Ravi Purti : એઆઈ ટેકનોલોજીથી દુનિયામાં ગંભીર વીજ કટોકટી સર્જાશે

- સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા
- ચેટજીપીટી ચલાવવા માટે એક કલાકમાં જેટલો વીજ પુરવઠો જોઈએ એમાંથી 17 હજાર ઘરોમાં એક દિવસની વીજળી પૂરી પાડી શકાય. એઆઈના કારણે સરેરાશ ચાર ટકા વીજળીની ડિમાન્ડ વધી
આપણે આજે જેટલી ટેકનોલોજીનો ઉપભોગ કરીએ છીએ એની મૂળભૂત જરૂરિયાત છે વીજળી. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ જેવા ડિવાઈસમાં બેટરી ચાર્જ કરવી પડે છે. આ બધી જ પ્રોડક્ટ્સ પાવરથી ચાલે છે એટલે એમાં વીજળીનો વપરાશ થાય છે. આ બેસિક વાત છે. વીજ પુરવઠો ન હોય તો આપણા એકેય ડિવાઈસ કામ આપતા નથી. બેટરી વગર બધું નકામું. સ્માર્ટફોનમાં બેટરી ન હોય તો આપણે બેચેન થઈ જઈએ છીએ. ગમે ત્યાંથી ચાર્જર મેળવીને કે પાવરનો સોર્સ મેળવીને તુરંત મોબાઈલ ચાર્જ થાય એ આપણી પ્રાયોરિટી બની જાય છે.
પણ વાત માત્ર આટલા વીજ પુરવઠાની નથી. ડિવાઈસમાં જેટલી બેટરી વપરાય છે એનાથી અનેક ગણી પાવરની જરૂર એ ટેકનોલોજી બનાવવા પાછળ ખર્ચાય છે. આપણે સૌએ નોંધ્યું છે કે ગેમ્સ રમીએ તો વધુ બેટરી જોઈએ. મૂવી જોઈએ તો વધુ બેટરી જોઈએ. ચેટમાં કે વોઈસ કોલમાં એટલી ઝડપથી ઉર્જા ખર્ચાતી નથી. હવે એ જ ગેમ્સ બનાવવા માટે ડેટા સેન્ટરની જરૂર પડે, ગ્રાફિક્સની જરૂર પડે અને એની પાછળ આપણી કલ્પના બહારની વીજળી ખર્ચાય છે. આપણે એપનો ઉપયોગ કરીએ તેમાં આપણાં મોબાઈલની બેટરી જ નથી ખર્ચાતી, એ એપ ચાલુ રાખવા માટે ડેટા સેન્ટર્સ, સર્વર્સ દિવસ-રાત એક્ટિવ રહે છે ને એ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. એ જ એપ બને ત્યારે કમ્પ્યુટર્સમાં પાવર કન્ઝમ્પ્શન થાય છે. એ જ રીતે મોબાઈલનું ઉત્પાદન થાય ત્યારે એમાં જેટલા ફિચર્સ આપણને મળે છે એ બધાના સોફ્ટવેર બનાવવામાં પણ મોટો વીજ પુરવઠો વપરાય છે.
આવી જ રીતે વીજ પુરવઠો ઓહિયા કરી જતી નવી ટેકનોલોજી એટલે એઆઈ. આપણે ગણતરીની સેકન્ડમાં ચેટજીપીટી પાસેથી જિબલી ઈમેજ બનાવી નાખીએ છીએ, પરંતુ એની પ્રોસેસ પાછળ ડેટા સેન્ટરમાં વીજળીના 'ભૂક્કા' બોલે છે! ટેકનોલોજી જેમ જેમ વિકસી તેમ તેમ વીજળી ડિમાન્ડ વધી. સાધારણ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કે તેની બેટરીમાં વીજળીની એટલી જરૂર પડતી ન હતી જેટલી સ્માર્ટફોનમાં પડે છે. એ જ રીતે વિન્ડોઝમાં એટલી વીજળીની જરૂર નથી પડતી જેટલી આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કે વર્ચ્યુઅલ રિઆલિટી (વીઆર) પાછળ ખર્ચાયય છે. એક તરફ એઆઈની ટેકનોલોજી તમામ ક્ષેત્રોમાં ઝડપભેર ફેલાઈ રહી છે તો બીજી તરફ એઆઈ ટેકનોલોજી બનાવવા પાછળ વીજળીની ડિમાન્ડ એટલી વધી રહી છે કે એને પહોંચી વળવાનું કામ અઘરું બનતું જાય છે.
