Ravi Purti: AI યંત્રો પાસે બધું છે, પણ માનવચેતના નથી

- મેનેજમેન્ટ
- આપણે બુદ્ધિશક્તિને સમજી શક્યા છીએ અને તેને આઈક્યુ દ્વારા માપી પણ શક્યા છીએ, પરંતુ માનવજાત માટે ક્રિએેટીવીટી હજુ પણ એક અત્યંત રહસ્યમય પ્રક્રિયા છે
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ધરાવતા યંત્રો માનવસમાજને નુકશાન કરશે કે ફાયદો ? તે નુક્સાન કરતાં ફાયદો વધારે કરે કે ફાયદા કરતાં નુક્સાન વધુ કરે તેની આગાહી આ તબક્કે આપણે કરી શક્તા નથી. હજી તો આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સની શરૂઆતને એટલે કે ચેટજીપીટીની શોધને પૂરાં પાંચ વર્ષ પણ થયાં નથી અને તેના જુદાં જુદાં વર્ઝન્સ બહાર પડવા માંડયાં છે. એઆઈ યંત્રો તરફથી આપણને સૌથી વધુ ભય એ છે કે તે હકીકતોને તોડીમરોડીને એટલી કાબેલિયતથી દુષ્પ્રચાર ફેલાવે કે જનતાને ખબર જ ના પડે કે તે દુષ્પ્રચાર ફેલાવે છે કે સાચી હકીકતો રજૂ કરે છે. ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પના અવાજની એટલી અસરકારક અને આબેહૂબ કોપી કરીને તે મિલિટરી જનરલ્સને તાત્કાલિક ચીન કે રશિયા પર અણુબોબથી હુમલો કરવાનો આદેશ આપે તો શું થાય? ચીન, રશિયા વળતો હુમલો કરે અને જગતનો નાશ થઇ જાય. ૧૯૪૫માં હીરોશીમા અને નાગાસાકી પર નખાયેલા અમેરિકન બોમ્બ અત્યારે તો બાળકોને રમવાનાં રમકડાં ગણાય એટલા પ્રચંડ શક્તિશાળી ન્યુક્લિયર બોમ્બની શોધ અમેરિકા યુરોપ-ચીન અને રશિયા કરી ચૂક્યા છે. ભવિષ્યમા આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ તમામ ફૂલપ્રૂફ અત્યંત ખાનગી માહિતી સિસ્ટમને તોડી શકે તે શક્ય છે. યાદ રહે કે દુનિયાની દરેક નવી ટેકનોલોજી કે વીજળી કે રાસાયણિક કે જીવશાસ્ત્રીય શોધ જીવનસહાયક કે જીવનસુધારક પણ હોઈ શકે છે અને જીવનાશક પણ હોઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ પણ માનવ સમાજ માટે 'લીબરેટર' બની શકે છે કે 'ડીસ્ટ્રોયર' સાબિત થઇ શકે છે. આને સમજવા આગનું ઉદાહરણ લો. આગ માનવજીવનની રક્ષક (રાંધણક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં અનેક ઉદ્યોગોમાં) પણ છે અને તે જ્યારે અનિયંત્રિત અને અનઅપેક્ષિત રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો માનવસમાજની ભક્ષક પણ છે.
