મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

વિનેશ ફોગાટ કેસની સુનાવણી ક્યારે અને કયા સમયે થશે? ભારતના ટોચના વકીલને મળી જવાબદારી!

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માંથી ડિસક્

વિનેશ ફોગાટ કેસની સુનાવણી ક્યારે અને કયા સમયે થશે? ભારતના ટોચના વકીલને મળી જવાબદારી!

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માંથી ડિસક્વોલિફાય થયા બાદ સિલ્વર મેડલ આપવાની અપીલ કરી હતી. તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને તેને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. અત્યાર સુધી આ કેસની સુનાવણી માટે ઘણી વખત સમય આપવામાં આવ્યો છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે, વિનેશને સિલ્વર મેડલ આપવાની માગ પર સુનાવણી 9 ઓગસ્ટે થશે. ઉલ્લેખનીય છે કે, CASએ વિનેશ ફોગાટની અપીલ સ્વીકારી લીધી હતી અને ભારતીય કુસ્તીબાજને પોતાના વકીલની નિમણૂક કરવા કહ્યું હતું.

કોણ હશે વિનેશના વકીલ?

CASએ વિનેશ ફોગાટની અપીલ સ્વીકારતાની સાથે જ ભારત સરકારે આ કેસ દાખલ કર્યો. ભારત સરકારે વિનેશને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે અને તેને તેના વકીલ તરીકે હરીશ સાલ્વેની નિમણૂક કરવા જણાવ્યું છે. CASએ વિનેશને ગુરુવારે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 સુધી વકીલ પસંદ કરવા માટે સમય આપ્યો હતો. હરીશ સાલ્વેને વકીલ તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, CASએ વિનેશના કેસની સુનાવણીનો સમય 9 ઓગસ્ટના રોજ બપોરે 1:30 વાગ્યા સુધી લંબાવ્યો છે.

વિનેશ તરફથી કરવામાં આવી હતી 2 અરજીઓ

વિનેશ ફોગાટે કોર્ટ સમક્ષ 2 અપીલ કરી હતી. પ્રથમ અપીલમાં તેણે ગુરુવારે યોજાનારી મહિલા 50 કિગ્રા વજન વર્ગની કુશ્તીની ફાઇનલમાં ભાગ લેવાની માગ કરી હતી, પરંતુ તેની માગને ફગાવી દેવામાં આવી હતી. બીજી અપીલમાં તેણે આ કેટેગરીમાં સંયુક્ત સિલ્વર મેડલ વિજેતા બનવાની માગણી કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. હવે આ મામલે સુનાવણી 9 ઓગસ્ટે બપોરે 1.30 કલાકે થશે.

ઉલ્લેખનીય છે કે, વિનેશે પહેલા જ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન જાપાનની યુઈ સુસાકીને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં અને સેમિફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ફાઈનલ મેચ પહેલા તેનું વજન નિર્ધારિત ધોરણો કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો