Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Ravi Purti : "Email Transformers Abhay's Success Career"

Ravi Purti : સ્ક્વોશ છોડી દેવાની તૈયારી કરી ચૂકેલા અભયની કારકિર્દી એક ઈ-મેલથી બદલાઈ ગઈ

Timeછેલ્લું અપડેટ : 11 May 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : સ્ક્વોશ છોડી દેવાની તૈયારી કરી ચૂકેલા અભયની કારકિર્દી એક ઈ-મેલથી બદલાઈ ગઈ

- એશિયાડ ચેમ્પિયન અભય સિંઘ વર્લ્ડ કપ - કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રક જીતી ચૂક્યો છે

App Store

- Sports  ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- કિશોરાવસ્થામાં એક સમયે 96 કિલો વજન ધરાવતા અભયે સ્ક્વોશ ખેલાડી બનવાનું સ્વપ્ન સાકાર કરવા 26 કિલો વજન ઉતાર્યું 

નૈયા ઝુકાવી મેં તો જો જે ડુબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે બુઝાય ના.- અફાટ દરિયામાં શરુ થતી પ્રત્યેક સફર તો ઉત્કંઠા અને અનિશ્ચિતતાના વાદળોથી ઘેરાયેલી જ હોય છે. જોકે, નવી દુનિયાની શોધનું સ્વપ્ન જ્યારે આંખોમાં અંજાય છે, ત્યારે તેને પામવા માટે રસ્તામાં આવતા તમામ વિઘ્નોને પાર કરી જવાનો આત્મવિશ્વાસ પણ જન્મે છે. દરેક સફરમાં સતત તોફાનોનો સામનો કરવો જ પડતો હોય છે, તેવી જ રીતે કશુક પામવા માટેના પ્રયાસમાં પણ હતાશા અને પ્રતિકૂળતાના તોફાનો સહજ આવી પહોંચે છે, પણ નાનકડી આશાના દીવડાને સહારે તેનો સામનો કરનાર જ સફળતાના ઊજાસ સુધી પહોંચી શકે છે.

ભારતીય સ્ક્વોશ જગતમાં આગવી પ્રતિભા થકી આગવો પ્રકાશ રેલાવી રહેલા ૨૬ વર્ષના અભય સિંઘની વૈશ્વિક સ્તરે પણ આગવી ચમક દેખાડવા માંડી છે. સ્ક્વોશના વર્લ્ડ કપમાં મિક્સ્ડ ડબલ્સનો કાંસ્ય ચંદ્રક હોય કે પછી એશિયન ગેમ્સનો પુરુષ ટીમ સ્પર્ધાનો સુવર્ણ, અભયની નિર્ભય રમત અને જોશ એક આગવો ચાહકવર્ગ ઉભો કરતો રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ જેવા પ્રતિષ્ઠિત રમતોત્સવમાં પણ અભયે નોંધપાત્ર સફળતા મેળવી છે.

સ્ટેમિના અને પાવરની ગેમ તરીકે ઓળખ ધરાવતા સ્ક્વોશમાં ખેલાડીની અનુમાનશક્તિની પણ આકરી કસોટી થાય છે અને તેના થકી જ સફળતાનો મુકામ હાંસલ કરી શકાય છે. ભારતમાં સ્ક્વોશની રમત તો સાવ હાંસિયામાં ધકેલાયેલી રમતોમાં પણ છેવાડે છે, ત્યારે વૈશ્વિક સ્તરે છે, જેમાં અભય પુરુષ સિંગલ્સમાં વિશ્વના ટોચના ૪૦ ખેલાડીઓમાં સ્થાન મેળવવાની સિદ્ધિ પણ ધરાવે છે અને હાલમાં ભારતીય સ્ક્વોશના પુરુષ ખેલાડીઓમાં બીજા ક્રમે છે. 

અભયે  મે-૨૦૨૫ના પહેલા જ સપ્તાહમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાયેલી હૈદર ઓપન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ક્વોશની વર્લ્ડ ટુર ઈવેન્ટ અંતર્ગત સ્થાન ધરાવતી આ ટુર્નામેન્ટમાં અભયે બ્રિટનના સેમ ટોડને મહાત આપીને ટાઈટલ હાંસલ કરી લીધું હતુ. રસપ્રદ બાબત એ હતી કે, સેમિ ફાઈનલમાં અભયનો મુકાબલો પાકિસ્તાનના અંડર-૨૩ના વિશ્વવિજેતા નૂર ઝમાન સામે થયો હતો, જેમાં પણ ભારતીય ખેલાડીએ ૩-૦થી ક્લીન સ્વિપ કરી હતી. આ કારણે અભયનું પ્રોફેશનલ સ્ક્વોશ ટુરનું ૧૧મું ટાઈટલ યાદગાર બની રહ્યું છે અને આ સફળતાએ જ તેને વર્લ્ડ રેન્કિંગમાં સાત સ્થાનના કુદકા સાથે ૩૮માં ક્રમે આવી પહોંચ્યો છે. 

છેલ્લા બે વર્ષના સાતત્યભર્યા દેખાવને કારણે જ અભય હવે ભારતીય સ્ક્વોશના એલિટ ખેલાડીઓ જેવા કે સૌરવ ઘોષાલ,  મહેશ મંગાઓનકર, હરિન્દર પાલ સિંઘ સંધુ તેમજ રામિત ટંડનની હરોળમાં પહોંચી ગયો છે. ભારતીય સ્ક્વોશના આ ઉભરતા સિતારાની સફર આસાન રહી નથી. ઉત્તર પ્રદેશથી આર્થિક વિકાસની રાહ શોધતા ચેન્નાઈ પહોંચેલા સંપન્ન પરિવારમાં જન્મેલા અભયને પાડોશીએ સ્ક્વોશની રાહ દેખાડી. શરુઆત તો ટેનિસથી થઈ, પણ આ દરમિયાન જ ભાગ્ય અભયને સ્ક્વોશ સુધી દોરી ગયું. 

પિતાની આર્થિક સધ્ધરતાના કારણે અભયની કારકિર્દી ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી. વિદેશમાં ઉચ્ચઅભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા અભયનું મન તેને સ્ક્વોશ તરફ ખેંચતુ રહ્યું હતુ. સંપન્ન પરિવારમાં જન્મેલા અભય પર કોઈની રોકટોક નહતી અને આ કારણે કિશોરાવસ્થામાં તેનું વજન ૯૬ કિલો સુધી પહોંચી ગયું હતુ. આ દરમિયાન જ તેના કોચે અલ્ટીમેટમ આપી દીધું કે, જો તારે સ્ક્વોશ ખેલાડી બનવું હોય તો તારા જીવનને નિયમિત બનાવવું પડશે અને મહેનત કરવી પડશે. આ વાત અભયના ગળે ઉતરી ગઈ અને તેણે બીજા જ દિવસે ડાયેટથી લઈને કસરત કરવા પર ધ્યાન આપવા માંડયું. 

આ દરમિયાનમાં ચેન્નાઈની ઈન્ડિયન સ્કવોશ એકેડમીમાં મેજર મનીયમે તેને બેઝિક્સ શીખવ્યા. સ્ક્વોશમાં આગળ વધવા માટે મક્કમ અભયને માતા-પિતાએ પણ તમામ પ્રકારનું સમર્થન પુરું પાડયું. જુનિયર લેવલની સ્પર્ધામાં સફળતા બાદ અભયને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મળે તે જરુરી હતુ. અભયની કારકિર્દીને નિખાર આપવામાં કાલીમુથુ, હસરત અને બાલામુરુગને પણ મહત્વની ભૂમિકા ભજવી.

સ્ક્વોશ જેવો ઓછી જાણીતી રમતમાં અભયના સપનાને પિતાની આર્થિક સધ્ધરતાએ પાંખો આપી અને આંતરરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જુનિયર લેવલે પણ તેણે આગવું કાઠુ કાઢયું અને એશિયાના સ્ક્વોશ રેન્કિંગમાં ટોચનું સ્થાન પણ તેણે હાંસલ કરવામાં સફળતા મેળવી. આ દરમિયાન સ્ક્વોશની જુનિયર સર્કિટમાં પણ તેણે વિશ્વસ્તરે તેના આક્રમક મિજાજ અને છેક છેવટ સુધી સંઘર્ષ કરવાની ક્ષમતાને સહારે આગવી ઓળખ ઉભી કરી હતી.

