Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why don't modern girls want to get married?

Sahiyar : કેમ આધુનિક છોકરીઓ લગ્ન નથી કરવા માંગતી? આઝાદી કે જવાબદારીનો ડર?

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : કેમ આધુનિક છોકરીઓ લગ્ન નથી કરવા માંગતી? આઝાદી કે જવાબદારીનો ડર?
સોર્સ : gstv

- નિકિતા 

App Store

એક જમાનો હતો જ્યારે દીકરીને માસિક આવવાનું શરૂ થાય ત્યારથી જ તેના માતા-પિતા તેના લગ્નની ચિંતા કરવા માંડતા. વીસ-એકવીસ વર્ષે તો તેને સાસરે વિદાય કરી દેવામાં આવતી હતી, પરંતુ આજે જમાનો બદલાઇ ગયો છે. આજની છોકરીઓ લગ્ન કરતા તેમની કારકિર્દીને વધુ મહત્ત્વ આપી રહી છે. લગ્નના ઝમેલામાં પડવા કરતા તેઓ પોતાનું ભવિષ્ય બનાવવા માગે છે.

આધુનિક જીવનશૈલીમાં છોકરીઓને શિક્ષણ આપી આર્થિક રીતે પગભર બનાવવાનું મહત્ત્વ વધી ગયું છે. સાથે-સાથે લોકોના વિચારોમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. આ કારણે આજની પેઢીની ભણેલીગણેલી અને નોકરી કરતી નારીઓની મહત્વાકાંક્ષામાં પણ ઘણો વધારો થાય છે. આજની યુવતીઓ પોતાની જાતને ઘરનો ચૂલો ફૂંકવા પૂરતી મર્યાદિત રાખવા માગતી નથી. ઘરની ચાર દીવાલોની બહાર આવી આસમાનને અડવાની તેની મહત્ત્વાકાંક્ષા છે અને આ મહત્ત્વાકાંક્ષામાં લગ્નને કોઇ સ્થાન નથી. પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તે આત્મનિર્ભર બનવાનું પસંદ કરે છે.

અહીં અમારો એમ કહેવાનો પણ આશય નથી કે તે આજીવન કુંવારી રહેવા માગે છે. તેને લગ્ન કરવા છે, પરંતુ પોતાની મરજી મુજબ અને પોતાની શરતો પર.

આજની યુવતીઓ માત્ર પોતાની આર્થિક આકાંક્ષાઓ પૂરી કરવા જ નોકરી નથી કરવા માગતી, પરંતુ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના જોરે  તે સમાજમાં પોતાની એક અલગ છબી ઉપસાવવા માગે છે. પોતાની જાતને એક નવા સ્વરૂપ સાથે રજુ કરવા માગે છે અને તેની આ કાર્યપૂર્તિ માટે લગ્ન બાધારૂપ સાબિત થશે એવો તેને ડર છે. આપણા સમાજની પ્રણાલિથી પરિચિત આજની યુવતીઓને ડર છે કે લગ્ન પછી સમાજ તેમજ તેના સાસરિયા તેની પ્રગતિ રૃંધી નાખશે. તેને તેના કાર્યમાં સાથ-સહકાર નહીં આપે.

અહીં વંદનાનો કિસ્સો અસ્થાને નહીં રહે. વંદના એક સફળ મોડેલ હતી. રેમ્પ શો વંદના વગર અધૂરો રહેતો હતો. મમ્મી-પપ્પાની જીદ સામે ઝૂકીને તેણે અજીત સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી અજીત તેને પૂરેપૂરો સહકાર આપશે એવી તેને આશા હતી. પરંતુ લગ્ન થતા જ 'ઘરની વહુ જાહેરમાં અંગ દેખાય એવા કપડાં પહેરે તો સમાજમાં કુટુંબની લાજ જાય' એમ કહી તેના સાસરિયાએ વંદનાને મોડેલિંગ છોડવાની ફરજ પાડી. વંદનાની આકાંક્ષા તેના મનમાં જ ઢબુરાઇ ગઇ અને આજે તેને તેના પતિને તેમના વ્યવસાયમાં મદદ કરી સંતોષ માનવો પડે છે.

વંદના જેવી યુવતીઓના કિસ્સા પરથી ચેતી ગયેલી ઘણી યુવતીઓ લગ્નના નામથી જ દૂર ભાગે છે. તેની મહત્ત્વાકાંક્ષા આડે આવતો એક પણ અવરોધ તે સ્વીકારવા માગતી નથી.