માહિતીનો જંગી પ્રચાર અને પ્રચાર લોકશાહીને મજબૂત કરશે કે નબળી બનાવશે તેની આપણને ખબર નથી, કારણ કે સાચી માહિતીને ખોટી, દગાખોર, નકલી માહિતીથી છૂટી પાડવાનું કામ કઠિન હશે. ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રમાં પણ માસ્ટરી મેળવી લીધી છે. માત્ર ચીને નહીં, પણ રશિયાના રાજા (હા, રાજા કારણ કે રાજાઓ તેમના મૃત્યુ સુધી રાજાશાહી ભોગવે છે) પુટિને પણ એઆઈ ક્ષેત્રમાં ભારે મૂડીરોકાણ શરૂ કર્યું છે. પુટિને તો એવું વિધાન પણ કર્યું છે કે જે આ ક્ષેત્રમાં લીડર બનશે તે જગત પર રાજ કરશે. એ ભૂલવાનું નથી કે ભગવાને માનવજાતને ઊભી કરી નથી, પરંતુ માનવજાતે ઈશ્વર અને જુદા જુદા ભગવાનોને જન્મ આપ્યો છે. માનવમગજ બાયોકેમિકલ પ્રક્રિયાઓ અને ડીએનએ-આરએનએ કમાન્ડ સ્ટ્રકચર્સને અનુસરે છે. જ્યારે તમામ પ્રકારના કમ્પ્યુટર્સ ઇલેક્ટ્રિકલ- ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાઓ પર કામ કરે છે. યાદદાસ્તને સંગ્રહવામાં અને પાછી લાવવામાં એઆઈ યંત્રો વધુ હોશિયાર સાબિત થાય છે. તમે મેટ્રીક પાસ થયા ત્યારે કયા વિષયમાં કેટલા માર્ક્સ હતા તે યાદ કરવામાં તમને એક-કે બે મિનિટ પણ લાગી જાય, પરંતુ જો આ માહિતી કમ્પ્યુટર્સ પાસે હોય તો તે તેને બે કે ત્રણ જ સેકન્ડમાં રીકોલ કરી શકે છે. ટૂંકમાં, ઇર્ન્ફર્મેશન કે ઇમેજના સ્ટોરેજ અને તેના રીટ્રીયલ (એટલે કે માહિતીને પાછી મેળવવાના) માનવી કરતાં કમ્પ્યુટર્સ વધુ પાવરધા છે. પરંતુ માનવીના કે અન્ય જીવન પદાર્થના ડીએનએમાં જે સેલ્ફ-કરેક્ટિંગની અદ્ભૂત તાકાત છે તે એઆઈમાં જોવા મળતી નથી.
કોઈપણ જીવંત પદાર્થની અદ્ભૂત શક્તિ તેની સેલ્ફ-કરેક્ટિંગ પ્રક્રિયાઓમા રહેલી છે. આ જીવરાસાયણિક પ્રક્રિયાઓ છે અને તેનાથી તમે જરા પણ સભાન હોતા નથી. તમને પેટમા ઠીક ના હોય તો આપોઆપ જ તમને જમવાનુ ગમતું નથી. તમારા પેટમાં કે તેની બહાર કામ કરતી રક્ષણપધ્ધતિઓ શરીરની ડાયજેસ્ટિવ પ્રક્રિયાને સુધારે છે. તમને શરદી થાય છે ત્યારે તમારા શરીરમાં જ રહેલાં અસંખ્ય જીવંત એકમો કે પ્રક્રિયાઓ શરીરના વિષાણુ સામે ભીષણ યુદ્ધ શરૂ કરે છે અને તમને બે-ત્રણ દિવસમા શરદીમુક્ત બનાવી દે છે. તમને કોઈ ઇજા થઇ હોય અને શરીરમાંથી ધડાધડ લોહી વહેતુ હોય તો થોડીક વાર પછી લોહી આપોઆપ ગંઠાઈ જાય છે. આ બાબતમા તમારા મગજે કશું કામ કર્યું નથી. તમે તમારું લોહી ગંઠાઈ જાય તેવો કોઈ નિર્ણય લીધો હોતો નથી. તમારા શરીરમા તમારા ગુણકારી બેક્ટેરીયા, બહારના સૂક્ષ્માણુઓ સામે સતત લડાઈ કરે છે. તેની તમને જાણ હોતી નથી. આ પ્રકારના શરીરને બચાવનારા કયા તત્ત્વો નિર્ણય લે છે અને કેટલાક નિર્ણયો તે સેંકડના પણ દસમા ભાગમાં લેવાય છે તેની તમારા શરીરને ખબર પડતી નથી. ટૂંકમાં, શરીરની પ્રતિરક્ષક શક્તિ અદ્ભુત છે જેની એઆઈ મશીન્સ બરાબરી કરી શકે નહી, પરંતુ માહિતીના સ્ટોરેજ અને ઝડપી રીટ્રીવલમા એઆઈ ઘણું આગળ છે.
