132 વર્ષ પહેલાં અમેરિકામાં ગૂંજ્યો હતો ભારતીય સંસ્કૃતિનો સ્વર, જાણો વીરચંદ રાઘવજી ગાંધીનું અવિસ્મરણીય યોગદાન

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-10
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
એ કેવી દુ:ખદ ઘટના કહેવાય કે તમારી પાસે જ્ઞાન હોય અને છતાં તમે અંધકારમાં ભટકતા હો. એ કેવું આશ્ચર્ય કહેવાય કે વર્ષો પહેલાં કહેલી વાત હજી આજ સુધી કોઈના ધ્યાન પર આવી ન હોય અને ભૂતકાળના પેટાળમાં એ દટાયેલી જ રહી ગઈ હોય.
132 વર્ષ પહેલા 29 વર્ષના મહુવાના યુવાન વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકામાં આપેલા પ્રવચનોમાં જે વિચાર વ્યક્ત કર્યો છે એની આજ સુધી આપણે ન તો સમજ કેળવી છે કે ન એ અંગે સમજદારી દાખવી છે. ક્યારેક ઉત્સવો, મહોત્સવો, ભવ્યતાઓ, અનુષ્ઠાનો, પ્રભાવનાઓ અને આયોજનોની સ્પર્ધામાં ખૂંપેલા સમાજે આગળ નહીં તો ઓછામાં ઓછું સહેજ પાછળ નજર કરવાની જરૂર છે કે એમની પાસે રહેલા જ્ઞાનને કેમ આજ સુધી જગત સમક્ષ રજૂ કરી નથી શક્યા.
એની એક જ વાત તમને કરું. 1893માં અમેરિકા ગયેલા વીરચંદ રાઘવજી ગાંધી કદાચ અમેરિકાની ધરતી પર ગયેલા પહેલા શાકાહારી હતા અને પછી એમણે અમેરિકામાં અમેરિકન શ્રોતાજનો સમક્ષ આપેલા The Science of Eating’ નામના પ્રવચનની તમને વાત કરું. કેવો અભ્યાસ, કેવી સૂઝ અને કેવી હિંમત હશે એમની!
આજના સમયમાં શાકાહારીની તરફેણમાં માંસાહાર વિરૂદ્ધ જે વિગતો રજૂ કરવામાં આવે છે તે વર્ષો પહેલાં વીરચંદ રાઘવજી ગાંધીએ પોતાના અમેરિકન શ્રોતાઓને સમજાવતા કહી હતી. તેઓ કહે છે કે માણસ એ મૂળભૂત રીતે માંસાહારી પ્રાણી નથી. 'એનિમલ ફૂડ'થી માણસમાં 'એનિમલ નેચર' જાગે છે અને એમનાથી અનેક પ્રકારના રોગો થાય છે. કેન્સર જેવા રોગોમાં પણ આ ખોરાક કારણભૂત છે અને વળી માંસાહારી ખોરાક એ ખોરાક સાથે ઉત્તેજનાત્મક પીણું માગે છે. કોઈ કહે છે કે મારે ભૂખ્યા રહીને મરી જવું કે પછી માંસ આરોગવું ? વીરચંદ ગાંધી કહે છે કે તો ભૂખ્યા રહીને મરવું બહેતર છે.
તેઓ એવો ઉપાય પણ બતાવે છે કે અમેરિકામાં પણ માંસાહાર કરવાની જરૂર નથી. કેલિફોર્નિયામાંથી પૂરતું અનાજ મળી શકે તેમ છે. બીજી બાજુ અમેરિકનોની ખોરાક રાંધવાની પદ્ધતિ વિશે પણ વીરચંદ ગાંધી સલાહ આપે છે.
જુઓ! કેવી નિર્ભયતાથી વીરચંદ ગાંધી કહે છે કે, ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું, તે પહેલાં ચાનો પણ પ્રચાર નહોતો. ભારતમાં સૌથી મોટું પીણું તે પાણી છે, જ્યારે વીરચંદ ગાંધી આશ્ચર્ય પ્રગટ કરે છે કે જર્મન લોકો પીવા માટે પાણી પૂરતું નહીં હોવાથી બીયર પીવાનું કહે છે - એવું ભારતમાં નથી, ભારતમાં તો કોઈ બીયરને અડે તો સ્નાન કરે છે. ભારતની સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાની પદ્ધતિની વૈજ્ઞાનિકતાની વાત કરે છે. વિચાર કરો! 132 વર્ષ પહેલાં ચૌવિહારની વાત !