આપણા સમાજમાં લગ્ન એ દરેક છોકરી માટે આવશ્યક અને મહત્ત્વપૂર્ણ પડાવ છે. પરંતુ નોકરી કરતી યુવતીઓ લગ્નના નામથી જ ગભરાઇ જાય છે. એક જમાનો હતો જ્યારે લગ્નનું નામ આવતા જ યુવતીઓના કાનમાં શરણાઇના સૂરો ગૂંજી ઉઠતા. સપનાના રાજકુમારના ખ્યાલોમાં ખોવાઇ તે પોતાના ભવિષ્યના રંગીન સપના સજાવવા માંડતી હતી. જ્યારે આજે લગ્નની વાત નીકળતા જ મહત્વાકાંક્ષી યુવતીઓના ચહેરા પર લાજની લાલીને બદલે વિષાદના વાદળો છવાઇ જાય છે. તે પોતાના મમ્મી-પપ્પાના નિર્ણય માટે પોતાની ખુશીનું બલિદાન આપવા તૈયાર નથી. પરંતુ પોતાના ભાવિ પતિને પૂરી રીતે ચકાસીને જ પોતાનો નિર્ણય લેવા માગે છે. તેનો વિચાર તેના ભાવિ પતિ સાથે મળતો હોય અને લગ્ન તેની નોકરી આડે નહીં આવે એ વાતનું આશ્વાસન મળ્યા પછી જ તે લગ્નની ચોરીમાં પગ મૂકવા તૈયાર થાય છે.

આજના યુવાનો પોતાની પત્ની તરીકે શિક્ષિત, ગુણવાન તેમ જ નોકરી કરતી છોકરી જ ઇચ્છે છે, લગ્નના બજારમાં નોકરી કરતી છોકરીઓની માંગ વધી ગઇ છે. નવાઇની વાત તો એ છે કે આ પરિસ્થિતિ હોવા છતાં પણ નોકરિયાત મહિલાઓમાંથી ૩૦ ટકા જેટલી યુવતીઓ અવિવાહિત જ રહે છે.

નોકરિયાત યુવતીઓ લગ્ન કેમ કરવા માગતી નથી? એના કારણો પર એક નજર ફેરવીએ તો જણાશે કે કારકિર્દી ધરાવનાર યુવતીઓને લગ્ન પછી બે ધારી તલવાર પર ચાલવું પડે છે. ઘરમાં પત્ની, માતા અને પુત્રવધુનું ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે જ્યારે ઓફિસમાં એક સારા કર્મચારીની ફરજ નિભાવવી પડે છે. મોટાભાગના યુવકો પોતાની જીવનસાથી તરીકે શિક્ષિત અને નોકરિયાત યુવતીની ઇચ્છા રાખે છે, પરંતુ આવી પુત્રવધુ સાથે સાસરિયાઓ સહાનુભૂતિ દાખવતા નથી. તેને સહકાર આપવાને બદલે તેઓ મ્હેણાં-ટોણાં મારે છે.  આજે પણ એવા ઘરો મળી આવશે જ્યાં નોકરી કરતી વહુને મદદરૂપ બનવા કરતા તેની અવગણના કરવામાં આવતી હશે. આજે પણ ઘણા લોકો નોકરી કરતી વહુને એક મશીન માને છે જે ૨૪ કલાક થાક્યા પાક્યા વિના ઘર અને ઓફિસના કામો ઘડિયાળના કાટાં મુજબ કર્યા કરે. થાકી-પાકી ઓફિસથી આવેલી વહુ સામે કોઇ એક પ્યાલો ચા ધરવા પણ તૈયાર નથી. ઊલટાનું તે ઘરે આવી ગઇ છે તો બધાને ચા પીવડાવી ઘરના કામોમાં લાગી જશે. એવી આશા તેની પાસેથી રાખવામાં આવે છે. થાકી-પાકીને ઘરે આવેલા દીકરાને હોંશે-હોંશે ચા-નાસ્તો આપતી માતા પુત્રવધુને ચા-નાસ્તો આપવા તૈયાર નથી હોતી.

આ બધા પાસાંઓ પર વિચાર કરીને છોકરીઓ લગ્નનો નિર્ણય લેતા ગભરાય છે. લગ્ન પૂર્વે પિયરમાં નોકરીને કારણે સુખ સાહ્યબી ભોગવી હોવાથી લગ્ન પછી આ ગુલામીમાં બંધાવાની તેની કોઇ ઇચ્છા નથી. આ ઉપરાંત રોજ-રોજ અખબારોમાં પુત્રવધુને સળગાવી દેવાના કે તેની હત્યા કરવાના સમાચાર વાંચીને પણ તે લગ્ન કરવાનો નિર્ણય લેવાનું ટાળે છે. આ ઉપરાંત પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ સમાપ્ત થઇ જવાનો ડર પણ તેને લગ્ન કરતા રોકે છે.

હકીકતમાં તો લગ્ન સામાજિક જીવનનો એક ભાગ છે. આ કારણે કોઇ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે જેથી સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે. અને આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઇ સમાધાન શોધવામાં આવે તો લગ્નથી દૂર ભાગતી યુવતીઓમાં પોતાના ભાવિ દાંપત્યજીવન પ્રત્યે હકારાત્મક વલણ ઉત્પન્ન થવાની શક્યતા છે. એક હાથે તાળી પડતી નથી. આ માટે બંને પક્ષે થોડીઘણી બાંધછોડ કરવાની જરૂર છે. નોકરી કરતી યુવતી ઘર પ્રત્યેની પોતાની જવાબદારી સમજે અને સાસરિયાઓ તેને જોઇતો સહયોગ આપે તો પરિસ્થિતિ સુધરી શકે છે. આ વાત થોડી મુશ્કેલ જરૂર હશે, પરંતુ અસંભવતો નથી જ.