Ravi Purti: એક મિસાઈલ, અગિયાર એરબેઝ અને ન્યુક્લિયર વેપન્સની રહસ્યકથા

- ફયુચર સાયન્સ
કેટલાક સમાચાર પત્રો, ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર એવા અહેવાલ રજૂ થયા છેકે 'ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માટે અમેરિકા અચાનક શા માટે કૂદી પડયું?' આ સવાલની પાછળ તેઓ એક ઘટનાને જવાબદાર ગણાવે છે. ભારતે યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનના ૧૧ એરબેઝ ફૂંકી માર્યા હતા. જેમાં નૂરખાન અને મુશાફ એરબેઝ પણ સામેલ હતા. મુશાફ એરબેઝ પાકિસ્તાનના સરગોધામાં છે. તે એરબેઝ ભારતીય સરહદથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર છે. આ એરબેઝ પર પાકિસ્તાનનાં ઘણાં મહત્વપૂર્ણ વિમાનો તૈનાત હતાં, જેમાં F-16, JF-17 અને મિરાજનો સમાવેશ થાય છે. મુશાફ એરબેઝની નજીક પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની સ્ટોરેજ ફેસિલિટી કિરાના હિલ્સ આવેલ છે. હુમલાના કારણે પરમાણુ શસ્ત્રોને નુકસાન પહોંચ્યું છે. તેમાંથી રેડિયેશન લીક થઈ રહ્યું છે. આ પ્રકારની વાત મીડિયામાં વહેતી થયેલ છે. મીડિયામાં ચાલતા પાયા વિહોણા સમાચારની સત્યતા ચકાસવાના બદલે, એક સમય માટે ધારી લઈએ કે 'પાકિસ્તાનમાં આવેલ કિરાના હિલ્સ પાસેની પરમાણુ શસ્ત્રોની સ્ટોરેજ ફેસિલિટી ઉપર ભારત દ્વારા બ્રહ્મોસ મિસાઈલનો હુમલામાં કરવામાં આવ્યો છે! તો ત્યાં ખરેખર કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય? ચાલો આ સવાલની ભીતરમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક નજર નાખીએ.
ઑપરેશન સિંદૂરનો ધડાકો પરમાણુ ફેસિલિટી ખતરામાં?
આ ઘટનાને તપાસવા માટે સૌપ્રથમ સમાચાર પત્રો, ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર કેવા પ્રકારની સ્ટોરી રજૂ થઈ રહી છે, તે જાણી લઈએ. અહેવાલ મુજબ ભારતીય વાયુસેનાએ માત્ર નૂરખાન અને અન્ય ૧૦ એરબેઝ ઉપર એક સાથે એક કરતાં વધુ હુમલા કર્યા હતા. જેના કારણે કિરાના હિલ્સ ફેસિલિટીને વધુ નુકસાન થયું છે. પાકિસ્તાને સ્ટોરેજ ફેસિલિટી સુધી પહોંચવા માટે, પર્વતમાં ઘણી ટનલ બનાવી છે. સતત હુમલાઓને કારણે આ માળખાને નુકસાન પહોંચ્યું છે. અંદર સંગ્રહિત પરમાણુ શસ્ત્રોને પણ નુકસાન થયું છે. દાવાના સમર્થન આપવા માટે ૧૦ મે, ૨૦૨૪ના રોજ બપોરે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ઘટના રજૂ કરવામાં આવે છે. દલીલમાં કહેવામાં આવ્યું છેકે પરમાણુ હુમલા દરમિયાન આવા જ ભૂકંપ અનુભવાય છે. ત્યારબાદ ૧૧ મે, ૨૦૨૫ના રોજ બીજી ઘટના બની. આ દિવસે એક અમેરિકન વિમાન પાકિસ્તાન પહોંચ્યું. તેનો નંબર N111SZ હતો. વિશ્લેષકોનો દાવો છેકે આ વિમાન પરમાણુ શસ્ત્ર વિસ્ફોટથી થતા રેડિયેશનની તપાસ કરવા માટે પાકિસ્તાન આવ્યું છે. જોકે કેટલાક વિપરીત દાવામાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વિમાન ૨૦૧૦માં જ યુએસ ઊર્જા વિભાગમાંથી ડી-રજીસ્ટર થઈ ગયું હતું છે. હવે તે પાકિસ્તાન માટે કામ કરે છે. હવે ઈજિપ્તથી એક વિમાન ૧૧ મે, ૨૦૨૫ના રોજ પાકિસ્તાન પહોંચ્યું હતું. તેના એક દિવસ પછી બીજું વિમાન ઈજિપ્તથી પાકિસ્તાન આવ્યું હતું. તેનો નંબર EGY1916 હોવાનું કહેવાય છે. આ વિમાનોના આગમનને બોરોન લાવવા સાથે જોડવામાં આવે છે. વિશ્લેષકોએ જણાવે છે કે બોરોનનો ઉપયોગ પરમાણુ હથિયાર વિસ્ફોટોથી થતા રેડિયેશનને ઘટાડવા માટે થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન કદાચ ઈજિપ્તથી બોરોન આયાત કરી રહ્યું છે. જોકે ઈજિપ્ત કે પાકિસ્તાને આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ભારતીય વાયુસેનાના DG ઑપરેશનલ એ.કે. ભારતીએ પણ સ્પષ્ટતા કરી છે કે, તેમણે કિરાના ફેસિલિટીને નિશાન બનાવી નથી.