***
આજની તારીખે ચેટજીપીટીના ૪૦ કરોડ ગ્લોબલ મન્થલી એક્ટિવ યુઝર્સ છે. દરરોજ ૨૦ કરોડ લોકો ચેટજીપીટીની કોઈને કોઈ પ્રકારે મદદ મેળવે છે. તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે જે પ્રક્રિયા જરૂરી છે એ પાછળ એક કલાકમાં પાંચ લાખ કિલોવોટ્સથી વધુ વીજળી ખર્ચાય છે. ડેઈલી યુઝર્સ ૪૦ કરોડ થશે તો કલાકમાં ૧૦ લાખ કિલોવોટ્સ વીજળીનો ખર્ચ થશે. અમેરિકામાં દરરોજ સરેરાશ એક ઘરમાં ૨૯ કિલોવોટ વીજળીની જરૂર પડે છે. એક એઆઈ ચેટબોટને ચલાવવા માટે પાંચ લાખ કિલોવોટ્સ વીજળીની ખપત થાય છે. ગણતરી માંડીએ તો ચેટજીપીટીને કલાકમાં એક અમેરિકન પરિવાર કરતાં ૧૭ હજાર ગણી વધારે વીજળીની જરૂર પડે છે. એવોય અંદાજ બાંધવામાં આવ્યો છે કે આજની તમામ ટેકનોલોજી કંપનીઓએ તેમની પ્રોડક્ટમાં એઆઈ ટૂલ ઉમેરે તો તેમને વર્ષે ૨૯ અબજ કિલોવોટ્સ વીજળીની જરૂર પડે. ૨૦૨૭ સુધીમાં મોટી ટેકનોલોજી કંપનીઓ જે વીજળીનો એઆઈ પાછળ વાર્ષક ખર્ચ કરતી હશે એનો જથ્થો હશે - ૧૩૪ ટેરાવોટ્સ.
ઈનફેક્ટ, અત્યારે જ ટેક-જાયન્ટ્સ વીજળીનો મોટો જથ્થો વાપરે છે. સેમસંગને વર્ષે ૨૩ ટેરાવોટ્સ વીજળીની જરૂર પડે છે. તો ગૂગલ ૧૦ ટેરાવોટ્સ વીજળી ખર્ચ કરે છે ને માઈક્રોસોફ્ટને ૧૨ ટેરાવોટ્સ વીજળીનો ખપ પડે છે. એ માન્યું કે ટેક-કંપનીઓ વીજળીની માતબર ડિમાન્ડની સાથે સાથે કરોડો નોકરીઓનું સર્જન કરે છે. કરોડો લોકોને ટેકનોલોજી કંપનીઓના કારણે સીધી કે આડકતરી રોજગારી મળે છે. પરંતુ એઆઈ પાછળ જે વીજળીનો જથ્થો ખર્ચાઈ જશે એના કારણે કરોડો લોકો વીજળીની ગંભીર અછતનો સામનો કરતાં હશે. એની શરૂઆત તો અત્યારથી જ થઈ ચૂકી છે. અમેરિકામાં મોટી ટેક-કંપનીઓના હેડક્વાર્ટ્સ અને ડેટા સેન્ટર્સ છે એટલે સૌથી પહેલી અસર અમેરિકાને જ થઈ છે.
