પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો રિષભ પંત ફેન્સને આપશે મોટું ઈનામ! બસ કરવું પડશે આ કામ
ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો

ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો છે. એટલે કે હવે તેની પાસે ટોક્યો પછી સતત બીજી વખત ઓલિમ્પિક ગોલ્ડ જીતવાની તક છે. પેરિસમાં નીરજની ફાઈનલ 8મી ઓગસ્ટે છે. જો કે તે ફાઈનલ પહેલા રિષભ પંતે પોતાના X હેન્ડલ દ્વારા ફેન્સ માટે મોટા ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામ ભાગ્યશાળી વિજેતા સહિત ટોપ 10 લોકોને આપવામાં આવશે. ચાલો જાણીએ રિષભ પંતે X હેન્ડલ પર શું કહ્યું છે.
નીરજ ચોપરા ગોલ્ડ જીતશે તો રિષભ પંત આપશે ઈનામ
રિષભ પંતે X હેન્ડલ દ્વારા જણાવ્યું કે, જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો તે ટ્વીટને લાઈક કરનાર અને કોમેન્ટ્સ કરનાર નસીબદાર વિજેતાને 100089 રૂપિયા આપશે. આ સિવાય બાકીના ટોપ 10 લોકોને ફ્લાઈટની ટિકિટ મળશે, પંતે ભારત અને દુનિયાના દરેક ખૂણામાં રહેતા લોકોને નીરજ ચોપરાને સપોર્ટ કરવા કહ્યું છે. જો કે ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ પૂછી રહ્યા છે કે રિષભ પંતનું એકાઉન્ટ હેક તો નથી થઈ ગયું.
એથ્લેટ્સને ટેકો આપવો મહત્વપૂર્ણ છે
રિષભ પંતે આ ટ્વીટના થોડા સમય બાદ બીજી ટ્વિટ કરી, જેમાં તેણે કહ્યું કે, "હું સંપૂર્ણ રીતે સંમત છું. આપણા એથ્લેટ્સને સમર્થન આપવું મહત્ત્વપૂર્ણ છે, પછી ભલે પરિણામો ગમે તે હોય. તેમની મહેનત, તેમના સમર્પણ, તેઓ રમતમાં જે ઉત્સાહ બતાવે છે તેની પ્રશંસા થવી જોઈએ. તેની ઉજવણી કરવી જોઈએ."
નીરજ 89.34 મીટરનો થ્રો કરીને ફાઈનલમાં પહોંચ્યો
રિષભ પંતે નીરજ ચોપરાને શક્ય તેટલું સમર્થન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોની ક્વોલિફિકેશનમાં નીરજ ચોપરા નંબર વન હતો. તેણે 89.34 મીટરનો થ્રો કર્યો, જે તેનો સિઝન બેસ્ટ થ્રો હતો. આ થ્રો બાદ નીરજે કહ્યું કે, " મને એવું લાગે છે કે અમારું પ્રદર્શન સારું છે, મેડલ પણ આવ્યા છે, પરંતુ જે ચોથા સ્થાન પર રહ્યા છે તેમને પણ અવગણી ન શકાય. કારણ કે ઓલિમ્પિક જેવા સ્ટેજ પર ફાઈનલ સુધી પહોંચવું ઘણું અઘરું છે."