સિલિન્ડરનું સત્ય: ન્યુક્લિયર વેપન્સનું અભેદ્ય કવચ
ન્યુક્લિયર વેપન્સને પાઇપ- સિલિન્ડરમાં રાખવામાં આવે છે. તેની રચનામાં પણ સલામતીને ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવે છે. પાઇપનું બાહ્ય કવચ ઉચ્ચ-શક્તિવાળું સ્ટીલ અને ટાઇટેનિયમ એલોયનું બનેલું હોય છે. જે કાટ-પ્રતિરોધક છે. બાહ્ય આઘાત અને પર્યાવરણીય પરિબળો સામે રક્ષણ આપે છે. મધ્ય ભાગમાં રેડિયેશન શિલ્ડિંગ સ્તર ગોઠવેલું હોય છે. જેમાં ગામા કિરણોને શોષવા માટે સીસાનો ઉપયોગ થાય છે. આ સ્તર ૫-૧૦ સેન્ટિમીટર જાડું હોઈ શકે. અહીં ડિપ્લીટેડ યુરેનિયમનો ઉપયોગ, ઉચ્ચ ઘનતા અને રેડિયેશન શોષણની ઉચ્ચ ક્ષમતા પૂરી પાડે છે. આકસ્મિક રીતે ફિશન પ્રક્રિયા શરૂ ન થાય તે માટે, ન્યુટ્રોન શોષણ કરવાં બોરોન કે બોરોન કાર્બાઇડનું લેયર ગોઠવવામાં આવે છે. સિલિન્ડરનાં આંતરિક ભાગમાં એલ્યુમિનિયમ એલોયનું લેયર હોય છે. તે પરમાણુ બોમ્બને સંપૂર્ણ રક્ષણ આપે છે. જેમાં પોલીયુરેથેન ફોમ કે શોક-એબ્ઝોર્બિંગ સામગ્રી ગોઠવવામાં આવે છે. શોક-એબ્ઝોર્બિંગ સામગ્રી, પરમાણુ બૉમ્બના ફિશનેબલ કોર અને વિસ્ફોટક લેન્સને આંચકાથી રક્ષણ આપે છે. આ સ્તરમાં હર્મેટિક સીલ (hermetic seal) હોય છે, જે ભેજ અને હવાને અંદર પ્રવેશતા અટકાવે છે. કેટલાક સિલિન્ડરમાંમાં નિયંત્રિત વેન્ટિલેશન હોય છે. જેથી શસ્ત્રની આંતરિક ગેસ (જેમ કે ટ્રિટિયમ)ને સ્થિર રાખી શકાય છે. ન્યુક્લિયર વેપન્સ ઉપર સતત નજર રાખવા માટે, સિલિન્ડર ઉપર તાપમાન, દબાણ, અને રેડિયેશન મોનિટરિંગ સેન્સર્સ ગોઠવવામાં આવે છે. જે સંગ્રહ દરમિયાન શસ્ત્રની સ્થિતિનું નિરીક્ષણ કરતા રહે છે. બિનઅધિકૃત ઉપયોગને રોકવા માટે, શસ્ત્રોની ચોરી થતા અટકાવવા માટે સિલિન્ડરમાં ટેમ્પર-પ્રુફ લોક હોય છે. સાથે સાથે બાયોમેટ્રિક સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલ હોય છે. જેને માત્ર અધિકૃત વ્યક્તિ જ ખોલી શકે છે. સિલિન્ડરની જાડાઈ ૧૦-૩૦ સેન્ટિમીટર હોઈ શકે છે. તેનું વજન ૫૦ કિલોગ્રામથી લઈને ૨૦૦-૩૦૦ સો કિલોગ્રામ સુધી હોઈ શકે. વર્ષો સુધી ન્યુક્લિયર વેપન્સ પાઇપમાં સલામત રહી શકે છે.
