જ્યોતિષશાસ્ત્ર અને શ્રીરામ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः।कालाग्निसदृशः क्रोधे क्षमाया पृथ्वीसमः। धनेन समग्र

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः।
कालाग्निसदृशः क्रोधे क्षमाया पृथ्वीसमः।
धनेन समग्र्यगे सत्ये धर्म इवापरः।
વાલ્મિકી રામાયણમાં કહ્યું છે, કે શ્રીરામ પરાક્રમમાં વિષ્ણુ સમાન, રૂપમાં ચંદ્ર સમાન, ક્રોધમાં અગ્નિ સમાન, ધૈર્યમાં પૃથ્વી સમાન, દાનમાં કુબેર સમાન અને દૃઢતામાં સૂર્ય સમાન છે.
પરાશર ઋષિએ સાતેય ગ્રહોની સરખામણી વિષ્ણુના અલગ-અલગ અવતાર સાથે કરી છે. તેમાં સૂર્યની સરખામણી રામ સાથે કરવામાં આવી છે. સૂર્ય દૃઢ છે. ન ઘટે છે, ન વધે છે. બધા પર એક સરખો તાપ વરસાવે છે. ક્યારેય વહેલો કે મોડો ઊગતો નથી. શ્રીરામની મર્યાદા
ભગવાન રામનો જન્મ થયો ત્યારની જન્મ કુંડળી અવેલેબલ છે. તેમની કુંડળીમાં ચાર ગ્રહો ઉચ્ચના હતા અને એક સ્વગૃહી હતો. મંગળ મકરમાં, ચંદ્ર અને ગુરુ કર્કમાં, શનિ તુલામાં અને સૂર્ય-શુક્ર મીનમાં અને બુધ મેષમાં. ઘણા જ્યોતિષીઓ એવું માને છે કે ભગવાન રામની કુંડળીમાં સૂર્ય મેષમાં હતો, પણ ખોટી વાત છે. એટલા માટે કેમ કે ચૈત્ર મહિનામાં સૂર્ય મીન રાશિમાં ગોચર કરતો હોય છે. તેથી ચૈત્રમાં મીનારક કમુરતા ચાલતા હોય છે. (દેશના ટોચના જ્યોતિષી શ્રી કે. એન. રાવે રીસર્ચ કરીને આ સાબિતી આપી છે.) ) સૂર્ય આત્મા કારક છે. મીન રાશિ ક્ષીર સાગર સૂચવે છે. આથી મીનનો સૂર્ય રામના વિષ્ણુ અવતારની પ્રતિતિ કરાવે છે અને મીન રાશિ નવમા સ્થાનમાં પડે છે. જે ધર્મનું સ્થાન છે.
ફરી વાલ્મિકી રામાયણના શ્લોક ક્વોટ કરીએ.
ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययु:।
ततश्च द्वादशे मासे चैत्रे नावमिके तिथौ।।1.18.8।।
नक्षत्रेऽदितिदैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु।
ग्रहेषु कर्कटे लग्ने वाक्पताविन्दुना सह।।1.18.9।।
प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम्।
कौसल्याऽजनयद्रामं सर्वलक्षणसंयुतम्।।1.18.10।।
અર્થાત યજ્ઞ સમાપ્તિને છ ઋતુ વીતી ગયા પછી ચૈત્ર શુક્લ પક્ષ નવમી તિથિના રોજ ચંદ્ર પુનર્વસુ નક્ષત્રમાં હતો અને કર્ક લગ્ન વિદ્યમાન હતું ત્યારે કૌશલ્યા દેવીએ દિવ્ય લક્ષણોથી યુક્ત સર્વલોક વંદિત જગદીશ્વર શ્રી રામને જન્મ આપ્યો. એ સમયે પાંચ ગ્રહો ઉચ્ચ અથવા સ્વગૃહી હતા તથા ચંદ્ર ગુરુ સાથે કર્ક રાશિમાં બિરાજમાન હતો.
ભગવાન રામનો જન્મ થયો ત્યારે ગુરુ, શનિ, શુક્ર, અને મંગળ ઉચ્ચના હતા તથા ચંદ્ર સ્વગૃહી હતો. તેમની કુંડળીમાં કેતુ બારમા સ્થાનમાં હતો. બારમા સ્થાનનો કેતુ મોક્ષ અપાવે છે. છઠ્ઠે રાહુ હતો, છઠ્ઠા સ્થાનનો રાહુ જાતકને શત્રુહંતા બનાવે છે. દશરથ રાજાએ રામની કુંડળી કઢાવી હતી વશિષ્ઠ ઋષિ પાસે. રામ ભગવાનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે તેમના જીવનમાં જે કંઈ પડકારો આવ્યા તે ઉપાડ્યા. તેનો સામનો કર્યો. વનવાસનો અને પત્ની વિરહનો તાપ સહન કર્યો. ક્યારેય કોઈ દુઃખથી થથર્યા નહીં. ક્યારેય પાછી પાની કરી નહીં. તેમની લાઇફમાંથી એ શીખવા મળે છે કે ચાહે કંઈ પણ થાય, ભાગી જવું જોઈએ નહીં. અને ફરજને હંમેશા બધાથી ઉપર રાખવી. જય શ્રી રામ.







