રેસલિંગમાં ભારત માટે વધુ એક ખરાબ સમાચાર, પહેલી જ મેચમાં ઓલિમ્પિકમાંથી બહાર થઈ અંતિમ પંઘાલ
ભારતીય રેસલર અંતિમ પંઘાલે પેરિસ ઓલિમ્પિક 2024માં ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે મહિલાઓની 53 કિગ્ર

ભારતીય રેસલર અંતિમ પંઘાલે પેરિસ ઓલિમ્પિક 2024માં ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં તેની પ્રથમ મેચ રમી હતી. બે વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વ મેડલ વિજેતા પંઘાલ આ ઓલિમ્પિક એડિશનમાં સૌથી યુવા ભારતીય રેસલર છે. પરંતુ તે પોતાની પહેલી જ મેચમાં હાર્યા બાદ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. ગયા વર્ષે, પંઘાલે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મહિલાઓના 53 કિગ્રામાં ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.
અંતિમ પંઘાલની કારમી હાર
પંઘાલ માટે, તેની પ્રથમ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. તેને તુર્કી રેસલર સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય થયા બાદ ભારતીય ફેન્સને અંતિમ પંઘાલ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેનું તાજેતરનું પ્રદર્શન પણ ખૂબ જ શાનદાર હતું, પરંતુ તે ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી.
રેસલિંગમાં ભારત માટે ખરાબ દિવસ
રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો છે. રેસલર વિનેશ ફોગાટ આજે તેની ફાઈનલ મેચ રમવા જઈ રહી હતી. પરંતુ 50 કિલો રેસલિંગ કેટેગરીની ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. હવે મેડલના મોટા દાવેદારોમાંથી એક પંઘાલ પણ બહાર થઈ ગઈ છે, જે ભારતીય ફેન્સ માટે બીજો ઝટકો છે.
અંતિમ પંઘાલ કોણ છે?
અંતિમ પંઘાલ હરિયાણાના હિસાર જિલ્લાના ભગાના ગામની રહેવાસી છે. તે તેના પરિવારની ચોથી પુત્રી છે, તેથી તેના જન્મ સમયે તેના માતા-પિતાએ તેનું અંતિમ નામ રાખ્યું હતું. અંતિમની મોટી બહેન સરિતા નેશનલ લેવલની કબડ્ડી પ્લેયર છે. અંતિમે રેસલર બનવાનું સપનું હતું તો તેના પિતાએ તેના માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. અંતિમે કોચ રોશની દેવીના નેતૃત્વમાં રેસલિંગની શરૂઆત કરી હતી.






