મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીને લઈને હોબાળો... ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની મહિલા બોક્સરને મળ્યા

અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફાએ પેરિસ ઓલિમ્પિક 2024માં તેની મેચ બાદ વિશ્વભરમાં ચર્ચા જગાવી હત

ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીને લઈને હોબાળો... ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની મહિલા બોક્સરને મળ્યા

અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફાએ પેરિસ ઓલિમ્પિક 2024માં તેની મેચ બાદ વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી. ખલીફાની પ્રતિસ્પર્ધી, ઈટાલીની એન્જેલા કેરિનીએ ગુરુવારે (1 ઓગસ્ટ) 46 સેકન્ડ પછી મેચ છોડી દીધી અને કહ્યું કે, તેણે તેના જીવનમાં ક્યારેય આવા શક્તિશાળી મુક્કાઓનો સામનો કર્યો નથી. મેચ દરમિયાન એન્જેલાનું હેડગિયર પણ બે વખત દૂર કરવામાં આવ્યું હતું. મેચ બાદ એન્જેલા રડવા લાગી હતી. મામલો અહીં પૂરો નથી થયો, મેચ પુરી થયા બાદ એન્જેલાએ ખલીફા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો.

ઈમાન ખલીફા ગયા વર્ષે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી હતી, પરંતુ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. કારણ કે પરીક્ષણોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર એલિવેટેડ હતું. પરંતુ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં લિંગ-સમાનતાનો મુદ્દો છે, તેથી જ તેને એન્ટ્રી મળી છે. ખલીફા બે વખતની ઓલિમ્પિયન છે, તેણે પેરિસ પહેલા ટોક્યો ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.

ઈમાન ખલીફા અને એન્જેલા કેરિની વચ્ચેની ઘટના બાદ સોશિયલ મીડિયા પર #ISstandWithAngelaCarini ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વાતને સમર્થન આપતાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક એલોન મસ્કે એન્જેલા કેરિનીનો સપોર્ટ કર્યો છે. ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ એન્જેલા કેરિનીને સમર્થન આપ્યું છે.

ઈટાલીના પીએમની પોસ્ટ વાયરલ થઈ 

જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "હું જાણું છું કે તમે હાર નહીં માનો, એન્જેલા, અને હું એ પણ જાણું છું કે એક દિવસ મહેનત કરીને અને પરસેવો પાડીને તે કમાશો જેના તમે હક્કદાર છો. એક એવી સ્પર્ધામાં જે અંતે બરાબરીની હશે." મેલોનીની આ પોસ્ટને 4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

જ્યોર્જિયા મેલોની પેરિસમાં એન્જેલા કેરિનીને મળ્યા હતા. આ મીટીંગત્યારે થઈ જ્યારે ઈટાલીના વડા પ્રધાને તેમનું સમર્થન કર્યું અને કહ્યું કે ખલીફા સામેની મેચ બરાબરીની લડાઈ નથી. માલોનીએ કહ્યું કે જે એથ્લેટમાં પુરૂષ આનુવંશિક વિશેષતાઓ હોય તેમને મહિલા સ્પર્ધાઓમાં સામેલ ન કરવા જોઈએ.

IOCએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી

આ અઠવાડિયે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ બોક્સરના સ્પર્ધામાં ભાગ લેવાના અધિકારનો વારંવાર બચાવ કર્યો હતો. આ વર્ષે, પ્રથમ વખત, ઓલિમ્પિક બોક્સિંગમાં લિંગ સમાનતા આવી છે, જેમાં પેરિસમાં 124 પુરૂષો અને 124 મહિલાઓએ ભાગ લીધો હતો. IOCના પ્રવક્તા માર્ક એડમ્સે મંગળવારે જણાવ્યું હતું કે, 'મહિલા વર્ગમાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓ સ્પર્ધા પાત્રતા નિયમોનું પાલન કરી રહ્યાં છે.'

IOCએ જણાવ્યું હતું કે, તેણે બોક્સરની પાત્રતા વિશેનો નિર્ણય લિંગ સંબંધિત નિયમોના આધાર પર લીધો છે, જે 2016 રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં લાગુ કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં, ઘણી રમતોએ તેમના લિંગ-સંબંધિત નિયમો અપડેટ કર્યા છે, જેમાં વર્લ્ડ એક્વેટિક્સ, વર્લ્ડ એથ્લેટિક્સ અને ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયનનો સમાવેશ થાય છે.

IOC પેરિસમાં બોક્સિંગનો હવાલો સંભાળે છે, કારણ કે તેણે વર્ષોની વહીવટી સમસ્યાઓ, નાણાકીય પારદર્શિતાનો અભાવ તેમજ જજ અને રેફરીઓને સંડોવતા ભ્રષ્ટાચારના ઘણા કેસો પછી IBA (ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન) નો ઓલિમ્પિક દરજ્જો રદ કર્યો છે. IBAને ચેરમેન ઉમર ક્રેમલેવ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જેઓ રશિયન છે. તેણે રશિયન રાજ્યની માલિકીની ગેઝપ્રોમને તેનું મુખ્ય પ્રાયોજક બનાવ્યું અને IBAની મોટાભાગની કામગીરી રશિયામાં ટ્રાન્સફર કરી. ગયા વર્ષે, IBAએ ટિંગ અને ખલીફા બંનેને ગેરલાયક ઠેરવ્યા હતા.

આ સમાચાર શેર કરો