Paris Olympic / 'જેટલું તમને હાર શીખવે છે, તેટલું જીત...', મેડલ જીત્યા બાદ મનુએ કહી આ વાત
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારત માટે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા શૂટર છે. તેણે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં મનુ ભાકરની પિસ્તોલ તૂટી ગઈ હતી. આ કારણોસર તે ફાઈનલ રાઉન્ડમાં પહોંચી શકી નહોતી. હવે તેણે પેરિસમાં મેડલ જીત્યા બાદ આ વાત કહી છે.
માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: મનુ ભાકર
મેડલ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું કે, "હું ખૂબ જ ખુશ છું. હું દેશ માટે મેડલ જીતવામાં સફળ રહી. આવનારા સમયમાં અમે શૂટિંગ અને અન્ય ઈવેન્ટ્સમાં મેડલ જીતીશું. જ્યારે તમે પોડિયમ પર જાઓ છો અને મેડલ મેળવો છો, ત્યારે તમે બધા સંઘર્ષ અને સમસ્યાઓને સમજો છો. તમે તેમને માત આપીને અહીં પહોંચ્યા છો અને પછી તમે બધું ભૂલી જાઓ છો. હું શરૂઆતમાં ખૂબ જ નર્વસ હતી. આખી મેચમાં કોઈ સ્કોર બોર્ડ કે એનાઉન્સમેન્ટ ન હતી સાંભળી. હું કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું એ જ વિચારતી હતી, તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર અને પરિણામોની ચિંતા ન કર. જ્યારે બ્રોન્ઝ મેડલ જાહેર થયો ત્યારે મને ખબર પડી કે મેં શું જીત્યું છે."
ટોક્યો ઓલિમ્પિકમાં જીત ન હતી મળી
મનુ ભાકરે કહ્યું કે, "ટોક્યો ઓલિમ્પિક બાદ હું ખૂબ જ પરેશાન હતી. હું ખૂબ દુઃખી હતી. જેટલું હું કરી શકતી હતી, તે ન કરી શકી. આખી શૂટિંગ ટીમ તરફથી કોઈ મેડલ ન હતો આવ્યો. અમારી પાસે કેટલી સારી તક હતી અને અમે જીતી શક્યા નહીં. એ ઉદાસી લાંબા સમય સુધી મારી સાથે રહી. હવે હું આગળ વધી ગઈ છું. મારું ધ્યાન આગામી મેચો પર છે. વધતી ઉંમર સાથે ઘણી વસ્તુઓ બદલાય છે. જેટલું તમને હાર શીખવે છે, તેટલું જીત નથી શીખવતી."
કોચ જસપાલ રાણા વિશે બોલતા મનુ ભાકરે કહ્યું કે, "હું તેની પાસેથી ઘણું શીખું છું. તે હંમેશા સકારાત્મક રહે છે. તે મને હાર નથી માનવા દેતા." આગામી બે ઇવેન્ટ માટે, તેણે કહ્યું કે, તે મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.






