Olympics 2024 / મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, સરબજોત સિંહ સાથે જીત્યો બીજો બ્રોન્ઝ
ભારતની મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મી

ભારતની મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ બીજો મેડલ છે. આ સાથે મનુ ઓલિમ્પિક ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મનુએ રવિવારે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મનુ ભાકર અને સરબજોત સિંહ મંગળવારે પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે દક્ષિણ કોરિયાના લી વોન્હો અને ઓહ યે જિન સામે ટકરાયા હતા. ભારતીય જોડીએ આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાની જોડીને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મનુ-સરબજોતની જોડીએ પેરિસમાં તિરંગો લહેરાવ્યો
બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન જોડી સાથે મનુ અને સરબજોતની લડાઈ આસાન નહોતી. કોરિયાએ પ્રથમ સેટ જીતીને આ મેચની શરૂઆત કરી હતી. જો કે તે પછી મનુ અને સરબજોતે સતત 5 સેટ જીત્યા હતા. કોરિયાએ ફરીથી મેચમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મનુ અને સરબજોતની એકાગ્રતાએ તેમને હંફાવી દીધા અને અંતે મેડલ ભારતને મળ્યો.
અગાઉ, મનુ ભાકર અને સરબજોત સિંહે 29 જુલાઈના રોજ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ લગાવ્યા હતા અને તેના દ્વારા તેમણે 580 પોઈન્ટ મેળવ્યા હતા.
મનુએ રચ્યો ઈતિહાસ
મનુ ભાકર પહેલા ઓલિમ્પિક ઈતિહાસમાં માત્ર બે ભારતીય ખેલાડી એવા છે જેમણે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં બે મેડલ જીત્યા હોય. સુશીલ કુમારે 2008 અને 2012માં કુસ્તીમાં મેડલ જીત્યા હતા. એ જ રીતે સ્ટાર શટલર પીવી સિંધુએ 2016 અને 2020માં મેડલ જીત્યા છે. પરંતુ મનુ ભાકર, કુસ્તીબાજ સુશીલ કુમાર અને શટલર પીવી સિંધુ કરતાં આગળ નીકળી ગઈ અને તેણે એક જ ઓલિમ્પિકમાં તેના બંને મેડલ જીત્યા છે.