અભયની કારકિર્દી જુનિયર સ્તરથી સિનિયર તરફ આગળ વધી જ રહી હતી, ત્યારે જ કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો. ભારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહેલા અભયની કારકિર્દીને આંચકો લાગ્યો. અભયે જ એ દિવસોને યાદ કરતાં કહ્યું કે, કોરાના પહેલા હું મારી કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યો હતો, પણ કોરોનાનો પ્રભાવ માત્ર શારીરિક જ નહતો, પણ માનસિક રીતે પણ આ સમય અત્યંત પડકારજનક હતો. કોરોના સમય બાદ પુનરાગમન કરવું આસાન નહતું. મારો આત્મવિશ્વાસ તળીયે હતો. 

કોરોના બાદ આખી દુનિયા જ્યારે પુન: શરુ થઈ ત્યારે અભય માટે ફરી આગવી લય મેળવવી આસાન નહતી. તેને ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને આ કારણે મેદાન પરના મુકાબલામાં પણ તેને નિરાશાજનક પરિણામ મળવા માંડયા, જેના કારણે પરિસ્થિતિ વધુ કથળી અને તેણે સ્ક્વોશ છોડવાના વિચાર કરવા માંડયા. તેની સામે આસીસ્ટન્ટ કોચ બનવાની સાથે સાથે વિદેશમાં જઈને વધુ અભ્યાસનો વિકલ્પ પણ ખુલ્લો હતો. જોકે આ દરમિયાન જાન્યુઆરી-૨૦૨૨માં ભારતીય સ્કવોશ ફેડરેશને અભય સિંઘને કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સમાં હાજર રહેવાનો ઈ-મેલ કર્યો.

સ્ક્વોશને છોડી દેવા માટે તૈયાર થયેલા અભયની જિંદગીની નૌકાને આ એક માત્ર ઈમેલે પાછી વાળી. તેણે તેની કારકિર્દીને વધુ એક વખત જિવંત બનાવવાનો પ્રયાસ કર્યો અને કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સમાં તેની પસંદગી ભારતીય ટીમમાં થઈ હતી અને તેની કારકિર્દીને મળેલી આ લાઈફલાઈનથી તેની કારકિર્દી ફરી ધબકતી થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ અને શાનદાર દેખાવ બાદ તેણે સ્ક્વોશના વર્લ્ડ કપમાં અનાહતા સિંઘ સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય સફળતા મેળવી હતી. ત્યાર બાદ તેને એશિયન ગેમ્સ ૨૦૨૨ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું. જ્યાં તેણે ટીમ ઈવેન્ટમાં ૧૦ દિવસના ગાળામાં ૧૩ મુકાબલા ખેલ્યા અને ભારતને સુવર્ણચંદ્રક જીતાડવામાં પાયાની ભૂમિકા ભજવી. ખાસ કરીને ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન બંને ૧-૧થી બરોબરી પર હતા, ત્યારે ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક મેચ રમવા ઉતરેલા અભયે પાકિસ્તાનના નૂર ઝમાનને ભારે સંઘર્ષ બાદ હરાવતા દેશને સુવર્ણચંદ્રકની ભેટ આપી હતી. 

હાંગઝુ એશિયન ગેમ્સમાં અભયે ત્યાર બાદ ભારતની અનાહિતા સિંઘની સાથે મળીને કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. અભયની કારકિર્દીને સફળતાના આકાશમાં ગત વર્ષે છવાઈ ગઈ. તેણે ૨૦૨૪માં એશિયન સ્કવોશ ચેમ્પિયનશિપની ડબલ્સ ઈવેન્ટમાં બે સુવર્ણચંદ્રક જીત્યા. આ ઉપરાંત વર્લ્ડ સ્ક્વોશ ટુરમાં ત્રણ મેજર ટાઈટલ પણ પોતાના નામે કર્યા. હવે ચાલુ વર્ષે ન્યૂયોર્કમાં મેળવેલી સફળતા બાદ હવે અભયની નજર આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે, ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં પણ સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભારતનો આ યુવા સિતારો વિશ્વભરમાં છવાઈ જવાની સાથે સાથે તેની રમતને દેશવાસીઓમાં વધુ લોકપ્રિય બનાવવા માટે કમર કસી રહ્યો છે.