મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / બ્રોન્ઝ મેડલ જીતવા સાથે અમનએ પોતાના નામે કરી આ સિદ્ધિ, પીવી સિંધુને પાછળ છોડી

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મેન્સ 57

Olympic 2024 / બ્રોન્ઝ મેડલ જીતવા સાથે અમનએ પોતાના નામે કરી આ સિદ્ધિ, પીવી સિંધુને પાછળ છોડી

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મેન્સ 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના નામે એક વિશેષ સિદ્ધિ નોંધાવી છે. અમન ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય એથ્લેટ બની ગયો છે અને આ મામલામાં તેણે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પાછળ છોડી દીધી છે. અમને શુક્રવારે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને હરાવીને પેરિસ ઓલિમ્પિકમાં દેશને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે અને ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલના તેના અગાઉના પ્રદર્શન કરતાં એક મેડલ ઓછો છે.

માત્ર 21 વર્ષની ઉંમરે ઓલિમ્પિક મેડલ જીત્યો

અમને ગયા મહિને જ 21 વર્ષ પૂરા કર્યા હતા અને તે આટલી નાની ઉંમરે ઓલિમ્પિક મેડલ જીતનાર એથ્લેટ બન્યો હતો. અમન પહેલા આ રેકોર્ડ સિંધુના નામે હતો જેણે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ જ્યારે વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં સિલ્વર જીત્યો ત્યારે તે 21 વર્ષ, 1 મહિનો અને 14 દિવસની હતી, જ્યારે અમન 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો છે. આ યાદીમાં અન્ય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ છે, જેણે 2012 લંડન ઓલિમ્પિક દરમિયાન 22 વર્ષ, 4 મહિના અને 18 દિવસની ઉંમરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે, પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુએ 22 વર્ષ, 5 મહિના અને 10 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી.

કુસ્તીમાં ઓલિમ્પિક મેડલનો સિલસિલો બરકરાર

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર અમન ભારતનો એકમાત્ર પુરૂષ રેસલર હતો. તેણે નિરાશ ન થતાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 2008 બેઈજિંગ ઓલિમ્પિક બાદથી ભારત દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતી રહ્યું છે. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ જીત્યો હતો, 2012માં સુશીલે સિલ્વર અને યોગેશ્વર દત્તે બ્રોન્ઝ જીત્યો હતો, સાક્ષી મલિકે 2016માં બ્રોન્ઝ જીત્યો હતો, ટોકિયો ઓલિમ્પિક 2020માં રવિ દહિયાએ સિલ્વર અને બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો હતો. અમનની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેણે તેની પહેલી જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનું ખાતું ખુલ્યું હતું. વિનેશ ફોગાટની ડિસક્વોલીફાય થયા પછી તે હતાશ ભારતમાં ખુશીઓ લાવ્યો.

અંતિમ પંઘાલ (53 કિગ્રા), અંશુ મલિક (57 કિગ્રા) અને નિશા દહિયા (68 કિગ્રા) પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ તમામ મહિલા રેસલર પોતપોતાની કેટેગરીમાં મેડલ રાઉન્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ, વિનેશ ફોગાટ (50 કિગ્રા) ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસક્વોલીફાય કરવામાં આવી હતી. આ રીતે ભારતના હાથમાંથી ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છીનવાઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો