કાળના બંધનમાંથી મુક્તિ અપાવે છે ભગવાન નારાયણનું નામ, ગજેન્દ્ર કથામાં છુપાયેલો આધ્યાત્મિક સંદેશ

- બ્રહ્માદિ દેવોના પણ નિયંતા, અવ્યક્ત, આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય, અત્યંત દૂરહોય તેવા, અનંત અને સર્વના આદ્ય છે તેવા પરિપૂર્ણ પરમેશ્વરની હું સ્તુતિ કરું છું
શ્રીમદ્ ભાગવત એ ભગવાનનું વાઙ્ગમયી સ્વરૂપ છે. વાઙ્ગમયી સ્વરૂપ કહેતાં વાણી. એ શ્રીમદ્ ભાગવતજીનો અષ્ટમ્ સ્કંધ એ મનવંતર લીલા છે. અષ્ટમ્ સ્કંધમાં બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય, જેમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન છે. ગજેન્દ્ર એટલે હાથી. શ્રીમદ્ ભાગવતજીના અષ્ટમ્ સ્કંધના ત્રીજા અધ્યાયમાં ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે. એના હાથમાં કમળનું પુષ્પ છે. એણે ભગવાનને પોકાર્યા છે.
ગજેન્દ્ર બોલ્યો, હે પ્રભુ ! જે ભગવાન સર્વ શરીરમાં કારણ તરીકે રહેલા, સર્વના આદિકારણ અને પરમ ઇશ્વર છે અને જેમનામાં આ જગત ચૈતન્યમય છે તે ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. જેમના વિશે આ જગત રહેલું છે, જેનાથી આ જન્મે છે, જે જગતને રચે છે, પોતે આ જગત સ્વરૂપ છે અને કાર્ય તથા કારણથી પર છે, તે સ્વત: સિદ્ધ ભગવાનને હું શરણે જાઉં છું. જે સર્વના સાક્ષી અને અલપ્ત દૃષ્ટિવાળા હોઈ પોતાને વિશે પોતાની માયાએ ઉત્પન્ન કરેલા, કોઈ વેળા જાણતા અને અદ્રશ્ય થતા આ જગતને પોતે દેખે છે, તે સ્વયંપ્રકાશ અને પ્રકાશક ચક્ષુ આદિ ઇંન્દ્રિયોના પણ પ્રકાશક પરમાત્મા મારી રક્ષા કરો. સમગ્ર લોકો, તેઓના પાલકો અને તેઓના સર્વ કારણો કાળના નિમિત્તથી જ્યારે નાશ પામ્યા હતા ત્યારે ગહન અને ગંભીર એવો અંધકાર બધે હતો. તે અંધકારની પણ પેલી પાર જે વ્યાપક દેવ સર્વ તરફ પ્રકાશે છે તે ભગવાન મારી રક્ષા કરો. જે સ્વરૂપને મનુષ્યો જાણી શકતા નથી, તેમ જેમના પરમ સ્વરૂપને દેવો કે ઋષિઓ પણ જાણી શકતા નથી એવા દુર્ગમ ચરિત્રવાળા પરમેશ્વર મારી રક્ષા કરો. જેમને જન્મ કે કર્મ, નામ કે રૂપ અથવા ગુણો કે દોષ એ કંઈ નથી તે ભગવાનને મારા નમસ્કાર હો. અનંત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું.
મોક્ષના જે સ્વામી છે અને મોક્ષાનંદની જે અનુભવમૂર્તિ છે, તે ભગવાનને મારા નમસ્કાર હો. કોઈ જાતના ભેદથી રહિત, બધે સમાન ભાવે રહેલા અને કેવળ જ્ઞાનસ્વરૂપ આપને મારા નમસ્કાર હો. આપ પંચરાત્રાદિ સર્વ શાસ્ત્રો તથા વેદોના એક મહાન સમુદ્રરૂપ, મોક્ષ-સ્વરૂપ અને ઉત્તમ પુરુષોના આશ્રયરૂપ છો, તે આપને મારા નમસ્કાર હો. મારા જેવા શરણે આવેલા પશુના અવિદ્યારૂપી પાશને તોડી નાખનારા, સદાકાળ મુક્ત, સર્વ પર દયા કરવાવાળા આપને મારા નમસ્કાર હો. હે અતિ દયાળુ ભગવાન મારો આ ઝૂંડના બંધનથી છુટકારો કરો. બ્રહ્માદિ દેવોના પણ નિયંતા, અવ્યક્ત, આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય, અત્યંત દૂર હોય તેવા, અનંત અને સર્વના આદ્ય છે તેવા પરિપૂર્ણ પરમેશ્વરની હું સ્તુતિ કરું છું. જેમની માયા શક્તિથી થતી અહં બુદ્ધિને લીધે ઢંકાયેલા પોતાના આત્મારૂપ જે ભગવાનને લોકો જાણતા નથી અને જેમનું મહાત્મ્ય ઓળખવું મુશ્કેલ છે તે ભગવાનને શરણે હું ગયો છું. હું તો આત્મપ્રકાશના આવરણરૂપ અજ્ઞાનથી છૂટવા જ ઇચ્છું છું કે જે છુટકારાનો કાળ વડે કદી નાશ નથી તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માને શરણે જાઉં છું.
આમ, આધ્યાત્મિક રીતે અર્થ કરીએ તો ગજેન્દ્ર એટલે જીવ. જીવ જ્યારે સંસારમાં આવે છે ત્યારે કાળ કોઈને કોઈ સ્વરૂપે જીવને ઘેરી લે છે. કાળથી બચવાનો એક જ ઉપાય છે અને તે છે ભગવાન નારાયણનું નામ. મૃત્યુ સમયે નાણાં કામ નહિ આવે પણ નારાયણનું નામ કામ આવશે. એક હાથી જો ભગવાનની શરણાગતિ સ્વીકારતો હોય તો આપણે સાચા હૃદયથી ભગવાનના શરણે જઈએ તો ભગવાન આપણો સ્વીકાર કરે...
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

