Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Do you also sleep with your mouth open?

Sahiyar : શું તમે પણ મોઢું ખુલ્લું રાખીને સુવો છો? તો ચેતી જજો!

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : શું તમે પણ મોઢું ખુલ્લું રાખીને સુવો છો? તો ચેતી જજો!
સોર્સ : gstv

- વૈશાલી ઠક્કર

App Store

ઘણાં લોકોને રાત્રે ઊંઘમાં મોઢું ખુલ્લું રાખવાની ટેવ હોય છે. બલ્કે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે કે તેમને નીંદર આવે ત્યારે તેમનું મોઢું આપોઆપ ખુલી જાય છે. આવી સ્થિતિમાં તેમની શ્વસન પ્રક્રિયા નાક વાટે થવાને બદલે મોઢા વાટે થાય છે. અને આપણે શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જાણીએ છીએ કે શ્વાસ મોઢા વાટે નહીં, નાક વાટે જ લેવો જોઈએ. પરંતુ જેમનું મોઢું ઊંઘ આવતાવેંત ખુલી જતું હોય તેઓ શું કરે? તેમને તો ઊંઘમાં ખબર પણ નથી હોતી કે તેમનું મોઢું ખુલી ગયું છે. જોકે હવે કેટલાંક લોકોએ તેનો ઈલાજ શોધી કાઢ્યો છે. તેઓ મોઢા પર ટેપ મારીને સૂએ છે જેથી તેમનું મોઢું ખુલે નહીં અને તેઓ નચિંત થઈને નિદ્રાધીન થઈ શકે. થોડા સમય પહેલા એક જાણીતી મોડેલે મોઢા પર ટેપ મારીને સુવાનો સફળ પ્રયોગ કર્યો હતો અને તેનો આ વીડિયો પણ ખાસ્સો વાઇરલ થયો હતો. આ મૉડેલે પણ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે મેં જ્યારથી મોઢે ટેપ ચોંટાડીને સુવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ઘેરી ઊંઘ આવે છે. અગાઉ ક્યારેય મને આટલી ગાઢ ઊંઘ નથી આવી. વળી હું સવારે ઊઠું ત્યારે એકદમ તાજીમાજી થઈ જાઉં છું.

કેટલાંક નિષ્ણાતો કહે છે કે મોઢા પર ટેપ મારીને સુવાની વાત થોડી વિચિત્ર લાગે ખરી. પરંતુ સોશ્યલ મીડિયા પર કોઈને તેમાં કાંઈ નવું કે વિચિત્ર નથી લાગતું. વાસ્તવમાં નેટિઝનો માટે આ ગાઢ નીંદ્રા માણવાનું નવું છતાં ખુલ્લું રહસ્ય છે. તેઓ આ ટ્રેન્ડને 'માઉથ ટેપિંગ' કહે છે. આ ટ્રેન્ડમાં સરસ નીંદ્રા માણવા માગતી વ્યક્તિ સ્કીન સેફ ટેપ, એટલે કે ત્વચાને નુકસાન ન પહોંચાડે એવી ટેપ વડે મોઢું બંધ કરી દે છે. પરિણામે તેની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા નાક વાટે જ ચાલે.

જોકે અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે તમે માઉથ ટેપિંગ કેટલા કલાક માટે કરી શકો? આના જવાબમાં કેટલાંક નિષ્ણાતો કહે છે કે તમે રાત્રે સાતથી આઠ કલાક સુધી માઉથ ટેપિંગ કરી શકો. આ રીતે મોઢા પર ટેપ ચોંટાડીને સુઈ જવાથી સંબંધિત વ્યક્તિની શ્વસન પ્રક્રિયા માત્ર નાક વાટે ચાલે છે, પરિણામે તેને ગાઢ ઊંઘ આવે છે. અને જ્યારે તમે સારી રીતે ઊંઘો ત્યારે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે.

જોકે એક જાણીતી હોસ્પિટલના તબીબ લાલ બત્તી ધરતાં કહે છે કે આ પ્રયોગ શરૂ કરવાથી પહેલા નિષ્ણાત તબીબની સલાહ અચૂક લો. સાથે સાથે મોઢા પર લગાવવાની ટેપ તમારી ત્વચાને હાનિ ન પહોંચાડે એટલી હળવી તેમ જ હાઇપોએલર્જિક હોય તેની ખાતરી કરો. અને જો તમને શ્વસન વિષયક કોઈ વ્યાધિ હોય તો નિષ્ણાત ડૉક્ટરને પૂછ્યા વિના આ પ્રયોગ કરવાનું વિચારો પણ નહીં. આનું ખાસ કારણ એ છે કે આ વિષયમાં કોઈ સંશોધન કે અભ્યાસ નથી થયો. વળી મોઢા પર ટેપ શી રીતે લગાવવી તેના વિશે કોઈ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં નથી આવી. આવી સ્થિતિમાં આ પ્રયોગનો અખતરો દિવસ દરમિયાન કરી લેવો સલાહભર્યો ગણાય. જો તમારા તબીબ તમને આ પ્રયોગ કરવાની મંજૂરી આપે તો તમારો થાક ઝટ ઉતરે, તમારા નસકોરાં બોલતા બંધ થઈ જાય, તમારી એકાગ્રતા વધે, તમારા મોઢામાંથી વાસ આવતી ઓછી થાય. એટલું જ નહીં, તમારું બ્લડ પ્રેશર સામાન્ય રહે અને હવામાં રહેલા રજકણો નાકમાંથી ચળાઈ જાય જેથી તમારા ફેફસાંને પ્રમાણમાં ઘણુ શુધ્ધ પ્રાણવાયુ મળે.

માઉથ ટેપિંગના આટલા બધા ફાયદા વિશે જાણ્યા પછી કોઈપણ વ્યક્તિ તેનો પ્રયોગ કરવા લલચાય તે સ્વાભાવિક છે. આમ છતાં સોશ્યલ મીડિયા કે અખબારોની વાત માનીને આંધળુકિયા કરવા જેવા નથી. ખાસ કરીને જેમને સાઇનસ ઇન્ફેક્શન, શરદી, ફાટેલા હોઠ, મોઢાની આસપાસની ત્વચામાં સોજા આવવા જેવી સમસ્યા હોય તેણે આ પ્રયોગ બિલકુલ ન કરવો. તેવી જ રીતે જેમણે આલ્કોહોલ કે અન્ય કોઈ નશાકારક વસ્તુનું સેવન કર્યું હોય તેણે પણ મોઢા પર ટેપ મારીને સુવાનો પ્રયાસ ન કરવો.

હવે સિક્કાની બીજી બાજુ પર નજર નાખીએ તો માઉથ ટેપિંગથી મોઢું ફૂલી જવું, ગૂંગળામણ થવી, અકળામણ થવી જેવી સમસ્યાઓ સર્જાવાની ભીતિ રહે છે. નિષ્ણાતો કહે છે કે આપણે ભલે સારી ઊંઘ લાવવા માટે માઉથ ટેપિંગ કરવાનું વિચારતા હોઈએ. પરંતુ જો તેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે તો ઊંઘ ઉડી જ જવાની. વળી મોઢા પર લગાવેલી ટેપને કારણે અકળામણ થાય તોય નીંદર પોબારા ગણી જાય. તેથી આ પ્રયોગ સમજી-વિચારીને જ કરવો.