મનુ ભાકરના કોચ બેઘર થશે? પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ મળી મકાન તોડી પાડવાની નોટિસ
પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બે બ્રોન્ઝ મેડલ

પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મનુએ ભારતને ગૌરવ અપાવ્યું છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ સ્પોર્ટ્સ સ્ટારની પાછળ એક કોચ હોય છે, જે તેને સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે. મનુના કોચ સમરેશ જંગ છે. પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનું ઘર તોડી શકાય છે. એક સમયે ઓલિમ્પિયન રહી ચુકેલા સમરેશનું ઘર રાજધાની દિલ્હીની સિવિલ લાઈન્સમાં છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની જમીન અને વિકાસ કાર્યાલય (LNDO) એ તેમને નોટિસ આપી છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જમીન પર તેમનું ઘર બનાવવામાં આવ્યું છે તે રક્ષા મંત્રાલયની છે. તેથી તેમનું ઘર ગેરકાયદેસર છે.
જ્યારે સમરેશ પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત પરત ફર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 75 વર્ષથી જે મકાનમાં રહે છે તે ગેરકાયદેસર છે. તેમની પાસે તેને ખાલી કરવા માટે માત્ર 48 કલાકનો સમય છે. આશ્ચર્યની વાત એ છે કે મનુ ભાકરના કોચ સમરેશે પોતે ઘણા મેડલ જીત્યા છે.
સમરેશ જંગે ઘણા મેડલ જીત્યા છે
સમરેશે કોમનવેલ્થ ગેમ્સ 2006 અને 2010માં સાત ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમને 'ગોલ્ડફિંગર'નું ઉપનામ પણ આપવામાં આવ્યું હતું. ઘર ગેરકાયદેસર હોવાની નોટિસ મળ્યા બાદ તેમણે કહ્યું કે, તેમને તેમનો સામાન પેક કરવા અને જવા માટે ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. સમરેશને અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
જંગે શું કહ્યું?
સમરેશ જંગે કહ્યું, "મને ખબર નથી કે આ તોડફોડ શા માટે થઈ રહી છે. શા માટે લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે? તેમણે અચાનક આખી કોલોનીને ગેરકાયદેસર જાહેર કરી દીધી. મારો પરિવાર છેલ્લા 75 વર્ષથી આ જગ્યાએ રહે છે. અમે કોર્ટમાં ગયા અને અરજી પણ કરી, પરંતુ તે પણ ફગાવી દેવામાં આવી."
સમરેશ જંગનું ઘર સિવિલ લાઈન્સ વિસ્તારમાં છે અને તેમણે કહ્યું કે, 200 પરિવારોને બે દિવસમાં તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થવાની છે. કોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં કહ્યું કે, "હું કાયદાથી ઉપર નથી અને જો કાયદો કહેશે તો હું ઘર ખાલી કરી દઈશ."








