મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પીઆર શ્રીજેશને મળી મોટી જવાબદારી, નિવૃત્તિ પછી પણ ભારતીય હોકી ટીમનો ભાગ રહેશે

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનિશ ટીમને 2-1ના માર્જિનથી

પીઆર શ્રીજેશને મળી મોટી જવાબદારી, નિવૃત્તિ પછી પણ ભારતીય હોકી ટીમનો ભાગ રહેશે

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનિશ ટીમને 2-1ના માર્જિનથી હરાવીને મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય મેન્સ હોકી ટીમનો આ 13મો મેડલ છે. આ જીત બાદ અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ તેણે જાહેરાત કરી હતી કે આ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ છે. હવે તેને હોકી ઈન્ડિયા તરફથી મોટી જવાબદારી મળી છે, જેમાં શ્રીજેશ ભારતીય હોકી ટીમ સાથે જોડાયેલો રહેશે.

પીઆર શ્રીજેશને જુનિયર હોકી ટીમનો હેડ કોચ બનાવાયો

પીઆર શ્રીજેશના અનુભવ અને યોગદાનને ધ્યાનમાં રાખીને હોકી ઈન્ડિયાએ તેને જુનિયર મેન્સ હોકી ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી હોકી ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવી હતી. જેમાં તેઓએ પીઆર શ્રીજેશનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે પીઆર શ્રીજેશ જુનિયર મેન્સ હોકી ટીમના નવા હેડ કોચ તરીકે આ જવાબદારી સંભાળશે. તમે ભવિષ્યમાં પણ આવી જ રીતે તમામ યુવાનોને પ્રેરણા આપતા રહેશો. અમે તમારા કોચિંગ કાર્યકાળની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

શ્રીજેશ 2006માં પ્રથમ વખત સિનિયર ટીમ માટે રમ્યો હતો

વર્ષ 2006માં પીઆર શ્રીજેશને ભારતીય સિનિયર હોકી ટીમ તરફથી રમવાની તક મળી. તેની 18 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન પીઆર શ્રીજેશને 4 વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી જેમાં તે 2 વખત મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સિવાય તેણે ભારતીય હોકી ટીમની કેપ્ટનશિપની જવાબદારી પણ નિભાવી છે. પીઆર શ્રીજેશને હોકીમાં તેમના યોગદાન માટે વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો