Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Shame The shield of nobility and the inner awareness that protects from sin

લજ્જાગુણ: ખાનદાનીનું કવચ અને પાપથી બચાવતી અંતરની જાગૃતિ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
લજ્જાગુણ: ખાનદાનીનું કવચ અને પાપથી બચાવતી અંતરની જાગૃતિ
સોર્સ : GSTV

- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

App Store

'સમ્યક્ સમજપૂર્વક ગલત કાર્યથી-પાપથી વિરમી જવાય એ સૌથી શ્રેષ્ઠ બાબત છે. પરંતુ એવું ન બન્યું અને ક્યાંક કોઈ પણ કારણસર ગલત પ્રત્યે-પાપ પ્રત્યે આકર્ષણનું મન થાય ત્યારે લજ્જાની-શરમની વૃત્તિ અટકાવે તો એ ય ગલત કરવાની ભૂમિકા કરતાં તો નિ:શંક સારી વાત છે. આમાં ત્રણ સ્તર થયા.સમ્યક્ સમજપૂર્વક અટકવું એ ઉત્તમ સ્તર-શ્રેષ્ઠ સ્તર. લજ્જાવશ અટકવું એ મધ્યમ સ્તર અને નિર્લજ્જ બની ગલત કરવું એ અધમ સ્તર. આપણે અધમ સ્તરે ન ઊતરી જવું હોય તો કમ સે કમ લજ્જાગુણ તો આત્મસાત્ કરીએ જ.'

'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થ શુદ્ધ ધર્મપ્રાપ્તિમાં ભૂમિકારૂપ બની શકે તેવા જે એકવીશ ગુણો જણાવે છે તેમાં આજે વિચારાશે નવમો ગુણ. એનું નામ છે લજ્જા-શરમ.

સામાન્ય નજરથી વિચારતા એમ લાગે કે લજ્જા-શરમ નકારાત્મક બાબત છે. એનાથી સ્પષ્ટ કહેવામાં બાધા આવે, પોતાની અભિવ્યક્તિ બરાબર ન થાય વગેરે નુકસાનો સર્જાય. પરંતુ ચોક્કસ દૃષ્ટિબિંદુથી વિચારીએ તો લજ્જા ખાનદાનીની દ્યોતક બાબત છે. જેનામાં લજ્જા હશે એને કાંઈ પણ ગલત-ખોટું કરતા શરમ આવશે. અરે! ગમે તેમ બોલવામાં- તડ અને ફડ કરવામાં પણ લજ્જાશીલ વ્યક્તિ શરમ અનુભવશે. આ જ દૃષ્ટિબિંદુ છે લજ્જાને ખાનદાની દ્યોતક ગુણ માનવામાં. જે નિર્લજ્જ- બેશરમ છે એ ખોટું કરવામાં ય શરમ નહીં અનુભવે કે ખોટું બોલવામાં-તડફડ કરવામાં ય શરમ નહીં અનુભવે. ગુજરાતીની એક કહેવત આ જ નિર્દેશ કરે છે કે ' જેણે મૂકી લાજ... એને નાનું રાજ.' મતલબ કે જેણે લાજ-લજ્જા મૂકી દીધી છે એને તો જાણે પોતાનું નાનુંશું રાજ થઈ ગયું! રાજા જેમ એનાં રાજ્યમાં કાંઈ પણ કરી શકે, એમ નિર્લજ્જ વ્યક્તિ કાંઈ પણ મનમાની કરી શકે.

અરે! રાજાને ય થોડી મર્યાદા હોય. જ્યારે આ નિર્લજ્જને કોઈ પણ મર્યાદા ન હોય: જાણે આ રાજાથી ય મોટો સર્વસત્તાધીશ!

લજ્જા-શરમના જે કેટલાક સહજ લાભો છે એના પર હવે આપણે વિચારણા કરીએ:

લજ્જા ધાર્મિક-નૈતિક મર્યાદામાં રાખે. કેટલીક મર્યાદાઓ ધાર્મિક હોય છે. ઉદાહરણરૂપે જૈન ધર્મ દ્વારા અપાયેલ મર્યાદાઓ વિચારીએ તો, ત્યાં કંદમૂળ આરોગવા પર પ્રતિબંધ છે. રાત્રિભોજનનો નિષેધ છે. આવી આવી ઘણી મર્યાદાઓ હોય છે અને એમાં પ્રબળ ધાર્મિક તર્કો-કારણો પણ છે. કેટલીક મર્યાદાઓ નૈતિક છે. ઉદાહરણરૂપે જોઈએ તો, મૂલ્ય ચૂકવ્યા વિના કોઈની વસ્તુ ન લેવાય. લખાણ કર્યા વિના કોઈની પાસે થી વિશ્વાસે રકમ ચુકવવી જ જોઈએ. આવી ઘણી ઘણી નૈતિક મર્યાદાઓ છે. મર્યાદા ધાર્મિક હો કે નૈતિક, એ વ્યક્તિ માટે લક્ષ્મણરેખારૂપ બની એને ગલત માર્ગે જતા અટકાવે. લજ્જા આ મર્યાદાઓને મજબૂત- સલામત રાખે કે 'ખોટું ન કરાય. ખોટું અગર કરીશ અને પકડાઈ જઈશ તો મારી સ્થિતિ સમાજ વચ્ચે કેવી શરમજનક થશે?'

આવા વિચારો મર્યાદાઓને કેવી અખંડ-અકબંધ રાખે એની પ્રતીતિ કરવી છે? તો વાંચો અમારા સાંસારિક પિતાજીની આ મસ્ત પ્રેરણાદાયક ઘટના:

એમનું નામ મફતભાઈ શાહ. એમણે એંશી વર્ષની વયે સંયમ સ્વીકારવાનું સત્ત્વ દાખવ્યું અને સાડા દશ વર્ષનો સંયમપર્યાય પાળી એકાણુંમા વર્ષે સમાધિમય કાલધર્મ પામ્યા. દીક્ષા પૂર્વે તેઓ અમારી સાંસારિક જન્મભૂમિ દર્ભાવતીતીર્થ- ડભોઈનગરના ધાર્મિક-સામાજિક અગ્રણીરૂપે મશહૂર હતા. જૈન સંઘના ટ્રસ્ટી અને પ્રમુખ, કોલેજના ટ્રસ્ટી, બેન્કના ચેરમેન વગેરે વિવિધ પદ પર એમણે માનદ સેવા આપી હતી. આ ઉપરાંત વાસણ અને કાપડના કુશલ વેપારીરૂપે તેઓ પ્રસિદ્ધ હતા. મુખ્ય બજારમાં એમની વાસણની-કપડાની દુકાનો હતી.

લગભગ પચાસેક વર્ષ પૂર્વેની વાત. દુકાનનો માલ ખરીદવા તેઓ મોટા શહેરમાં ગયા હતા. વધુ પ્રમાણમાં માલ ખરીદી ડભોઈ આવતા આવતા મધ્યરાત્રિ થઈ ગઈ. ગામબહાર જકાતનાકું હતું. તેઓ ગાડીમાં ત્યાં આવ્યા.

જોયું તો જકાત લેનાર કર્મચારીઓ બધા જ નિદ્રાધીન હતા. ધાર્યું હોત તો તેઓ જકાત ચૂકવ્યા વિના જ ગાડી લઈને નીકળી શક્યા હોત. પરંતુ તેઓએ એમ ન કર્યું. જકાતના કર્મચારીઓને ઉઠાડયા. બધો માલ બતાવ્યો અને એના 'વેલ્યુએશન' મુજબ પચાસ વર્ષ પૂર્વે જકાતના બારસો રૂ. ભરી પછી આગળ વધ્યા. પચાસ વર્ષ પૂર્વેની વાત અને નાના નગરનો વ્યાપાર: એમાં આ રકમ નોંધપાત્ર ગણાય તેવી હતી.

આ નૈતિક મર્યાદાના પાલનના મૂળમાં હતી ખાનદાની અને એના ય મૂળમાં હતી ખોટું કરવા બાબતમાં લજ્જા-શરમ. એમના કાલધર્મ (દેહાંત) પછી એમના વિશે અમે લખેલ 'દિવ્ય જીવનની જ્યોતિર્મય ઝલક' પુસ્તકમાં આ પ્રસંગ વાંચીને ઘણા મહાનુભાવોએ એમની નીતિમત્તાની અનુમોદના અમારી પાસે કરી હતી.

લજ્જા ખોટું કાર્ય કરતા અટકાવે: સમ્યક્ સમજપૂર્વક ગલત કાર્યથી-પાપથી વિરમી જવાય એ સૌથી શ્રેષ્ઠ બાબત છે. પરંતુ એવું ન બન્યું અને ક્યાંક કોઈ પણ કારણસર ગલત પ્રત્યે-પાપ પ્રત્યે આકર્ષણનું મન થાય ત્યારે લજ્જાની-શરમની વૃત્તિ અટકાવે તો એ ય ગલત કરવાની ભૂમિકા કરતાં તો નિ:શંક સારી વાત છે. આમાં ત્રણ સ્તર થયા. સમ્યક્ સમજપૂર્વક અટકવું એ ઉત્તમ સ્તર-શ્રેષ્ઠ સ્તર. લજ્જાવશ અટકવું એ મધ્યમ સ્તર અને નિર્લજ્જ બની ગલત કરવું એ અધમ સ્તર. આપણે અધમ સ્તરે ન ઉતરી જવું હોય તો કમ સે કમ લજ્જાગુણ તો આત્મસાત્ કરીએ જ.

