Paris Olympic 2024 / "મારી છેલ્લી ટુર્નામેન્ટ હતી..." આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ મેચ હાર્યા બાદ જાહેર કરી નિવૃત્તિ
અનુભવી ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં

અનુભવી ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કર્યા બાદ કહ્યું કે, તે ભારત માટે તેની છેલ્લી મેચ રમ્યો છે. બોપન્ના દેશ માટે વધુ સારી રીતે તેની કારકિર્દીનો અંત લાવવા માંગતો હતો પરંતુ તેને એ વાતનો ગર્વ છે કે તેણે 22 વર્ષની તેની કારકિર્દીમાં ઘણી મોટી સફળતાઓ હાંસલ કરી છે. બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની મેન્સ ડબલ્સ જોડી રવિવારે રમાયેલી મેચમાં એડવર્ડ રોજર વાસેલિન અને ગેલ મોનફિલ્સની ફ્રેન્ચ જોડી સામે 5-7, 2-6થી હારી ગઈ હતી. આ જોડીની હાર સાથે ટેનિસમાં ભારતનો ઓલિમ્પિક મેડલનો દુકાળ 1996 પછી પણ ચાલુ રહ્યો છે.
બોપન્નાએ ભારત માટે છેલ્લી મેચ રમી હતી
અનુભવી લિએન્ડર પેસે એટલાન્ટા ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોપન્ના 2016માં આ દુષ્કાળને સમાપ્ત કરવાની નજીક આવ્યો હતો પરંતુ તેની અને સાનિયા મિર્ઝાની જોડી મિક્સ ઈવેન્ટમાં ચોથા સ્થાને રહી હતી. 2026 એશિયન ગેમ્સમાંથી પોતાને બહાર રાખતા બોપન્નાએ કહ્યું, "દેશ માટે આ ચોક્કસપણે મારી છેલ્લી ટૂર્નામેન્ટ હતી. હું જે પરિસ્થિતિમાં છું તે હું સંપૂર્ણપણે સમજું છું. હવે જ્યારે હું રમી શકીશ ત્યારે હું ટેનિસનો આનંદ માણીશ." તે પહેલા જ ડેવિસ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
રોહન બોપન્નાએ તેના ચહેરા પર સ્મિત સાથે કહ્યું, "હું જ્યાં છું તે મારા માટે પહેલેથી જ એક મોટું બોનસ છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું બે દાયકા સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. મેં 2002માં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી અને 22 વર્ષ પછી પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. મને અ વાત પર ખૂબ જ ગર્વ છે." બોપન્નાએ કહ્યું કે, 2010માં બ્રાઝિલ સામેની પાંચમી ડેવિસ કપ મેચ રાષ્ટ્રીય ટીમ માટે તેની સૌથી યાદગાર મેચ છે.
યાદગાર મેચ
રોહન બોપન્નાએ વધુમાં કહ્યું, "ડેવિસ કપના ઈતિહાસમાં તે ચોક્કસપણે એક યાદગાર મેચ છે. તે મારી અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્ષણ છે, તેમાં કોઈ શંકા નથી કે ચેન્નાઈમાં તે ક્ષણ અને તે પછી બેંગ્લોરમાં સર્બિયા સામેની મેચ પાંચ સેટમાં જીતવી તે એક યાદગાર પ્રસંગ હતો."
તેણે કહ્યું, "તે સમયે ટીમનું વાતાવરણ શાનદાર હતું. લી (લિએન્ડર પેસ) સાથે રમવું, મહેશ ભૂપતિ સાથે કેપ્ટન તરીકે રમવું, તે એક અદ્ભુત અનુભવ હતો. તે સમયે સેમદેવ (દેવવર્મન) અને હું સિંગલ્સ રમતા હતા. અને અમે બધા ખૂબ મહેનત કરી હતી, તે અકલ્પનીય હતું." તેણે આગળ કહ્યું, "અલબત્ત, મારું પહેલું મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવું અને વર્લ્ડ નંબર વન બનવું એ મોટી ઉપલબ્ધિ છે. હું મારી પત્ની (સુપ્રિયા) નો આભારી છું, જેણે આ સફરમાં ઘણું બલિદાન આપ્યું છે."
AITAમાં જોડાઈ શકે છે
બોપન્ના તેના લેવલ પર ડબલ્સ ખેલાડીઓને મદદ કરી રહ્યો છે અને ભવિષ્યમાં જો તેને AITA (ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન) ના ગવર્નન્સમાં સામેલ થવાની તક મળે તો તેને કોઈ વાંધો નથી. તેણે કહ્યું, "જ્યારે હું તે કરવા માટે તૈયાર છું, ત્યારે હું ચોક્કસપણે તે હોદ્દાઓ પર ધ્યાન આપીશ. હું અત્યારે સ્પર્ધા અને મુસાફરી કરી રહ્યો છું, તેથી હું અત્યારે તે પ્રકારની જવાબદારી નિભાવી શકતો નથી. હું આ સમયે તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા આપી શકતો નથી."
મેચ વિશે આ કહ્યું
બોપન્નાએ કહ્યું કે, ઓલિમ્પિક મેચમાં ફ્રાન્સની ટીમમાં મોનફિલ્સની હાજરીએ તેનું કામ મુશ્કેલ બનાવી દીધું હતું. મોનફિલ્સે છેલ્લી ક્ષણે ફેબિયન રીબોલની જગ્યા લીધી. તેણે કહ્યું, "મોનફિલ્સે મને કહ્યું કે આ તેની સર્વશ્રેષ્ઠ ડબલ્સ મેચ હતી. સિંગલ્સ મેચ રમ્યા પછી, આ મેચમાં પણ તેનો બોલ પર ઉત્તમ નિયંત્રણ હતો. તે ઝડપી ફટકા મારી રહ્યો હતો અને શાનદાર સર્વિસ આપી રહ્યો હતો."
ફ્રાન્સની જોડીને સ્થાનિક પ્રશંસકોનો પણ સારો સપોર્ટ મળ્યો. સ્ટેડિયમમાં હાજર દર્શકો સતત તેમના ખેલાડીઓને ચીયર કરી રહ્યા હતા. બોપન્નાએ કહ્યું, "મને નથી લાગતું કે મેં ક્યારેય ભારતમાં ડેવિસ કપ આવા વાતાવરણમાં રમ્યો હોય. ફેન્સગાતા હતા, અવાજ કરી રહ્યા હતા, કૂદતા હતા. ડેવિસ કપમાં મેં યુરોપ અને દક્ષિણ અમેરિકામાં ઘણી વાર આવું જોયું છે."
બાલાજીએ નિર્ણાયક સમયે તેની સર્વિસ ગુમાવી દીધી, જેના કારણે તે પોતાની જાતથી નિરાશ થયો પરંતુ બોપન્નાએ કહ્યું કે, તેનો પાર્ટનર ખૂબ સારી રીતે રમ્યો. તેણે કહ્યું, "મેં તેને કહ્યું કે તે જે રીતે રમ્યો તેના પર તેને ખૂબ જ ગર્વ હોવો જોઈએ. એવી કેટલીક બાબતો છે જેના પર તે ચોક્કસપણે કામ કરી શકે છે અને તેને આગળ વધવા માટે એક ઉત્તમ ઉદાહરણ તરીકે લઈ શકે છે,"








