Ravi Purti : સ્ત્રીઓને સશક્ત બનાવવાની જરૂર નથી,તેઓ સશક્ત છે: વિધવાઓનો આધાર

- આજકાલ
- આજે નીતિ ગોયલ 'નારી નીતિ' અંતર્ગત ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ગૌરવપૂર્ણ રીતે જીવવામાં મદદ કરી રહી છે
ચંડીગઢના ઉદ્યોગપતિને ત્યાં નીતિ ગોયલનો જન્મ થયો હતો. મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં એ ભાવનાઓ ગૂંજતી હતી. તમે જે ઈચ્છો તે કરો. લક્ષ્ય નક્કી કરી પાંખો ફેલાવો, ઊડાન ભરો અને એને હાંસલ કરો. આવી મોકળાશને કારણે નીતિ ગોયલ આજે એક સફળ આંત્રપ્રિન્યોર બની રહ્યા છે. મુંબઈમાં ઘણી રેસ્ટોરન્ટનું કુશળતાથી સંચાલન કરે છે. અત્યાર સુધીમાં તેમણે સેવાનાં ઘણાં કાર્યો કર્યા છે,પરંતુ ૨૦૨૨માં જ્યારે તેઓ પહેલીવાર સુંદરવન ગયા, ત્યારે તેમણે ત્યાં અત્યંત નજીકથી વિધવાઓ અને તેમની હૃદયવિદારક પરિસ્થિતિ નિહાળી. બંગાળની ખાડીમાં આવેલું સુંદરવન ૧૦,૨૭૭ સ્ક્વેર કિમી.માં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ છે. વિશ્વમાં મધની જે માંગ છે તેમાં સુંદરવનમાંથી મળતા મધનો મોટા પ્રમાણમાં હિસ્સો છે.
સુંદરવનમાં રહેતા લોકો જીવના જોખમે પણ મધ લેવા જતા હોય છે. કેટલીક જગ્યાએ એવું મધ હોય છે કે જેની બજારમાં ઘણી વધારે કિંમત આવે,પરંતુ એ માર્ગમાં મગર,સાપ અને વાઘનો સતત ભય રહેતો હોય છે. કોઈ વ્યક્તિ મધ લેવા ગઈ હોય અને એક દિવસ સુધી ન આવે તો લોકો એને મૃત માની લે છે. આજે સુંદરવનમાં આશરે ત્રણ હજારથી વધારે વિધવાઓ રહે છે. આ સ્ત્રીઓને જ્યારે નીતિ ગોયલે પૂછયું કે, 'વાઘ માનવીનો શિકાર કરે એવી ભયાવહ જગાએ શા માટે જવું જોઈએ?' એમણે કહ્યું કે, 'જો તેઓ મધ વેચે નહીં તો ખાય શું? કાં તો વાઘ મારી નાખે અથવા ભૂખમરો.'
તેમનો જવાબ સાંભળીને નીતિ ગોયલ વિચારમાં ડૂબી ગઈ. સરકાર આ રીતે મૃત્યુ પામનારને વળતર આપે છે, પરંતુ ઘણા પુરૂષોનું તો પ્રતિબંધિત વિસ્તારમાં મૃત્યુ થયું હોય તો કશું વળતર પણ મળતું નથી. તે લોકો પાસે નથી જમીન, ન કોઈ સ્થિર આવક કે નથી કોઈ સામાજિક પીઠબળ. આવા સંજોગોમાં વિધવા સ્ત્રી અને તેના સંતાનોમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે અને આખા દિવસની મજૂરી પછી માંડ એક ટંક ભોજન પ્રાપ્ત થાય છે. પ્રાણીશાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર વૈજ્ઞાાનિક એમ.એ.અઝીઝ ત્રણ દાયકાથી સુંદરવનમાં કામ કરે છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર વાઘ હુમલો કરે છે, ત્યારે તે બચી જાય તો પણ તેનો ભય એ સતત અનુભવે છે. વિધવા થયેલી સ્ત્રીઓમાં ૭૨ ટકા સ્ત્રીઓ વાઘના હુમલાથી વિધવા થયેલી છે અને તેમનામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જોવા મળે છે.
નીતિ ગોયલે જોયું કે આ સ્ત્રીઓ આર્થિક, સામાજિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. શરૂઆતમાં તેણે પૈસા અને અનાજથી સહાય કરી અને ધીમે ધીમે તેમને ફિશ ફાર્મિંગ, મરઘાપાલન, બકરીપાલન કરવા પ્રોત્સાહિત કર્યા. મોટું કુટુંબ હોય તેમને ગાય આપી. નીતિએ વિચાર્યું કે ત્રણ હજાર વિધવાઓ સુધી પહોંચવું તો મુશ્કેલ છે,તેથી પ્રારંભે એક સો સ્ત્રીઓથી શરૂઆત કરી. જે સ્ત્રીઓ ફિશ ફાર્મિંગ કરવા માગતી હતી,તેમને તેમના ઘર પાસે જ નાનું તળાવ બનાવવા કહ્યું. આજે સૌરવી મંડલ જેનો પતિ અને પુત્ર વાઘનો શિકાર બન્યા હતા અને પુત્રી મગરનો શિકાર બની હતી તે પોતાના ઘર પાસે નાનું તળાવ બનાવી ફિશ ફાર્મિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જે દાન પર જીવતી હતી તેવી આશરે પાંચસો વિધવાઓ આજે પોતાની રીતે આવક મેળવે છે, ભોજન પામે છે અને તેમનું સ્વાસ્થ્ય સુધર્યું છે અને સૌથી વિશેષ તો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવે છે. ઘર પર નાનકડી સોલર પેનલ લગાવી છે અને બાળકો સ્કૂલે જાય છે.
48 વર્ષની નીતિ ગોયલ મુંબઈમાં દક્ષિણ ભારત, જાપાનીઝ, મધ્ય એશિયાની વાનગીઓ પીરસતી ચાર રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક ચલાવે છે. અલીબાગમાં 'એમોર સ્ટે' નામની હોટલ છે. કોવિડ મહામારી સમયે 'ખાના ચાહિયે' અને 'ઘર ભેજો' અભિયાનમાં સોનુ સૂદ સાથે મળીને લાખો જરૂરિયાતમંદ અને શ્રમિકોને ભોજન પૂરું પાડયું હતું. તેમના કુટુંબમાં કોઈ વ્યક્તિ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં નથી. લોકડાઉન વખતે બત્રીસ અનાથાલયો અને આઠસો સેક્સ વર્કરને મદદ કરી હતી. રાયગઢમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું ત્યારે એક હજાર ઘર બાંધવામાં પણ તેનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. આજે 'નારી નીતિ' અંતર્ગત ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ગૌરવપૂર્ણ રીતે જીવવામાં મદદ કરી રહી છે. આ બધી સફળતા માટે તે તેમના પિતા સુબોધકુમાર ગુપ્તા જે આજે હયાત નથી તેનો, તેની માતા નીલમ ગુપ્તા અને પતિ પ્રણય ગોયલનો આભાર માને છે સ્ત્રીઓને સશક્ત બનાવવાની જરૂર નથી. તેઓ સશક્ત છે જ,માત્ર તેને જરૂર છે એક યોગ્ય તકની.
- પ્રીતિ શાહ