આશ્ચર્યજનક હકીકત એ છે કે જે સમયે માત્ર માંસાહારની બોલબાલા હતી, એ સમયે અને એ પ્રદેશમાં જઈને વીરચંદ ગાંધીએ શાકાહારનો મહિમા કર્યો હશે. એક બાજુથી માનવીને માટે યોગ્ય ખોરાકની ચર્ચા કરે છે, તો બીજી તરફ આભામંડળ જેવી ગહન બાબતની સમજણ આપે છે. જ્યારે Ancient India પ્રવચનમાં તેઓ આર્ય પ્રજા, વૈદિક સાહિત્ય અને સમયની સમાજરચનાનો આલેખ આપે છે. Contribution of Jainism to Philiosophy, History and Progress’ નામના ‘Asiatic quarterly review’ ના જુલાઈ 1900ના અંકમાં પ્રગટ થયેલા આ લેખમાં જૈન ફિલોસોફીનાં મુખ્ય તત્વોનો એમણે પરિચય આપ્યો છે. એના જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. એની સાહિત્યિક ગતિવિધિઓ તેમજ જૈન સમાજનો શિક્ષણ માટેનો પ્રેમ દર્શાવ્યો છે.
વીરચંદ ગાંધીના પ્રયત્નોથી જૈન સમાજ અને પાલિતાણાના ઠાકોર વચ્ચે પાલિતાણાની યાત્રા પર નખાયેલા વ્યક્તિદીઠ બે રૂપિયાના મૂંડકાવેરા અંગે સમાધાન થયું હતું અને લોર્ડ રે અને શ્રીમતી રે પાલિતાણા આવ્યા હતા અને બ્રિટિશ સરકારી પ્રતિનિધિનો આ સર્વપ્રથમ સત્તાવાર અને જાહેર કાર્યક્રમ હતો. એથીય વિશેષ ભારતીય વાઈસરોય લોર્ડ કર્ઝનને પણ મળવા ગયેલા. આ ઘટનાનો એક ભવ્ય ઈતિહાસ છે. એ વિશે હવે પછી ક્યારેક.
વીરચંદ ગાંધીએ વોશિંગ્ટનમાં Man's relation to the Universe’ નામનું પ્રવચન આપ્યું હતું અને એમાં આત્માના જુદા જુદા પ્રકારો દર્શાવ્યા હતા. ‘Indias message to America’ એ વીરચંદ ગાંધીનો એક મહત્ત્વનો લેખ છે. આ લેખમાં એમની ભારતની પરાધીનતાની પીડા જોઈ શકાય છે. એ કહે છે કે તમે અમેરિકનો જેમ જ્યોર્જ વોશિંગ્ટનની દેશભક્તિની વાત કરો છો, એ જ રીતે અમારે ત્યાં રાજા અશોક થઈ ગયો હતો. તમે અબ્રાહમ લિંકનની વાત કરો છો, તો અમારે ત્યાં રાજા વિક્રમ થઈ ગયા હતા. આ રીતે જુદી જુદી સરખામણી કરીને વીરચંદ ગાંધીએ ભારત વિશે મિશનરીઓએ ફેલાવેલા ખોટા ખ્યાલને દૂર કરવા પ્રયાસ કર્યો હતો અને ભારતની ભૂમિ પર થયેલી મહાન વ્યક્તિઓની ઓળખ આપીને ભારતીય ગૌરવ પ્રગટ કર્યું.
