મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણીતા એસ્ટ્રોલોજરે શનિ જયંતી પર શનિ મહારાજને લખ્યો પત્ર

આદરણીય શનિદેવ, હું જરૂર કોઈ પુણ્યશાળ

જાણીતા એસ્ટ્રોલોજરે શનિ જયંતી પર શનિ મહારાજને લખ્યો પત્ર

આદરણીય શનિદેવ,

             હું જરૂર કોઈ પુણ્યશાળી આત્મા છું. અન્યથા તમારા દર્શનને સમજવાનો મોકો ભલા મને કેવી રીતે મળતો? આ આપની કૃપા નહીં તો બીજું શું છે? તમને અંધકારના દેવતા માનવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે, તમે આ જગતને ન્યાયનું અજવાળું આપ્યું છે. તમારા માતા સાથે અન્યાય થયો ત્યારે તમે તમારા પિતા સામે અવાજ ઉઠાવવામાં ક્યાં ખચકાયા હતા? જન્મ કુંડળીમાં આજે પણ જ્યાં સૂર્ય-શનિની યુતિ કે પ્રતિયુતિ હોય તો અમે તેને ગહન વૈચારિક મતભેદ તરીકે જોઈએ છીએ. ચંદ્ર લાગણીનો દોરવાયો છે. સાચું ખોટું નથી જોતો, પરંતુ તમે લાગણી-શૂન્ય છો. મતલબ ન્યાય તોળવામાં ક્યારેય લાગણીઓને વચ્ચે આવવા દેતા નથી.

તમે સમાનતામાં માનનારા છો. ઉચ્ચ-નીચના ભેદ તમને નથી ગમતા અને ભેદ કરનારને તમે દંડિત કરો છો. તમે રંકને પણ છોડતા નથી અને રાજાને પણ. તમારો ન્યાય વર્ગભેદમાં જરા પણ વિશ્વાસ રાખતો નથી. તમે કૃપા કરતા કર્મને માનનારા દેવ છો. અને કર્મ થકી જ તો સંસારનું ચક્ર ગતિમય રહી શક્યું છે. લોકો તમારાથી ભયભીત થાય છે. તેઓ સમજતા નથી કે તમારાથી ડરવાની નહીં પણ તમારા દર્શનને સમજવાની જરૂર છે.

તમને નીતિના માર્ગે ચાલનારા અને કર્મ કરનારા, હાર્ડવર્ક કરનારા લોકો ગમે છે. તમને ક્રેડિટની લાલચ રાખ્યા વિના સેવા કરનારા લોકો ગમે છે. તમને એવા લોકો ગમે છે, જે શારીરિક શ્રમ કરે. તમને એવા લોકો ગમે છે, જે સાચું બોલે. તમને એવા લોકો ગમે છે, જે કલ્પનાના ઘોડા દોડાવવાને બદલે વાસ્તવિકતામાં જીવે. તમને શિસ્તમાં જીવનારા લોકો ગમે છે, સાફ-સફાઈ કરનારા લોકો ગમે છે. જન્મ કુંડળીમાં જ્યાં તમે બેસો છો તેને લગતી બાબતોમાં તે વ્યક્તિ ગેરશિસ્ત દાખવે તો તમે તેને તુરંત દંડિત કરો છો.

દર્દીઓ, વૃદ્ધો, ક્લાસ ફોર કર્મચારીઓ અને ભિક્ષુકો પર દયા દૃષ્ટિ રાખનારા લોકો પર તમે દયા દૃષ્ટિ રાખો છો. લોકો તમને પૂજે છે, પરંતુ તમે તો યોગ અને વૈરાગ્યના માર્ગે ચાલો છો. તમારી ખુશામત કરનારા લોકોથી તમે ખુશ થતા નથી, પરંતુ તમારા વિચારો પ્રમાણે જીવનારા લોકો પર તમે કૃપા વરસાવો છો. તમે ધીમે-ધીમે આપો છો, પરંતુ તમારું આપેલું કોઈ છીનવી શકતું નથી. તમે રાહુની જેમ ઓવરનાઇટ સકસેસ નથી આપતા. તમે ટીપે-ટીપે સરોવર ભરાય એ રીતે આપો છો. તમે કદર કરાવી-કરાવીને આપો છો. જેથી આપેલું ટકે. તમે વારસો આપો છો. તમે આપેલો વારસો અમે જાળવી શકીએ એવા આશીર્વાદ આપો. 

આજે શનિ જયંતિએ તમને પ્રણામ અને એ જ ઇચ્છા કે, તમારા વિચારપૂર્વકનું જીવન જીવી શકું. આભાર.

તમારો સેવક
કુલદીપ કારિયા

આ સમાચાર શેર કરો