ન્યુક્લિયર વેપન્સની ગોપનીય રચના
પરમાણુ શસ્ત્રોની સ્ટોરેજ ફેસિલિટી ઉપર મિસાઈલનો હુમલામાં કરવામાં આવે તો શું થાય? આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા, પરમાણુ શસ્ત્રની રચના કેવી છે, પરમાણુ શસ્ત્રની સ્ટોરેજ ફેસીલીટી ઉપર તેને કેવી રીતે સાચવવામાં આવે છે, તે જાણવું પડે. સૌપ્રથમ તો એ વાત કરવાની કે મીડિયામાં એટમ બોમ્બ એટલે કે પરમાણુ બોમ્બની વાત કરવામાં આવે છે. જે નામકરણ વિજ્ઞાનની ભાષામાં ખોટું છે. બોમ્બ વિસ્ફોટમાં પરમાણુનું નાભિકેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ તૂટે છે અથવા બે નાભિ કેન્દ્ર ભેગાં થાય છે. આ કારણે સાચું નામ ન્યુક્લિયર વેપન્સ હોવું જોઈએ. નહીં કે એટમ બૉમ્બ કે પરમાણુ બોમ્બ. લોકબોલીમાં એટમ બૉમ્બ કે પરમાણુ બોમ્બ શબ્દ પ્રચલિત હોવાથી, ઉપરના લખાણમાં પરમાણુ બોમ્બ કે શસ્ત્ર પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંથી આગળ તેને ન્યુક્લિયર વેપન્સ તરીકે ઓળખીશું.
ન્યુક્લિયર વેપન્સની આંતરિક રચનાએ રીતે કરવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન ન્યુક્લિયર વેપન્સને ચોક્કસ ભૌગોલિક સ્થળ ઉપર ફેંકવામાં આવે ત્યારે, તે રેડિયો એક્ટિવ પદાર્થમાં વિસ્ફોટ પેદા કરી, અતિશય ઉચ્ચ માત્રામાં ઊર્જા પેદા કરે. સાથે સાથે જીવલેણ રેડીએશન પેદા કરે. ન્યુક્લિયર વેપન્સની આંતરિક રચનાને રક્ષણ આપવા માટે, ખાસ પ્રકારના કવચ સ્વરૂપે, તેની બાહ્ય એ રીતે રચના કરવામાં આવે છે, જેથી તાપમાન નિયંત્રણ, બાહ્ય આઘાત સામે રક્ષણ (શૉક પ્રુફ), રેડિયેશન લીકેજથી રક્ષણ જેવી સમસ્યા ઉપર નિયંત્રણ મેળવી શકાય. ન્યુક્લિયર વેપન્સનું બાહ્ય કવચ મલ્ટીલેયર્ડ હોય છે. બાહ્ય લેયર ઉચ્ચ-શક્તિવાળું સ્ટીલનું બનાવવામાં આવે છે. ડિપ્લીટેડ યુરેનિયમ જેવી ઉચ્ચ ઘનતાવાળી ધાતુનો ઉપયોગ બાહ્ય આઘાત અને રેડિયેશન શોષણ માટે થાય છે. જેથી પરિવહન દરમિયાન રક્ષણ મળે, તેમજ મજબૂત અને કાટ-પ્રતિરોધક શક્તિ ધરાવતું થાય. આ ઉપરાંત આંતરિક ગામા કિરણોને રોકવા માટે સીસું વપરાય છે. આકસ્મિક ફિશન રોકવા, ન્યુટ્રોન રેડીએશનના શોષણ માટે બોરોન કાર્બાઇડનું લેયર વપરાય છે. તૈયાર થયેલ ન્યુક્લિયર વેપન્સને ખાસ પ્રકારના સિલિન્ડરમાં સાચવવામાં આવે છે. જે પાઇપ તરીકે ઓળખાય છે.