'ધ જૈન ફિલોસોફી'ના ‘Impressions of America’ લેખમાં અમેરિકા વિશેના પોતાના અનુભવો દર્શાવ્યા છે. જ્યારે ‘Some mistake corrected’ માં એમણે હિન્દુઓ વિશેની ભ્રાંત ધારણાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારત પાસે કોઈ ઈતિહાસ નથી એમ પશ્ચિમમાં માનવામાં આવે છે. તેનો વિરોધ કરીને તેમણે વેદોની વાત કરી. બીજી વાત ભારતની જ્ઞાતિપ્રથાના મૂળ અને હેતુને બતાવીને એમણે કહ્યું છે કે તેઓ જ્ઞાતિપ્રથાનો બચાવ નથી કરતા, પરંતુ એ શા માટે ઉદ્ભવી તે સમજવું જોઈએ. પ્રાચીન વેદોમાં જ્ઞાતિપ્રથાનો ક્યાંય ઉલ્લેખો નથી અને તેથી એ અમારા પ્રાચીન ધર્મ કે તત્વજ્ઞાનનો ભાગ નથી. જ્ઞાતિપ્રથા એ એક ધાર્મિક સત્તાને બદલે સામાજિક પ્રથા છે.
એ જ રીતે ભારતીય સ્ત્રીઓ ગુલામ જેવું જીવન ગાળે છે તેવા પશ્ચિમના ખ્યાલો પર તેઓ પ્રહાર કરે છે. એટલું જ નહીં પણ ભારતીય લગ્નપ્રથા દર્શાવીને સ્ત્રીઓનો મહિમા દર્શાવે છે. ભારતીય લોકોના નૈતિક જીવન અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એ કહે છે કે ઉચ્ચ નૈતિક જીવન, ન્યાય, સત્ય, પવિત્રતા એ દરેક હિંદુને માટે મહત્ત્વના છે. માત્ર વાણીથી જ નહીં, પણ રોજના આચારમાં એ પ્રગટ થતા હોય છે.
આ રીતે અપપ્રચાર અને અજ્ઞાનને કારણે અમેરિકન લોકોમાં ભારતીય પ્રજા વિશે જે માન્યતા ફેલાઈ છે, એનો વીરચંદ રાઘવજી ગાંધી સુંદર દલીલો દ્વારા ઉત્તર આપે છે. વીરચંદ ગાંધી ક્યાંક જૈન લાગે છે, ક્યાંક હિંદુ લાગે છે પણ બધે જ ભારતીય છે. એટલું જ નહીં પણ એ કહે છે કે આ મહાન ભારતમાં તમને પ્રાચીન ઉત્તમ જીવન, ઉષ્માભર્યું આતિથ્ય અને જેનો પ્રેમ સતત વહે છે તેવી પ્રિય વૃદ્ધ માતા મળશે. ભારત અને અમેરિકા બંનેના સંબંધોથી એકબીજાને શું લાભ થાય એની પણ વીરચંદ ગાંધી વાત કરે છે અને તે અંગેના સૂચનો પણ આપે છે.
આ રીતે જૈન ફિલોસોફી ગ્રંથમાં વીરચંદ ગાંધીએ જૈનદર્શનની સાથોસાથ ભારતના પ્રાચીન ગૌરવ અને એની સાચી વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે. આથી જ એમના પ્રવચનો ઘણા વિચારપ્રેરક અને માહિતીપ્રદ ગણાતા હતા. ભારતીય સંસ્કૃતિની વાત કરવાની સાથોસાથ જરૂર પડે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોના તારણો આપતા હતા.
એમના મતે ભારતની મૂળ સંસ્કૃતિ વૈદિક નથી, જૈન નથી, બૌદ્ધ પણ નથી, પરંતુ ભારતીય છે. એનો ખ્યાલ તો ત્યારે આવે કે કેટલીક વાર 'હિંદુ' શબ્દનો પ્રયોગ તેઓએ 'ઈન્ડિયન'ના અર્થમાં કર્યો છે. પ્રાચીન ભારત અને વર્તમાન ભારતના સામાજિક અને નૈતિક દરજ્જાની વાત કરે છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની સાથે સાથે ઈશ્વર વિશેની એમની વિભાવના, મોક્ષ વિશેનો ખ્યાલ, આત્મા, દયા જેવા અનેક વિષયો પર વીરચંદ ગાંધી વાત કરે છે. (ક્રમશ:)

