હરિયાણા સરકારે કહ્યું મેડલ વિજેતા જેમ જ કરશે વિનેશનું સ્વાગત અને સન્માન, આપશે આ ઈનામ
ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈ

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા ડિસક્વોલિફાય થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે કે, 'વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે.' હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, 'હરિયાણા સરકાર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતાને જે સન્માન, પુરસ્કાર અને સુવિધાઓ આપે છે તે વિનેશ ફોગટને પણ કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે.'
હરિયાણા સરકારની જાહેરાત
હરિયાણા સરકારે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને 6 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 4 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 2.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને 15 લાખ રૂપિયાની રકમ પણ આપશે. આ સાથે મેડલ અનુસાર ગ્રૂપ A, ગ્રૂપ B અથવા ગ્રૂપ Cની સરકારી નોકરી પણ આપવામાં આવશે.
મામલો શું છે?
ખરેખર પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વરની આશા હજુ પણ જીવંત છે. જોકે, તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ડિસક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ)માં અપીલ કરી છે. તેણે પોતાને ડિસક્વોલિફાય કરવાના નિર્ણયને પડકાર્યો છે.