અમેરિકામાં ભારતની જેમ અત્યારે ઉનાળો બેસી ગયો છે. જૂન અને ઓગસ્ટ સુધીમાં ગરમી ખૂબ વધે છે. ભારતની જેમ અમેરિકા સહિત ઘણાં દેશોમાં એપ્રિલથી ઓગસ્ટ સુધી ગરમીનો સમયગાળો છે. આ સમયે વીજળીની ડિમાન્ડ ખૂબ વધે છે. ભારતમાં પણ અત્યારે વીજળીની માગમાં ઉછાળો આવે છે અને ૨૪ કલાક વીજ પુરવઠો આપવાના પોકળ દાવા વચ્ચે હજુય ગામડામાં ભરબપોરે કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે. અમેરિકામાં ભારતની સરખામણીએ એટલી વિકટ સ્થિતિ નથી આવતી. વાવાઝોડું ફૂંકાયું હોય ત્યારે હજારો ઘરોમાં વીજળીની કટોકટી સર્જાય છે ખરી, પરંતુ જેવું વાવાઝોડું જાય કે કલાકોમાં વીજ પુરવઠો શરૂ પણ થઈ જાય છે.
પરંતુ આ વર્ષે તદ્ન જુદાં દૃશ્યો સર્જાયા છે. થોડા દિવસ પહેલાં અમેરિકાના અનેક રાજ્યોમાં વીજળીની અછત થતાં અંધારપટ્ટનું જોખમ સર્જાયું હતું. વીજ પૂરવઠાની કંપનીઓએ ખુલાસો કરેલો કે અમેરિકામાં આવી સ્થિતિ અગાઉ ક્યારેય થઈ નથી. ડેટા સેન્ટર અને ટેકનોલોજીની કંપનીઓમાં વીજળીની જરૂરિયાત વધતાં વીજળીની માગમાં ઉછાળો આવ્યો છે એમાં આટફિશિયલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી પાછળ જે વીજળી વપરાવા માંડી છે તેનો જથ્થો સૌથી વધારે છે.
***
ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિતની કેટલીય મોટી કંપનીઓમાં વીજળીની માગ અતિશય વધી છે. આ કંપનીઓને પોતાના પાવર પ્લાન્ટ બનાવવાની તાકીદ અમેરિકન સરકારે કરી છે, પણ એ શક્ય નથી. ટેક-કંપનીઓ માટે એ પ્રોજેક્ટ ખર્ચાળ સાહિત થાય તેથી આ કંપનીઓએ અન્ય દેશોમાં ડેટા સેન્ટર બનાવવા વિચારણા શરૂ કરી છે. વીજળી ઉત્પાદક કંપનીઓના કહેવા પ્રમાણે ક્રિપ્ટો માઈનિંગમાં પણ વીજળીની પુષ્કળ જરૂર પડે છે ને ડેટા સેન્ટર સતત ધમધમતા હોવાથી વીજળીનો પૂરવઠો જરૂરી બની જાય છે.
જ્યોજયાના પબ્લિક સવસ કમિશનના અધ્યક્ષ જેસન શોને ટાંકીને એક અહેવાલમાં કહેવાયું કે અમેરિકામાં અગાઉ ક્યારેય આવું થયું નથી. આટલી તીવ્ર વીજ કટોકટી સર્જાયાનું જોવા મળ્યું નથી. બરાબર ઉનાળો તપતો હશે ત્યારે કેટલાય રાજ્યોમાં વીજ કટોકટી સર્જાશે. જ્યોજયામાં જ છેલ્લાં એક દશકામાં વીજળીની ડિમાન્ડ ૧૭ ગણી વધી ગઈ છે.
આ અછતને પહોંચી વળવા અમેરિકન વીજ ઉત્પાદક કંપનીઓને ટ્રમ્પની સરકારે તાકીદ કરી છે કે વીજળીનો જરૂરિયાત મુજબનો જથ્થો જ ટેકનોલોજીને આપો, પણ વીજ કંપનીઓ એવું કરતી નથી. યુનિટ દીઠ જે ભાવ કંપનીઓ આપે છે એવો ભાવ ઘરેલું ગ્રાહકો આપતા નથી. ભારત સહિત દુનિયાભરમાં કમર્શિયલ વીજળીનો યુનિટનો ભાવ ઊંચો હોય છે. કંપનીઓને એમાં સીધો ફાયદો હોય એટલે એ એક નહીં તો બીજું બહાનું કાઢીને ઘરેલું વીજ પુરવઠો ખોરવીને પણ કંપનીઓને વીજળી આપવાનું પસંદ કરે છે.
એઆઈ ટેકનોલોજીમાં વીજળીની ડિમાન્ડ વધશે એટલે સરવાળે વીજળી મોંઘી થશે. સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાશે અને તેમને ઘરની વીજળીનું બિલ મોંઘું પડશે. એક શક્યતા એવીય છે કે ટેક-કંપનીઓમાં જે એઆઈ ટેકનોલોજી પર કામ કરે છે તેમના પર વીજળીમાં જુદો ટેક્સ લગાડવો. જો એમ થશે તો એઆઈ ટેકનોલોજી મોંઘી થશે. પણ કંપનીઓ વધારે ટેક્સ ચૂકવીને પણ વીજળીનો જથ્થો મેળવશે એટલે સામાન્ય નાગરિકોને મળતો જથ્થો ઘટશે. એઆઈ ટેકનોલોજી મોંઘી થશે એની ભરપાઈ કંપનીઓ સબક્રિપ્શનનો રેટ વધારીને કરશે. ક્યારેય સરકારોને, વીજકંપનીઓને કે ટેકનોલોજીની કંપનીઓને નુકસાન થવાનું નથી. બધો ભાર વહેલા મોડો આવશે તો યુઝર્સના ખભે જ. સામાન્ય લોકોને વીજળી મોંઘી નહીં પડે તો એઆઈ ટેકનોલોજી મોંઘી પડશે. સરવાળે આમ નાગરિકોના ખીસ્સા ખાલી થશે ને કંપનીઓની તિજોરીઓ છલકાશે .
કુલ વીજળીનો છ ટકા હિસ્સો માત્ર ડેટા સેન્ટર પાછળ ખર્ચાય છે
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના કહેવા પ્રમાણે ૨૦૨૩માં અમેરિકાના ૩૪૦૦ જેટલા ડેટા સેન્ટરમાં કુલ વીજળીનો ૪.૫ ટકા જથ્થો વપરાયો હતો. ૨૦૨૫ની શરૂઆતમાં ડેટા સેન્ટરની સંખ્યા વધીને ૪૫૦૦ થઈ ગઈ હતી અને વીજળીનો ૫ ટકા જથ્થો એની પાછળ ખર્ચાય છે. ૨૦૨૬ સુધીમાં આ જથ્થો વધીને છ ટકા થશે. ૨૦૩૫ સુધીમાં એકલા અમેરિકામાં એક લાખ ડેટા સેન્ટર ધમધમતા હશે અને તેમાં મોટી માત્રામાં વીજળી જોઈશે.
મોટી ટેક કંપનીઓ અત્યારે આથક રીતે ઉભરતા દેશોમાં ડેટા સેન્ટર્સ અને સર્વર બનાવવાનું આયોજન કરી રહી છે. ભારત જેવા દેશો આ કંપનીઓ માટે બહુ જ અનુકૂળ છે. ભારતમાં જ ૧૫૦ જેટલા ડેટા સેન્ટર અત્યારે ચાલી રહ્યા છે. વિદેશી કંપનીઓને આવકારવાની ભારતની પાલિસી છે અને તેના કારણે ભારતના ટેક-એક્સપર્ટ્સને નોકરીઓ મળશે, પરંતુ તેમાં વીજળીનો મોટો જથ્થો જોઈશે. અત્યારે દેશમાં ઉનાળો આવે છે ત્યારે વીજ વપરાશ વધી જાય છે અને ઘણાં શહેરોમાં વીજળીની અછત સર્જાય છે. ટેક-કંપનીઓ ભારત જેવા દેશોમાં એઆઈ ટેકનોલોજીના યુનિટ બનાવે તો આ અછત વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. અત્યારે દુનિયામાં જેનો ક્રેઝ છે તે એઆઈ ટેકનોલોજી જગતમાં મોટી પાવર ક્રાઈસિસ નોતરે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