લજ્જાગુણ ગલત કાર્યથી કેવા અટકાવે તે એક કાલ્પનિક કથાથી વિચારીએ:

એક ખેડૂતને ત્યાં બે પ્રાણી પાળેલા હતા. એક બળદ અને બીજો ગધેડો. બળદને એ ખેતીના કાર્યમાં જોડતો અને ગધેડાને ભાર ઊંચકવાના કાર્યમાં જોડતો. તકલીફ ત્યાં હતી કે ખેડૂત લોભીયો હતો. લોભના કારણે એ પેલા બન્ને જીવો પાસે તનતોડ મહેનત કરાવે, પરંતુ એને ભોજન ખૂબ ઓછું આપે. બંને પ્રાણીઓ માલિકના આ નિર્દય અભિગમથી પરેશાન થઈ ગયા હતા. એમના શરીર પણ નબળાં થતા જતા હતા.

બંને સમદુ:ખિયાં કંટાળેલ પ્રાણીઓએ માલિકની આ નિર્દયતા સામે કાંઈક કરવાનું નક્કી કર્યું. ગધેડો કહે : ' આપણે અસહકાર દાખવીને માલિકને આપણી કિંમત શું છે એ બતાવી દઈએ.' બળદે પૂછયું : એટલે? શું કરવાનું આપણે?' ગધેડાએ અસહકારની રૂપરેખા આપી : ' કાલે માલિક મારા પર ભાર મૂકવા આવશે ત્યારે હું જમીન પર આળોટવા માંડીશ. માંદો થઈ ગયો હોઉં તેવો દેખાવ કરીશ. છતાં ય જો એ મને ડફણાં મારીને ઉભો કરશે તો પહેલા જ પગલે બેસી પડી- આળોટીને માલિકનું અનાજ ધૂળભેગું કરી નાંખીશ. એ પેટ ભરીને ભોજન નહીં આપે ત્યાં સુધી હું આવાં નાટકો જ કરીશ. તારે પણ તારા કાર્યમાં આવાં નાટકો કરવાના. માલિકને નુકસાન કરવાના. બે-ચાર દિવસમાં એ સીધોદોર થઈ જશે.' બળદને આ વિચાર ગમ્યો. બંનેએ સંપીને બીજા દિવસથી ઉપર મુજબનું અસહકારઆંદોલન નક્કી કર્યું.

પણ... આ શું? બીજે દિવસે સવારે માલિક બળદને લેવા આવ્યો ત્યારે જરાય તોફાન-અસહકાર વિના બળદ ઉભો થઈને ખેતર તરફ જવા માલિક સાથે નીકળી ગયો. ત્યાં એણે રોજની જેમ કાર્ય પણ બરાબર કર્યું. ગધેડો નારાજ થઈ ગયો. સાંજે ખીલે બંધાયા પછી ગધેડાએ બળદને પૂછયું: 'તું આમ પાણીમાં કેમ બેસી ગયો?' બળદે કહ્યું : 'મને રાતભર એવા વિચારો આવ્યા કે આ રીતે માલિક સાથે બેવફાઈ હું કરું તો મારી માતા ગાયનું દૂધ લાજે. તું ભલે ગમે તે કરે કે માલિક ભલે પરેશાન કરે. પરંતુ મારે ગાય માતાના દૂધની લાજ રાખવી જ પડે. મારાથી કનડગતનું ખોટું કાર્ય ન જ થાય! માટે મેં કાંઈ કર્યું નહિ.'

કથા ભલે કાલ્પનિક છે. પરંતુ એનો બોધ વાસ્તવિક છે કે ખોટું કરવાનું મન થઈ જાય તો ય લજ્જા- કુલનું ગૌરવ અકાર્ય કરતાં અટકાવે. કાચી યુવાનીના દિવસોમાં કુમિત્રોના સંસર્ગથી ગાંધીજીએ છાનાંછપનાં દારુ-સીગારેટ-માંસભક્ષણનું પાપ એક વાર કર્યું. એમના સંસ્કારી પરિવાર માટે આ અશક્ય બાબત હતી. થતા તો આ પાપ થઈ ગયા. પરંતુ પછી એમને ખૂબ શરમ આવી. મનમાં વિચારોનું ઘમ્મરવલોણું ચાલ્યું. અંતે હિંમત એકત્ર કરી પિતાજી પાસે જઈ રડતા રડતા એ પાપનો એકરાર કર્યો અને જીવનમાં હવે ક્યારે ય આવું અકાર્ય ન કરવાનો સંકલ્પ કર્યો! આને પાશ્ચાત્તાપ પણ કહી શકાય. પરંતુ એનાં મૂળમાં લજ્જાજન્ય ખાનદાનીની વિચારણા હતી.

છેલ્લે એક સરસ વાત : 'પાપો ન થાય તે માટે આંખોમાં શરમનાં આંસુ જોઈએ... પાપો થઈ જાય તો ધોવા માટે પશ્ચાત્તાપના આંસુ જોઈએ...'