Paris Olympic / શ્રીજા અકુલાની ઐતિહાસિક જીત, મનિકા બત્રાના રેકોર્ડની કરી બરાબરી
પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ પેરિસ ઓલિમ્પિકમ

પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું વિસ્ફોટક પ્રદર્શન જારી રાખ્યું છે. અકુલા વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે. અકુલા પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર ભારતનો બીજી ખેલાડી બની ગઈ છે. આ પહેલા મનિકા બત્રાએ વિમેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
શ્રીજા અકુલાએ રાઉન્ડ ઓફ 32 મેચમાં સિંગાપોરની જીયાન ઝેંગને 4-2થી હરાવી હતી. ભારતીય ખેલાડીએ સિંગાપુરની ખેલાડીને 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10થી હરાવી હતી. આ મેચ છ ગેમ સુધી ચાલી હતી. શ્રીજા અકુલા પ્રથમ ગેમ 9-11થી હારી ગઈ હતી. આ પછી તેણે સતત ત્રણ ગેમ જીતીને જીયાનને પ્રેશરમાં મૂકી દીધી હતી. શ્રીજાએ બીજી ગેમ 12-10 અને ત્રીજી ગેમ 11-4થી જીતી હતી. આ પછી, તેણે ચોથી ગેમ 11-5થી જીતીને પોતાની લીડ વધારી. જીયાન ઝેંગે પાંચમી ગેમમાં કમબેક કર્યું અને 12-10થી જીત મેળવી. આ પછી શ્રીજાએ છઠ્ઠી ગેમ 12-10થી જીતીને મેચ જીતી લીધી હતી.
અગાઉ શ્રીજા અકુલાએ પેરિસ ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ઈવેન્ટની પોતાની પ્રથમ મેચમાં સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગને 11-4, 11-9, 11-7, 11-8થી હરાવી હતી. પેરિસ ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં બે ભારતીય ખેલાડીઓ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા કોઈ પણ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ ના હતી થઈ.






