Paris Olympics 2024: તુર્કીના શૂટરનો 'સ્વેગ' થયો વાયરલ, કોઈ પણ ખાસ ગિયર વિના જ જીત્યો સિલ્વર મેડલ
પેરિસ ઓલિમ્પિક 2024માં 51 વર્ષીય તુર્કીશ શૂટર યુસુફ ડ

પેરિસ ઓલિમ્પિક 2024માં 51 વર્ષીય તુર્કીશ શૂટર યુસુફ ડિકેચે તેના પાર્ટનર સેવલ ઇલાયદા તરહાન સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. સૌથી રસપ્રદ વાત એ છે કે, યુસુફ ડિકેચે કોઈપણ ખાસ સાધનો વિના આ સિદ્ધિ મેળવી હતી. યુસુફ ડિકેચની એક તસવીરે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં તે માત્ર ચશ્મા પહેરીને ફાઈનલમાં લક્ષ્ય સાધતો જોવા મળે છે.
2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ટર્કિશ એર પિસ્તોલ શૂટર યુસુફ ડિકેચ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત મીમ બની ગયો છે. 51 વર્ષીય એથ્લેટ એક હાથ ખિસ્સામાં રાખીને લક્ષ્ય સાધતો અને મિનિમલ ગિયર પહેરેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુસુફ ડિકેચની સરખામણી અન્ય એથ્લેટ્સ સાથે કરવામાં આવી હતી જેમણે એર પિસ્તોલ મિક્સ ટીમ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ખાસ ગિયર પહેર્યા હતા, જેમ કે, ખાસ ગોગલ્સ, બ્લરથી બચવા માટે લેન્સ અને અવાજ ટાળવા માટે કાનની સુરક્ષા. તેનાથી વિપરીત, તુર્કીના શૂટરે પેરિસ ઓલિમ્પિક 2024ના સ્ટેજ પર માત્ર સામાન્ય ચશ્મા અને સાદા ઈયર પ્લગ પહેરીને અને એક હાથ ખિસ્સામાં રાખીને સિલ્વર મેડલ જીત્યો હતો. કેટલાક લોકોએ મજાક કરી હતી કે, તુર્કીએ ગુપ્ત જાસૂસ અથવા હિટમેનને ઓલિમ્પિકમાં મોકલ્યો હતો અને જાણીજોઈને ગોલ્ડ મેડલ જીત્યો ન હતો જેથી શંકા ન થાય.
સર્બિયાના જોરાના અરુનોવિક અને દામિર મિકેકે મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓએ ચેટોરોક્સ શૂટિંગ સેન્ટર ખાતે તુર્કીના સેવલ એલાયદા તરહાન અને યુસુફ ડિકેચને 16-14થી હરાવ્યા. આ દરમિયાન, ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે દક્ષિણ કોરિયાની જોડી ઓહ યે-જિન અને લી વોન-હોને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.






