ભાઈબીજની ઉજવણી પાછળ છે યમરાજ અને યમુનાની અનોખી કથા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પરંપરા

ભાઈબીજની ઉજવણી પાછળ છે યમરાજ અને યમુનાની અનોખી કથા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પરંપરા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભાઈબીજ (Bhai Dooj)નો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને અતૂટ સંબંધનું પ્રતીક છે. દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈઓ બહેનોને ભેટ આપીને તેમની સુરક્ષા અને સાથ આપવાનું વચન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ભાઈબીજની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ? તેની પાછળ યમરાજ (Yamraj) અને તેમની બહેન યમુના (Yamuna) સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા છે.

ભગવાન સૂર્યનાં સંતાનો છે યમરાજ અને યમુના

પૌરાણિક કથા અનુસાર, યમરાજ અને યમુના ભગવાન સૂર્ય (Surya Dev) અને તેમની પત્ની છાયાના સંતાનો હતાં. બંને ભાઈ-બહેન વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. યમુના હંમેશાં ઇચ્છતી હતી કે તેનો ભાઈ યમરાજ એક દિવસ તેના ઘરે આવે અને તેની સાથે ભોજન કરે. આ માટે તે વારંવાર યમરાજને આમંત્રણ આપતી હતી. જોકે, યમરાજ પોતાના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી બહેનનું આમંત્રણ સ્વીકારી શકતા નહોતા. યમુના લાંબા સમયથી પોતાના ભાઈની રાહ જોઈ રહી હતી. આખરે એક દિવસ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે યમરાજ અચાનક પોતાની બહેન યમુનાના ઘરે પહોંચી ગયા.

જાહેરાત

યમુનાએ ભાઈનું કર્યું ભવ્ય સ્વાગત

લાંબા સમય બાદ પોતાના ભાઈને ઘરે આવેલા જોઈને યમુના ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે યમરાજનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. ત્યારબાદ ભાઈને તિલક લગાવ્યું અને વિવિધ વાનગીઓ બનાવીને તેમને ભોજન કરાવ્યું. યમુનાના આતિથ્ય અને પ્રેમથી યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા. ભોજન કર્યા બાદ યમરાજે પોતાની બહેનને કહ્યું કે તે તેની સેવાથી ખૂબ જ ખુશ છે અને તેને જે વરદાન માંગવું હોય તે માંગી શકે છે. ત્યારે યમુનાએ પોતાના ભાઈ પાસે એક વિશેષ વરદાન માંગ્યું.

યમરાજે બહેનને આપ્યું ખાસ વરદાન

યમુનાએ યમરાજને કહ્યું કે તેઓ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે તેના ઘરે ભોજન કરવા આવે. આ સાથે તેણે એવું વરદાન પણ માંગ્યું કે જે બહેન આ દિવસે પોતાના ભાઈને તિલક કરે અને પ્રેમથી ભોજન કરાવે, તે ભાઈને યમરાજના ભયથી મુક્તિ મળે. બહેનની આ ઇચ્છા સાંભળીને યમરાજે 'તથાસ્તુ' કહીને તેનું વરદાન સ્વીકારી લીધું. ત્યારબાદ તેઓ યમપુરી (Yampuri) જવા રવાના થયા. ધાર્મિક માન્યતા અનુસાર, ત્યારથી જ ભાઈબીજના તહેવારની ઉજવણી શરૂ થઈ હતી.

ભાઈબીજ પર યમુના સ્નાનનું પણ છે મહત્ત્વ

આ પૌરાણિક કથા સાથે ભાઈબીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાની પરંપરા પણ જોડાયેલી છે. એવી માન્યતા છે કે આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને તેના હાથે તિલક કરાવવું અને ભોજન ગ્રહણ કરવું શુભ ગણાય છે. યમુના નદીમાં સ્નાન કરવાથી પણ યમરાજના ભયથી મુક્તિ મળે છે તેવી ધાર્મિક માન્યતા પ્રચલિત છે. આમ, ભાઈબીજ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પ્રતીક પણ છે. યમરાજ અને યમુનાની આ કથા આજે પણ આ પર્વની ઉજવણી પાછળની પરંપરા અને તેના ધાર્મિક મહત્ત્વને સમજાવે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો

જાહેરાત