બ્રોન્ઝ મેડલ જીતીને ભારત પહોંચી હોકી ટીમ, દિલ્હી એરપોર્ટ પર થયું ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય મેન્સ હોકી ટીમ શનિવારે સ્વદેશ પરત

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય મેન્સ હોકી ટીમ શનિવારે સ્વદેશ પરત ફરી હતી. દિલ્હી એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓની રાહ જોઈને સવારથી જ એરપોર્ટની બહાર ફેન્સ એકઠા થઈ ગયા હતા.
હોકી ટીમ મેડલ ડીફેન્ડમાં સફળ રહી
ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં 41 વર્ષના મેડલ દુષ્કાળનો અંત લાવ્યો અને મનપ્રીત સિંહના નેતૃત્વમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પેરિસમાં તેની મેડલ ટેલિ જાળવી રાખી છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા ભારતને સેમીફાઈનલમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 1980માં મોસ્કો ઓલિમ્પિક બાદ ભારતે આ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો નથી.
હોકી ટીમે 52 વર્ષ બાદ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા
ઓલિમ્પિકમાં ભારતને જે રમતમાં સૌથી વધુ સફળતા મળી છે તે હોકી છે. ભારતે અત્યાર સુધીમાં હોકીમાં કુલ 13 મેડલ જીત્યા છે, જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય મેન્સ હોકી ટીમે 52 વર્ષ બાદ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે. આ પહેલા 1968 અને 1972માં આવું બન્યું હતું.






