Olympic 2024 / 6.5 મહિનાની પ્રેગનેન્ટ તીરંદાજે બાળકની કિક અનુભવતા જ પરફેક્ટ 10 પર લગાવ્યું નિશાન
ભવિષ્યમાં જ્યારે પણ પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ થશે ત્યારે મહિલા ખેલાડીઓના નામ ચોક્કસથી લેવામાં આવશે.

ભવિષ્યમાં જ્યારે પણ પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ થશે ત્યારે મહિલા ખેલાડીઓના નામ ચોક્કસથી લેવામાં આવશે. ઈજિપ્તની નાડા હાફિઝ અને અઝરબૈજાનની યાયલાગુલ રમાઝાનોવા પોતપોતાની રમતમાં પેરિસ ઓલિમ્પિકમાં પ્રેગનેન્સી વખતે જે રીતે પહોંચ્યા તે ખૂબ જ પ્રેરણાદાયી છે.
અઝરબૈજાનની તીરંદાજ યાયલાગુલ દ્વારા શેર કરવામાં આવેલી સ્ટોરી સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જશે. તેણીએ જણાવ્યું કે, જ્યારે તે નિશાન લગાવી રહી હતી ત્યારે એક સમયે તેને લાગ્યું કે બાળકે લાત મારી છે અને પછી તેનું તીર પરફેક્ટ 10 પર લાગ્યું હતું.
ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ઘણા ખેલાડીઓ પોતાની જીત અને હારના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, પરંતુ ગયા અઠવાડિયે ફેન્સિંગમાં ભાગ લેનાર ઈજિપ્તની નાડા હાફિઝે કંઈક બીજું જ શેર કર્યું. તેણે ખુલાસો કર્યો કે તે એકલી ફેન્સીંગ ન હતી કરી રહી, અન્ય કોઈ પણ તેની સાથે હતું.
મેચ બાદ પોતાનો ફોટો શેર કરતા હાફિઝે લખ્યું હતું કે, 'તમે સ્ટેજ પર બે ખેલાડીઓને જુઓ છો પરંતુ વાસ્તવમાં તે ત્રણ છે. હું, મારી હરીફ અને મારું ભાવિ બાળક.'
નાડાએ આ ઈવેન્ટમાં 16મું સ્થાન મેળવ્યું હતું, જે ત્રણ ઓલિમ્પિક ગેમ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના એક દિવસ બાદ અઝરબૈજાનના તીરંદાજે પણ ખુલાસો કર્યો કે તે સાડા છ મહિનાની પ્રેગનેન્ટ છે.
યાયલાગુલ રમાઝાનોવાએ જણાવ્યું હતું કે, તેણે શોટ લેતા પહેલા તેના બાળકની કિક અનુભવી અને પછી તેનું તીર પરફેક્ટ 10 પર લાગ્યું, જે મહત્તમ પોઈન્ટ છે. આ પહેલા પણ પ્રેગનેન્ટ મહિલાઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિક ઉપરાંત અનુભવી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પ્રેગ્નન્ટ હોવા છતાં 2017માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો હતો અને તે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. દુનિયા હવે આ મહિલાઓના જુસ્સાને સલામ કરી રહી છે.








