ગાયત્રી મંત્ર, ઉપાસના અને કૃપાથી મળે છે સુખ, સમૃદ્ધિ અને મોક્ષનો માર્ગ

આપણા શાસ્ત્રો, ગ્રંથોમાં માતા ગાયત્રીની મહિમાનો અદ્ભુત નજારો જોવા મળે છે. જેઠ સુદ દશમ એ માતાની જયંતિ માનવામાં આવે છે. માતા ગાયત્રીના ત્રણ મુખ છે, છ હાથ છે, માથા પર મુકુટ શોભે છે. હંસ તેમનું વાહન છે. સફેદ વસ્ત્રો તથા અલંકારોથી શોભિત છે. તેમનું મનોહર સ્વરૂપ ભક્તોની શ્રદ્ધા વધારે છે. માતા ગાયત્રી ચાર વેદોના માતા પણ છે. 24 અક્ષરોનો ગાયત્રી મંત્ર એ મહામંત્ર છે. આ મંત્રના જાપનું અનુષ્ઠાન ચૈત્ર તથા આસો નવરાત્રિમાં ખાસ કરવામાં આવે છે. મા ગાયત્રીમાં શાસ્ત્ર, શ્રૂતિ તથા ગીતા ત્રણેયનો સમન્વય જોવા મળે છે. તેમની કાંતિ સ્વર્ણ સમાન છે. તેમના હાથમાં વેદ (પુસ્તક), કમંડળ તથા માળા હોય છે. માનો વર્ણ શુભ્ર છે. ગાયત્રી મા કામધેનુ રૂપ છે. તેમના વિશાળ તથા સૌમ્ય નયન ભક્તોની આસ્થાને અખંડ રાખે છે. માની ઉપાસનાથી સંકટો કે કષ્ટો ટળે છે. ગાયત્રી મંત્રના જાપથી કુમતિ કે દુર્મતિ નાશ પામે છે અને સન્મતિ મળે છે. શરણે આવનાર ભક્તોના દુ:ખ મા અવશ્ય દુર કરે છે.
મા ગાયત્રી સરસ્વતી, લક્ષ્મી તથા કાલિકાનો સુભગ સમન્વય જોવા મળે છે. મા શારદા સો સો મુખથી પણ જો ગાયત્રીના ગુણગાન ગાય તો પણ ઓછા પડે તેમ છે. મા ગાયત્રી ગુણોના ભંડાર છે.
મા ગાયત્રીમાં બ્રહ્માણી, ગૌરી તથા ગીતાનો અદ્ભુત સંગમ થયેલો છે. ગાયત્રી મંત્રની તુલનામાં અન્ય કોઈ મંત્ર આ જગતમાં નથી. ગાયત્રીની ઉપાસના કરવાથી આળસ, પાપ તથા અવિદ્યાનો નાશ થાય છે. મા ગાયત્રી આ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહારકર્તા મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ પણ માની ઉપાસના કરે છે. મા ગાયત્રીને જાણનારને બીજું કશું જાણવાની જરૂર રહેતી નથી.
માના પાવન પગલાંને સ્પર્શ કરનાર ભાગ્યશાળી કહેવાય છે. આ જગતમાં ગ્રહો, નક્ષત્રો તથા બ્રહ્માંડનું સંચાલન મા ગાયત્રી કરે છે. તેમની શક્તિથી જ બધાની ગતિ થાય છે. મા ગાયત્રી સૃષ્ટિનો પ્રાણ તથા આધાર છે. મા જ આ જગતનો ઉદ્ધાર કરનાર છે. તે પ્રાણપાલિની તથા ભવતારીણી પણ છે. માની ભક્તિ કરનારને ધન, વૈભવ તથા યશ મળે છે, અને તે આ ભવબંધનમાંથી મુક્ત થાય છે. મા ગાયત્રીની કૃપા જેના પર ઉતરે છે તેના પર સહુ કોઈની કૃપા દૃષ્ટિ ઉતરે છે. માની કૃપાથી વિવિધ રોગો, કષ્ટો તથા પાપો દુર થાય છે. ગૃહકલેશ, ચિંતા તથા શોક પણ ગાયત્રી દુર કરે છે. સંતતિ ન હોય તેને મા સંતતિ આપે છે. મા ગાયત્રી જેટલી દયાળુ તથા દાની કોઈ નથી.
મા ગાયત્રી અષ્ટ સિદ્ધિ તથા નવનિધિ આપનાર છે. ઋષિ, મુનિ, તપસ્વી તથા યોગી બધા જ માતા ગાયત્રીની ઉપાસના તથા આરાધના કરે છે.
માના વિવિધ સ્તોત્રો, ગાયત્રી શતક, ગાયત્રી ચાલીસાના પાઠ કરનારને મનવાંછિત ફળ મળે છે. નવરાત્રિમાં ગાયત્રી ચાલીસાના રોજ 12 પાઠ કરવાથી નવમે દિવસે 108 પાઠ પુરા થવાથી એક અનુષ્ઠાન થાય છે.
ગાયત્રીની ઉપાસનામાં યજ્ઞનું મહત્ત્વ ખાસ છે. માળાના દસમો ભાગ (દશાંશ) હોમવાનો હોય છે. આ સિવાય દીપયજ્ઞ પણ કરી શકાય છે. ગાયત્રી માતાજી વિશેના પુસ્તકોનું વિતરણ કરનારને પણ ફાયદો થાય છે. ગાયત્રી મંત્રથી સૂર્યોપાસના પણ કરી શકાય છે. જળમાં ઊભા રહીને સૂર્યને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર કરવાથી સંપત્તિ તથા સન્મતિ બંને મળે છે. ગાયત્રીની અગરબત્તી, ધૂપ, કરવાથી ઘરમાં પવિત્ર વાતાવરણ તથા સકારાત્મક ઉર્જા રહે છે.
- ભરત અંજારિયા

