પેરિસ ઓલિમ્પિકમાં શું ચાલી રહ્યું છે? પાર્કમાં સૂવા મજબુર થયો ગોલ્ડ મેડલ વિજેતા એથ્લેટ
ગેમ્સના આયોજન સિવાય પેરિસ ઓલિમ્પિક્સ 2024 તેના નબળા સંચાલન માટે પણ વિશ્વભરમાં હેડલાઇન્સમા

ગેમ્સના આયોજન સિવાય પેરિસ ઓલિમ્પિક્સ 2024 તેના નબળા સંચાલન માટે પણ વિશ્વભરમાં હેડલાઇન્સમાં છે. પહેલા સીન નદીનો મુદ્દો, પછી કાળઝાળ ગરમી, ભોજનની સમસ્યા, આ બધી બાબતો વારંવાર સામે આવી રહી છે. પરંતુ હવે જે તાજેતરનો મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ઓલિમ્પિક 2024 ગોલ્ડ મેડલિસ્ટ ગેમ્સ વિલેજના રૂમથી કંટાળી ગયા બાદ પાર્કમાં સૂતો જોવા મળ્યો હતો. આ ગોલ્ડ મેડલ વિજેતા ઈટાલિયન સ્વિમર થોમસ સેકોન છે.
ગોલ્ડ મેડલ વિજેતા થોમસ સેકોનને પાર્કમાં સૂવા મજબુર
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા થોમસ સેકોન પેરિસ ઓલિમ્પિકના ગેમ્સ વિલેજની ખરાબ પરિસ્થિતિથી એટલો નારાજ હતો કે તે પાર્કમાં સૂતો જોવા મળ્યો હતો! હા, તમે બરાબર વાંચ્યું છે. સાઉદી અરેબિયાના રોવર હુસૈન અલીરેઝાએ પાર્કમાં ઝાડ નીચે ટુવાલ પર સૂતા સેકોનનો ફોટો શેર કર્યો હતો.
હકીકતમાં, મેન્સ 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીતનાર સેકોને ગેમ્સ વિલેજમાં રહેવાની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય થોમસ સેકોને આ અંગે જાહેરમાં ફરિયાદ પણ કરી હતી. તેણે કહ્યું કે, ઘણા એથ્લેટ્સ આ કારણથી ચિંતિત છે. તે કહે છે કે ગરમી અને ઘોંઘાટને કારણે તે ઊંઘી નથી શકતા.
થોમસ સેકોન ઉપરાંત અન્ય એથ્લેટ્સે પણ ફરિયાદ કરી
થોમસ સેકોન એકમાત્ર એથ્લેટ નથી કે જે આ પરિસ્થિતિઓ વિશે ફરિયાદ કરે છે. અગાઉ કોકો ગફ, એરિયાન ટિટમસ અને એશિયા તૌતીએ પણ ગેમ્સ વિલેજની સુવિધાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન સ્વિમર ટિટમસ કહે છે કે, જો તે વધુ સારી જગ્યાએ રહેતી હોત તો કદાચ તેણે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હોત. તેનું માનવું છે કે ઓલિમ્પિક વિલેજ ઉચ્ચ પ્રદર્શન માટે બિલકુલ યોગ્ય નથી.






