પેરિસ ઓલિમ્પિક 2024માં 2 મેડલ જીત્યા, હવે મનુ ભાકર કલોઝિંગ સેરેમનીમાં બનશે ભારતની ધ્વજવાહક
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર અને બે મેડલ જીતનાર શૂટર મન

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર અને બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકર કલોઝિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર મનુ રવિવારે કલોઝિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક હશે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ રીતે તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી.
આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલમાં મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “મનુને ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવી છે. તેણીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તે આને લાયક છે.”
હરિયાણાની આ 22 વર્ષીય શૂટરે કહ્યું હતું કે ભારતના ધ્વજવાહક બનવું સન્માનની વાત હશે. મનુએ પીટીઆઈને કહ્યું હતું કે, "ભારતીય ટુકડીમાં ઘણા એવા ખેલાડીઓ છે જે વધુ લાયક છે પરંતુ જો મને આ કરવાનું કહેવામાં આવ્યું છે તો તે ખરેખર સન્માનની વાત હશે." ભારતીય ઓલિમ્પિક સંઘે હજુ પુરૂષ ધ્વજવાહકના નામની જાહેરાત કરી નથી.






