના ભક્ત બની ગયા. પરંતુ સામાજિક અને ધાર્મિક મર્યાદાઓને કારણે તેઓ ક્યારેય મંદિરની અંદર જઈને ભગવાન જગન્નાથના પ્રત્યક્ષ દર્શન ન કરી શક્યા અને ન તો રથયાત્રામાં સામેલ થઈ શક્યા. આથી તેમણે મંદિરથી થોડે દૂર પોતાની એક નાનકડી કુટિર (ઝૂંપડી) બનાવી લીધી હતી. જ્યારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમણે રડતા હૃદયે પ્રભુને પ્રાર્થના કરી: "હે પ્રભુ! અંતકાળે એકવાર તમારા આ ગરીબ ભક્તને દર્શન આપવા જરૂર આવજો." ભક્તની આ પ્રાર્થના સીધી ભગવાનના હૃદય સુધી પહોંચી ગઈ.

એટલા માટે આજે પણ સાલબેગની મજાર પર રોકાય છે રથ

જ્યારે ભગવાનનો રથ ગુંડિચા મંદિર તરફ જવા રવાના થયો, ત્યારે સાલબેગની કુટિર નજીક પહોંચીને રથ અચાનક એવો સ્તબ્ધ થઈ ગયો કે હજારો લોકોએ જોર લગાવ્યું છતાં રથ એક ઇંચ પણ આગળ ન વધ્યો. માન્યતા છે કે ભગવાન જગન્નાથ તે સમયે રથમાંથી અદૃશ્ય થઈને પોતાના વહાલા ભક્ત સાલબેગને દર્શન આપવા ગયા હતા.

ભગવાનના દિવ્ય દર્શન પામીને સાલબેગ ધન્ય થઈ ગયા અને થોડી વાર પછી રથ આપોઆપ આગળ ચાલવા લાગ્યો. લોકો સમજી ગયા કે અતિ કરુણાળુ ભગવાન પોતે પોતાના ભક્તની મનોકામના પૂર્ણ કરવા આવ્યા હતા. સાલબેગના અવસાન બાદ તેમની તે જ કુટિર પાસે તેમની મજાર બનાવવામાં આવી. મુઘલ કાળથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ એટલી જ આસ્થા સાથે નિભાવવામાં આવે છે, અને દર વર્ષે રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ થોડી ક્ષણો માટે ભક્ત સાલબેગની મજાર પર જરૂર રોકવામાં આવે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.