એઆઈ સાધનો કે યંત્રોની ગંભીર મર્યાદા એ છે તેનામાં ચેતના નથી. માનવીમાં જોવા મળતી કરૂણા, (એમ્પથી), પ્રેમ, મૈત્રીભાવ, ગુસ્સો, વેરવૃત્તિ, પરોપકારીતા, સામાની લાગણીઓને સમજવાની તાકાત, ભલમનસાઈ, ઉદારતા, માફ કરવાની વૃત્તિ, પોતાના આનંદ માટે સામાને ત્રાસ આપવાની વૃત્તિ (સેડીઝમ) કે પોતાના પર જ ગુસ્સો કાઢીને પોતાને જ શારીરિક ત્રાસ આપવાની વૃત્તિ (માસોચીઝમ) કે સ્વપ્રેમ (નાર્સિસિઝમ) વગેરે એઆઈમા હોતા નથી. તેનામાં અંતરાત્મા ન હોવાથી સારાસારનો વિવેક પણ હોતો નથી. વ્યક્તિએ કંઈક ખોટું કામ કર્યું હોય તો અમુક વખતે તેને પસ્તાવો થાય છે, પણ એઆઈ યંત્રોમાં આવું હોતું નથી. અંતરાત્મા કે સહાનુભૂતિ કે પ્રેમની લાગણીના અભાવમાં તે માનવજાતનો, સમસ્ત સૃષ્ટિનો નાશ પણ કરી શકે છે.
અંગ્રેજીમા એક સરસ શબ્દ છે - કોગ્નિશન. તેમાંથી ઊભો થયેલો કન્સેપ્ટ એટલે કોગ્નિવિટી. કોગ્નિશન એ માહિતીના સંચય કરતાં વધુ પહોળો શબ્દ છે. કોગ્નિશનમાં લર્નીંગ, મીનીંગ, રીમ્બેબરીંગ, ઇન્ટરપ્રિટીંગ, રીકોલીંગ, ઇમેજીનિંગ, લોજિકલ ડીડકશન અને ઇન્ડક્શન વગેરેનો સમાવેશ થાય છે. આપણે હજી કોગ્નિટિવ થિંકીંગ કરતાં એઆઈ મોડેલ્સ ઊભાં કરી શક્યાં નથી, કારણ કે માનવીની કોગ્નિટિવ પ્રક્રિયાઓ સેંકડોની ઝડપથી બદલાતી, છૂટી પડતી અને ભેગા થતી જીવરાસાયણિક પ્રક્રિયાઓનું પરિણામ છે. તે સ્વસંચાલિત છે. તે ક્યારે શરૂ થાય છે કે ક્યારે બંધ પડી જાય છે કે ક્યારે અવનવાં સ્વરૂપો ધારણ કરે છે (જેને આપણે ક્રિએેટીવીટી કહીએ છીએ) તેની હજી આપણને ખબર નથી. માનવજાત માટે ક્રિએેટીવીટી હજુ પણ એક અત્યંત રહસ્યમય પ્રક્રિયા છે. આપણે બુદ્ધિશક્તિને સમજી શક્યા છીએ અને તેને આઈક્યુ દ્વારા માપી પણ શક્યા છીએ, પરંતુ ક્રિએટિવિટીનો ઉદ્ભવ શેનામાં, ક્યારે, કયા સમયે થશે તેનું કરી શકતા નથી. કોઈ નવો વિચાર આવે અને તે અગત્યનો હોય તો આપણે ચપટી વગાડીને કહીએ છીએ, 'ઓહ, આઈ ગોટ ઇટ!' આર્કિમિડીઝે તે ક્ષણે કહેલું, 'યુરેકા... યુરેકા...' એટલે કે મને ઉકેલ મળી ગયો, ઉકેલ મળી ગયો...! વૈજ્ઞાનિકો, ચિંતકો, સાહિત્યકારો, ચિત્રકારો, અભિનેતાઓ, આર્કિટેક્ટ્સ વગેરે માટે આવો ઝબકારો અતિ આલ્હાદક હોય છે. કિએટિવિટી ઉપરાંત કોઈ કાર્ય ઘણું સારી રીતે પૂર્ણ થયુ હોય ત્યાર આપણને જે આનંદની લાગણી થાય છે તે હ્યુમન બાયોકેમિકલ્સની પ્રક્રિયાઓની કમાલ છે. તેમાં ભગવાનની કશી ભૂમિકા નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ધરાવતાં યંત્રોને આપણે કહી શકીએ કે 'સોરી, વી આર બેટર ધેન યુ આર. અવર બાયોલોજીકલ પ્રોસોસીસ આર ફાર બેટર ધેન યોર ઇલેક્ટ્રોનિક પ્રોસેસીસ. વી હેવ ઇમોશનલી રીચ લાઇફ. યુ હેવ નો ઇમોશનલ લાઇફ એટ ઓલ. વી રીપ્રોડયુસ, યુ ડોન્ટ!'