ભૂકંપની આડમાં છૂપાયેલું ન્યુક્લિયર રહસ્ય
જો ન્યુક્લિયર વેપન્સની સ્ટોરેજ ફેસીલીટી ઉપર કરતા વધારે મિસાઈલ દ્વારા હુમલો થયો હોય તો, સ્ટોરેજ ફેસીલીટીને ભારે માત્રામાં નુકસાન થાય. આવા સમયે જો ન્યુક્લિયર વેપન્સના નિર્માણ સમયે યોગ્ય તકેદારી રાખવામાં આવી ન હોય તો, ન્યુક્લિયર વેપન્સ ઓપન થઈ શકે છે. જેમાંથી અલ્પ માત્રામાં ચાર પ્રકારનું રેડીએશન બહાર નીકળી શકે છે. સામે પક્ષે ન્યુક્લિયર વેપન્સનો વિસ્ફોટ ખૂબ જ મોટી માત્રામાં રેડીએશન ફેલાવી શકે છે, પરંતુ અહીં સત્તાવાર માધ્યમો દ્વારા કોઈ પણ પ્રકારનું રેડિયેશન ફેલાયું હોવાના અહેવાલ રજૂ થયા નથી. ભૂગર્ભમાં નિયંત્રિત અવસ્થામાં ન્યુક્લિયર વેપન્સનું પરીક્ષણ અથવા યુદ્ધમાં ન્યુક્લિયર વેપન્સનો વિસ્ફોટ કરવામાં આવે છે, ત્યારે સિસ્મોગ્રાફ ઉપર ભૂકંપ અવશ્ય નોંધાય છે. સરગોધા કિરાના હિલ્સ વિસ્તારમાં થયેલ ભૂકંપનાં જોડાણની વાત કરીએ તો, એવો અર્થ એવો નીકળે કે અહીં ન્યુક્લિયર વેપન્સનો અનિયંત્રિત વિસ્ફોટ થયો છે. પરંતુ યાદ રહે કે નાના ન્યુક્લિયર વેપન્સનો વિસ્ફોટ થાય તો પણ, આજુબાજુ આવેલ મોટો વિસ્તાર વિસ્ફોટમાં ઉડી જાય. વિસ્ફોટના સ્થળે મોટો ખાડો પેદા પડે. ઉપરાંત આકાશમાં અત્યંત પ્રકાશિત અને ઉચ્ચ તાપમાન ધરાવતું મશરૂમ વાદળ પેદા થયેલું જોવા મળે. પરંતુ સરગોધા કિરાના હિલ્સ આસપાસ આવું કંઈ જ જોવા મળ્યું નથી, જેનો અર્થ એ થયો કે અહીં થયેલ ભૂકંપ અને ન્યુક્લિયર વેપન્સ એકબીજા સાથે કોઈ સંબંધ નથી.
બીજી શક્યતા એ છે કે અહીં ન્યુક્લિયર વેપન્સ નહીં, પરંતુ લોકોમાં ડર અને ગભરાટ ફેલાવવા માટે વપરાતા ડર્ટી બોમ્બ સાચવવામાં આવ્યા હોઈ શકે, જેને હુમલા દરમિયાન નુકસાન થતાં રેડિયેશન ફેલાયું હોય, કારણ કે ડર્ટી બૉમ્બની રચનામાં, ન્યુક્લિયર વેપન્સની રચના અને સલામતી જેટલી, બોમ્બની મજબૂતી રાખવામાં આવતી નથી. અહીં ડર્ટી બોમ્બના કારણે અમેરિકા યુદ્ધ વિરામ કરાવવા માટે કોશિશ કરે નહિ. સરગોધામાં ખરેખર શું બન્યું હતું એ તો વર્ષો પછી ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સ, ડી-ક્લાસિફાઇડ થાય ત્યારેજ સાચી વાત સામે આવશે.
- કે.આર.ચૌધરી

